Wednesday, May 17, 2017

વિકાસની કિંમત કોણ ચુકવે છે?

મિત્રો, દરેક વસ્તુની કિંમત હોય છે. વિકાસ હોય કે વિનાશ. અત્યારે સુખ સગવડ ને સાધનો એ માણસની રોજબરોજની જીંદગીને ઘણી સરળ બનાવી છે,મેડીકલ ને સંદેશવ્યવહારના સાધનોએ  માણસના આયુષ્ય ને આરોગ્ય પર આર્શીવાદરુપ છે.પણ એક નાનકડો નેઅસહાય વર્ગ એની કિંમત ચુકવે છે.જુઓ,હાઇવે થાય કે કારખાના કે એરપોર્ટ.જમીન નાના ખેડુતોની છીનવાય. કોઇ જમીનદાર કે મોટા વગદારની નહિ. રસ્તા પહોળા થાય કે દબાણ હટાવાય, કોઇશ્રીમંતનો  બંગલો નહિ પણ ગરીબોના ઝુંપડા  કે લારીખુમચા વાળા પહેલો ભોગ બને. મારી વાત કરુ. હુ ખેડુતપુત્રી. મારા દાદા સફળ ખેડુ. ગુજરાતના ઉતમ ખેડુનુ પ્રથમ પારિતોષિક પામેલા. અમેરીકાના દસ વરસના વસવાટ પછી વતનની મુલાકાત લીધી. જે જોયુ તે થોડુ આધાતજનક હતુ. દાદા તો હયાત નહોતા પણ એમની સોના જેવી જમીન વેડફાઇ ગઇ હતી.  એ જમીન પર મકાનો થઇ ગયા હતા. વાડીનો કુવો પુરાઇ ગયો હતો. એના પૈયામાં બન્ને બાજુના ઘટાદાર વૃક્ષો કપાઇ ગયા હતા.એ વૃક્ષોની છાયામાં બંધાતા  ગાય,ભેંસ ને બળદ, વાછરડા જેવુ પશુધન કાળના પ્રવાહમાં ક્યાય તણાઇ ગયુ હતુ. હા, પ્રગતિને નામે ગણો તો મારા માબાપ પાસે ગારમાટી ને નળીયાવાળા કાચા મકાનની જગ્યાએ પાકા અગાસીવાળા મકાન હતા. પણ  રહેવા વાળા એ બેજ રહ્યા હતા. મારા બધા ભાઇબહેનો વિદેશવાસી થઇ ગયા હતા. આબધુ જોઇને મને એ વેદના થઇ એ આ શબ્દોમાં રજુ કરુ છૂ
         'ખોરડા ખેતરમાં  ધસી ગયા
          ઉભા મોલને ગળી ગયા  
          તોતિંગ વૃક્ષો ઢળી પડ્યા
          પંખીઓના માળા ઉજડી ગયા.
           પંખીઓ તો ઉડી વિજવાયરે બેઠા
            પણ ગાયોના ધણ વિમાસીને ઉભા રહ્યા
           પુછે જાણે કે અમે ક્યા જઇએ?'
જુઓ કે આજીવિકાની ખોજમાં યુવાન સંતાનો પરદેશ નીકળી જાય છે.પરિવારના માળા વિખાંઇ જાય છે   પછી તો વિજવાયરે એટલે કે ફોન પર એની હાજરીનો અહેસાશ કરાવી લેછે.  કવચિત મળવા આવે છે. ટુંકી મુલાકાત ને વિદાય વેળાએ  એ વૃધ્ધ માબાપની આંખોમા આ જ સવાલ ડોકાય છે કે અમે ક્યા જઇએ. એ લોકો જુની ભુમિમાં પથરાયેલા મુળને કાપી નથી શકતા કે નવી ધરતીમાં એને રોપી શકતા. ન તો સંતાનો રોકાઇ  શકતા કે નથી માબાપ એને રોકી શકતા. સંતાનોની પ્રગતિથી એ સુખી થાય છે. પણ એ પ્રગતિમાં આવા અનેક એકાકી  વડીલોનો ભોગ લેવાય છે.      તો  સમાજનો એક બીજો અસહાય વર્ગ     પ્રગતિની કિંમત ચુકવે છે. નાના બાળકો. આજે દુનિયાભરની માનુનીઓ હજારો વરસોનુ મેણુ ભાંગવા મેદાને આવી ગઇ છે. લગભગ બધા જ ક્ષેત્રમાં છવાઇ ગઇ છે. પોતાની બુધ્ધીમતા ને કૌશલ્ય સાબિત કર્યુ છે. પણ ભોગ નાના બાળકો બને છે કે જેને જન્મતા જ નર્સરી, બેબીસીટર, ડેકેર કે આંગણવાડીમાં  ધકેલી દેવાય છે. એ જો બોલી શકતા હોત તો જરુર કહેત કે અમે ક્યા જઇએ?      એક કવિએ સાચુ જ કહ્યુ છે કે'ભવાની ભોગ ન માગે વાઘ કે સિંહનો
                                                                     એ તો માગે કુકડા, મરઘા કે બકરા'                                        


Monday, April 3, 2017

બુમરેંગ ભાગ ૨

આગલા અંકથી ચાલુ, સુમનશા આધાતથી લગભગ બેહોશ થઇ ગયા.કોઇપણ માબાપ માટે કંધોતર દિકરાનુ  અવસાન કરતા વધારે કમનસીબી શું હોઇશકે?એમાં પણ યુવાન પુત્રવધુની વેદના જોતા હૈયામાં ઝાળ ઉઠતી. પણ ધીમે ધીમે એનો શોક એક ક્રોધમાં પલટાવા લાગ્યો. પણ કોના પર ઉપર એ ઉતારવાનો? ભગવાન તો હાથમાં આવે એમ નહોતો. તો કોનાપર વાંક ઢોળી શકાય? હા. એક વ્યકિત તે  ડોક્ટર!એની સારવારમાં ભુલ હોય તોએ ડોક્ટરની જ. તો ડોક્ટરે એની ભુલની સજા ચુકવવીજ જોઇએ. એમા એક  વકીલે મનગમતી સલાહ ને સમર્થન આપ્યુ. 'આ ડોક્ટરો ય  માણસની જીંદગી સામે પૈસા ગણતા થઇ ગયા છે. માનવતા જેવુ કશુ રહ્યુ નથી.હવે તો પૈસાથી ડીગ્રી ય  ખરીદી શકાય છે. ' બસ આવાત એમના મગજમાં ઉતરી ગઇ. એવો પાઠ ભણાવી દો કે ફરીથી એ આવી બેદરકારી           કરવાની હિંમત ના કરે. સાથે જબરુ વળતર. આખરે લાલચ  મોખરે આવી ને ેદિકરાના મોતને વટાવવા તૈયાર થઇ  ગયા.
       ડોક્ટર પર સમન્સ આવ્યુ ને કોર્ટમાં હાજર થવાનુ ફરમાન થયુ. નિયત સમયે ડોક્ટર,વકીલ ને એક ત્રીજી વ્યકિત જેને દેખીતી રીતે કેસ  સાથે લાગતુવળગતુ નહોતુ. ફરીયાદીએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ મુક્યો હતો. જોકે કોઇ નક્કર પુરાવા વિના એ સાબિત થઇ શકે નહિ. તો સામે પોતાના બચાવમાં ડોક્ટરે એક ફાઇલ ને એક ઓડિયો ટેપ રજુ કરી. એના પરિક્ષણ પછી જજે જેચુકાદો આપ્યો એ શેઠ માટે મરણતોલ ફટકા સમાન હતો. તો જે દવા દિવ્યને બચાવવા આપવામાં આવી હતી એ સુમનશાની  કંપનીની જ બનાવટ હતી. જયારે એની અસરકારતા વિષે ડોક્ટરને સંદેહ ગયો ત્યારે લેબમા એની ખરાઇ વિષે પરિક્ષણ થયુ. સાબિત થયુ કે   આડઅસર ને એમાં રસાયણો સાથે ખિલવાડ કરવામાં આવ્યો હતો.એ જ દિવ્યના મૃત્યુનુ નિમિત હતુ. વધુમાં ે ઓડિયો ટેપ જેમાં સુમનશાએ પરાગને ભેળસેળ વિષે સહજતાથી સમજાવ્યુ હતુ ને આ માટેનો એનો બચાવ ટેપ પર  રેકોર્ડ થઇ ગયો હતો.એ  શેઠને આજે જ જાણ થઇ.જજે ચુકાદો જાહેર કર્યો'  ' શેઠ, તમારો અપરાધ સાબિત થઇ ચુક્યો છે. તમારી દવાથી ઘણા કુળદિપકો બુઝાયા હશે ને ઘણા એની આડઅસરોથી  પીડાતા હશે. આજે તમે જાતે જ તમારો કુળદિપક બુઝાવ્યો છે. 'બુમરેંગ'નો અર્થ તો જાણો છો ને? કુદરતે તો તમને સજા સુણાવી જ દીધી છે. તો અમારા જેવા શું સજા કરવાના? છતા તમારા જેવા નરરાક્ષસને સજા તો મળવી જ જોઇએ. તો તમને દસ વરસની સખત કેદ ને તમારી કંપનીને જપ્ત કરવામાં આવે છે. એ આશા સાથે તો આવા ગુના કરતા લોકો ગભરાય.    સંપુર્ણ

બુમરેંગ ભાગ ૧

સુમનશાહ એ શહેરના અગ્રગણ્ય નાગરીક. જાહેર સંસ્થાઓમાં એનો નોંધપ્રાત્ર ફાળો. એટલે એની હાજરી એવા સમારંભોમાં અચુક ગણાતી.એવા જ શ્રધ્ધાળૂ ભગવાનના પાકા ભક્ત. સવારસાંજ મંદિરમાં આરતીના દર્શન કદી ના ભુલે. એ વખતે એમનો ભકિતભાવ થી છલકાતો ચહેરો એવો તેજસ્વી લાગતો કે ખૂદ ભગવાનને મુર્તિમાથી બહાર આવીને ભક્તને ભેટી પડવાનુ મન થાય. જોકે એવુ કયારેય બન્યુ તો નહિ. ભાઇ,એ તો અસલી નકલી ચહેરોનો અભ્યાસી. હા, એની કૃપા તો સમજ્યા પણ એના ધરવાળા લક્ષ્મીદેવીની પુરી મહેર હતી સુમનશા પર. આજના લાંચરીશવતના સમયમાં બાહોશ! લોકો સાહેબ કરતા એના ઘરવાળાને પ્રસન્ન કરીદેએટલે કામ સફળ. પછી સાહેબ ગમે એવા પ્રમાણિક હોય કે ધમપછાડા કરે પણ ધાર્યુ ધણીયાણીનુ જ થાય.ભગવાન પણ આમાથી બાકાત નહિ હોય.        તો  સુમનશા બે ફાર્મા કંપનીના માલિક.ધમધમતો ધંધો. સંતાનમાં એક દિકરો. એ પણ કંધૌતર થઇને બાપાની સાથે જ જોડાઇ ગયેલો. ઘરબહાર બધે જ ઘીકેળા હતા શેઠને.          હવે એની કંપનીમાં એક કેમિસ્ટ ' ક્વોલીટી કંન્ત્રોલર'ની પોસ્ટ પર જોડાયો. ે પરાગ એનુ નામ. ટુંકસમયમાં જ એણે કંપનીની કામગીરી ને ગેરરીતિ જોઇ લીધી. પ્રમાણિક માણસ હતો. એણે પોતાના હાથનીચેના ને ઉપરના કર્મચારીઓ જોડે આ બાબત ચર્ચા કરી. બધાએ સાંભળ્યુ ને એક બીજા સામે આંખમિચામણા કર્યા. નવાણિયો છે ને સમય જતા  ટાઢો થઇ જશે. આમ પણ વછેરા વધારે કુદે. પણ પરાગની આ બાબત દખલગીરી વધી ને અસંતોષી કર્મચારીઓએ  વાત ઉપર  પહોચાડી. ને શેઠની ઓફીસમાથી તેડુ આવ્યુ.
     પરાગ પણ તૈયાર હતો. એને આવા ઘણા અનુભવ હતા. માણસ બાહોશ હતો.એટલે એને કાઢી મુકવા કે ધમકાવવાને બદલે જો સમજાવી કે પટાવી લેવાય તો પોતાના ને કંપનીના હિતમાં હતુ. શેઠે એને ઓફીસમાં બોલાવ્યો. િસ્મતસાથે આવકાર આપ્યો ને કામકાજ વિષે વાતચીત શરુ કરી. તો પરાગે પોતે દવાની ગુણવતામાં જે બાંધછોડ થતી હતી ને એના પરિણામો વિષે જે જોયુ હતુ એ જણાવ્યુ. એની નવાઇ વચ્ચે શેઠ પોતે બધુ જાણતા હતા ને એને માટે સફળતા માટેનો આ રાજમાર્ગ અલબત પૈસાની દ્રષ્ટિએ. એને એ કંપનીના બંધારણનો એક ભાગ માનતા હતા ને દરેક કર્મચારીએ ગુપ્તતા ને વફાદારીના શપથનુ  પાલન કરવુ જોઇએ.  પરાગ તો આ સાંભળી છન્ન થઇ ગયો.  પછી તો શેઠે એને આ જમાનામાં ભેળસેળ આપણા રોજબરોજના જીવનમાં એક અનિવાર્ય અનિષ્ટ બની ગઇ છે એ વિગતવાર સમજાવ્યુ. આપણો ખોરાક, મસાલા, વનસ્પતિ, શાકભાજી ને આપણૂ શરીર જ જુઓ. મોઢામાં નકલી દાંત, હદયમાં બનાવટી વાલ્વ, હાથપગમાં લોખંડના સરીયા કે કયારેક બનાવટી હાડકા, કયારેક એવી બિમારીમાં આપણે બીજાનુ ઉછીનુ લોહી કે કીડની પણ અપનાવીએ છીએ તો આપણે પણ આમાં ભેળશેળમાથી બાકાત કેવી રીતે રહી શકીએ?. કદાચ પોતાના બચાવમાં વકીલ આવી દલીલ કરીને કેસ જીતી જાય,પણ એનાથી સત્ય સાબિત થતુ નથી.       પરાગ આ સારી સમજી ગયો. ભલે શેઠે એને સીધી ધમકી નઆપી  પણ હવે એ કંપનીનુ રહસ્ય જાણી ગયો હતો. આજે નહિ તો ભવિષ્યમાં એના પર તવાઇ આવે.  એણે ચુપચાપ નોકરી છોડી દીધી.        
      પછી તો ખાસ્સો સમય વીત્યો. શેઠ એકવખત કામકાજ અર્થે વિદેશના પ્રવાસે ગયા. એ દરમિયાન એનો દિકરો દિવ્ય  બિમાર પડ્યો. પહેલા તો સામાન્ય તાવ. તાવ વધ્યો ને છેવટે હોસ્પિટલમાં દાખલ કર્યો. બેચાર દિવસની દવા ને ડોક્ટરની મથામણ  છતા ય પરિણામ શુન્ય. શેઠને સમાચાર મળ્યા પણ એ પહોચે એ પહેલા જ દિકરાએ દમ તોડી દીધો.        

Saturday, March 11, 2017

જે પોષતુ એજ મારતુ ભાગ ૪

એ એક દિવસ જાણે અચાનક સુરખીને રસ્તામાં મળી ગયો!' હાય સુરખી, શાદી મુબારક. હુ લગ્નમાં હાજર ના રહી શક્યો. હમણા જ બહારગામની આવ્યો. ભઇ તુ તો પરદેશીને પરણીને દેશીને ભુલી ગઇ હોઇશ. જવા દે. તુ સુખી તો છે ને?' એણે આખી વાતને બહુ સહજ બનાવવાનો અભિનય કર્યો. સુરખીના મનમાં ગુનાહિત લાગણી તો હતી જ,સાથે ભવાનીનુ આવુ ઉદાર વર્તન! એને વધારે ભીંજવી ગયુ. એ લગભગ રડી પડી.' સુરખી, જે થયુ તે, તારા સુખને ખાતર એકલી જીંદગી તારી યાદમાં  આપણા પ્રેમના સહારે જીવી જઇશ' એણે દેવદાસની અદામાં કહ્યુ.      આવી એકાદ બે અછડતી મુલાકાતમાં એણે સુરખીને મનાવી લીધી. એ પ્રમાણે સુરખી કેનેડા જાય, કોઇપણ કારણ બતાવી એના પતિને છુટાછેડા આપવા મજબુર કરે, એ દરમ્યાન ભવાની પણ ત્યા પંહોચી જાય ને બન્ને પરદેશની ધરતી પર પરણી જાય ને બહારથી એમ લાગે કે ભવાનીએ એનો હાથ પકડીને એના પર ઉપકાર કર્યો છે.          સુરખીને આ સમયે આ યોજનામાં કશુ અજુગતુ ન લાગ્યુ.  નિયત સમયે વિસા મળતા એ કેનેડા આવી ગઇ. યોજના પ્રમાણે ઘરના સભ્યોથી અતડા રહેવુ, કોઇ વાતમાં ભાગ ન લેવો, ચિરાગ તરફ ઉદાસીનતા ને ઉપેક્ષા. કોઇના લાગણીના બંધનમાં કે દબાણમાં ન આવવુ. છેવટ  આલોકો થાકીને સામેથી એને છુટી કરી દે. એટલે એનો કયાય વાંક ન આવે.      પણ એની ઇચ્છા વિરુધ્ધ એ ઘરમાં બધા જોડે એટલી ભળી ગઇ કે આગલી યોજના ભુલાઇ ગઇ. કારણકે ઘરમાં એને એટલો પ્રેમ ને આદર મળ્યો. હવે આ ધર છોડવાનુ એ સપને ય ન વિચારી શકે.        પણ ભવાની નહોતો ભુલ્યો ને એના વચનની યાદ અપાવવા જ આ ફોન આવ્યો હતો. હા, એ કેનેડા આવી ગયો હતો, કઇ લાયકાતે? આમ તો પૈસા સિવાય એની કોઇ યોગ્યતા નહોતી. આવા એકાદ બે સંદેશા સુરખીએ અવગણ્યા પછી એ આજે છેલ્લે પાટલે બેસી ગયો હતો. એની ધમકી કાનમાં પડધાતી હતી'  યાદ રાખજે, અહી તો ઠીક પણ દેશમાં ય તારા પરિવારના બુરા હાલ કરીશ. હુ તારા જેવી દગાખોર પ્રેમિકાઓને એવો પાઠ ભણાવીશ કે   આવી વિશ્રવાસઘાતીઓની યાદગીરી સતેજ રહે. બાકી તારા જેવી તો મારી કામવાળીઓ છે' તો 'જે પોષતુ તે મારતુ'એ કેટલુ સત્ય હતુ?નાનપણની એ રોટીની કિંંમત વસુલ કરવા એ પણ વ્યાજ સાથે શરીફ આવી ગયો હતો!         એ ઘેર તો માંડ  પહોંચી. રોજની માફક આખો પરિવાર સાંજના  જમણ માટે એની રાહ જોતો બેઠો હતો. નણંદે મીઠી મજાક કરતા કહ્યુ. 'આજે તોભાભીની મનપસંદ મીઠાઇ છે એટલે આપણા માટે કશું નહિ બચે.' આવી કેટલીય રસપ્રદ ને મજાક વચ્ચે જમણ પુરુ થયુ.       પણ બધાએ એ તો જોયુ કે આજે સુરખી ચુપ હતી. ઉદાસ કે વધારે જોઇએ તો ગમગીન હતી.         ચિરાગે પણ એ જોયુ. પણ જાહેરમાં પુછવાનુ ટાળ્યુ. રાતે શયનકક્ષમાં એને વિશ્રવાસમાં લઇ આખી વાત જાણી. તો સુરખીએ બધુ જ જણાવી દીધુ. આ પાર કે પેલે પાર. એકને  તો ગુમાવવાનો જ હતો.વાત સાંભળી ચિરાગ પણ વિચારમાં પડી ગયો. થોડો વિચારકરી  એણે પોતાની યોજના સમજાવી. બીજે દિવસે સુરખીની નોકરી પાસેના કોફી શોપમાં એનો આખરી ફંેસલો સાંભળવા ભવાની આવવાનો હતો. સુરખી એ યોજના પ્રમાણે જાણે કોઇથી ભાગતી હોય એમ ચારેબાજુ કાતરનજરથી જોતી કોફીશોપમાં ભરાઇ. એ જ સમયે ભવાની એની પાછળ પાછળ દોડયો ને એની પાછળ પોલીસ દોડી. ભવાની કાઇ સમજે એ પહેલા પોલીસે એના હાથમાં હાથકડી પહેરાવી ને કહ્યુ. 'તમને એક સ્ત્રીનો એની ઇચ્છા વિરુધ્ધ પીછો કરવાના ગુનામા પકડવામાં આવે છે. હવે બીજો સવાલ.તમારી પાસે આ દેશમાં રહેવાનુ કાયદેસર કોઇ પ્રમાણ હોય તો બતાવો' ભવાની શું બોલે કે શું બતાવે.    એ ધોયેલા મુળા જેવો દેશમાં પાછો આવ્યો ને પોતાની દાઝ ઉતારવા માસ્તરને ધેર દોડ્યો તો એ પણ પરિવાર સાથે અદ્રશ્ય થઇ ગયા હતા.          પુર્ણ

Friday, March 10, 2017

જે પોષતુ તે મારતુ ભાગ ૩

પછી તો સુરખીની હાલત કાઇક આવી થઇ. મન જરાક નવરુ પડે એટલે ભવાનીના જ વિચાર આવે.એને યાદ કરતા જ મોઢા પર સ્મિત ફરકી જાય. અકારણ કોઇ પ્રેમગીત યાદ આવી જાય. સુખ ને સુરક્ષાની અનુભુતિ થવા માંડે.એની હાજરી કરતા ગેરહાજરીમાં એ વધારે મોહક લાગે. શું આને જ પ્રેમ કહેવાતો હશે?શું એને પણ આવી જ લાગણી થતી હશે?જોકે હજુ સુધી એવો કોઇ અણસાર પોતે આપ્યો નહોતો કે સામેથી એને મળ્યો નહોતો. પણ પ્રેમ છુપ્યો છુપાતો નથી ને! હવે કયારેક આયોજીત કે અચાનક મુલાકાતો થવા લાગી. બન્નેની એમાંસંમતિ હતી. જોકે નાના શહેરમાં સાવચેતી રાખવી પડે. આવા સબંધોને જ્યા સુધી સમાજમાન્ય સંમતિ ન મળે ત્યા સુધી .
   સુરખીના માબાપને જાણ થઇ. એણે દિકરીને ભયસ્થાન સમજાવ્યા'બેટા, અાપણા સમાજમાં હજુ ધનવાન ગરીબના ભેદ છે. ભવાનીના માબાપ સજ્જન માણસો છેએમાં ના નથી. પણ એના દિકરા વિષે મે તપાસ કરી છે. અભ્યાસમાં ઠીક પણ ચારિત્ર્ય બરાબર નથી. હુ સામાન્ય યુવાનોના સ્વભાવિક વલણ કે છોકરમતની વાત નથી કરતો. એટલે અમારી નામરજી છે. છતા તારે આગળ વધવુ હોય તો એને ચકાસી જોજે'       આ  ચેતવણી પછી એ થોડી સાવધાન થઇ ગઇ.   એટલામાં એક બીજી ધટના બની. એક દિવસ એ કોલેજથી ધેર આવી તો આંગણામાં કાર જોઇ.  આવા ઠાઠથી આવવા વાળુ કોણ હશે? હા, કોઇ અજાણ્યા મહેમાનો હતા. એને લઇને આવનારા સુરખીના કાકા ને સાથે એક સુંદર યુવાન  ને કદાચ એના માબાપ. જેવી એ આવી કે બધાનુ ધ્યાન એના તરફ ખેંચાયુ. એ જાણે ધ્યાનનુ કેન્દ્ર બની ગઇ. એની જ રાહ જોવાતી હતી!    સામાન્ય વાતો થઇ ને જમી પરવારી મહેમાનો ગયા. પછી એને જાણ થઇ કે આ તો "પરદેશી પોપટ'એના વરણ કે હરણ માટે જ આવ્યો હતો.  એકાદ દિવસમાં કાકાનો ખુશીનો સંદેશો આવી ગયો.વધારે વાત ચેરાય એ પહેલા માસ્તરદંપતીએ માગુ સ્વીકારી લીધુ. સામી પાર્ટી પાસે ખાસ સમય નહોતો એટલે એક જ અઠવાડીયામાં કોર્ટમેરેજ થઇ ગયા ને એકાદ અઠવાડીયાનુ સહજીવન, કોન્સયુલેટમાં વિઝા માટે અરજી કરીને ટુંક સમયમાં મિલનની આશા આપી 'પોપટ' પાછો ઉડી ગયો.        હવે ભવાનીએ આજાણ્યુ,એ પહેલા તો મરુ કે મારુ થઇ ગયો. એનો અહમ ઘવાયો ને આ બેવફાઇ ને વિશ્રવાસઘાતની પ્રેમિકાને શુ સજા કરવી? એની યોજના વિચારવા લાગ્યો. પણ એના એક દોસ્તે આવા મારકાપ કરતા બીજી જ તરકીબ બતાવી.      ક્રમશઃ

જે પોષતુ તે મારતુ ભાગ ૨

હા. આ ભુત કબરમાથી  નહિ પણ દરીયાપારથી આવીને એના ફોનમાં પ્રગટ થયુ હતુ. એ હતો ભવાની. એનો પ્રથમ પ્રેમ. કંઇક અંશે પોષક.
    સુરખી એને બચપણથી જાણતી હતી. સુરખીના બા રમાબેન હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતા. પણ એની આવડત ને નવુ શીખવાની ધગશ. એટલે નર્સોની સાથે કામ કરતા કરતા  અનુભવે ઘણુ જ્ઞાન હતુ. કયારેક એવી આળસુ નર્સો એના પર પોતાનુ કામ છોડીદેતી ને એ કુશળતાપુર્વક પાર પાડતા. દિપાબેન ને ભાઇલાલ ગામના સંપન્ન્  માણસો,ભવાની એમનો મોટો દિકરો. ભવાની ત્રણ વરસનો હતો ને દિપાબેનને બીજી પ્રસુતિ માટે હોસ્પિટલમા જવાનુ થયુ. પ્રસુતિ બહુ કષ્ટદાયક હતી. એ સમયે એમની સારવારમાં રમાબેને દિલ દઇને કામ કર્યુ. ઘરના માણસની જેમ. એમને બે માસ જેવુ હોસ્પિટલમાં રહેવાનુ થયુ. એ દરમિયાન બન્ને વચ્ચે નવો જ નાતો બંધાઇ  ગયો. દિપાબેનને રજા મળી,પણ હજુ બહુ નબળાઇ લાગતી હતી. સાથે નાના બાળકની જવાબદારી. એમણે રમાબેનને સમજાવ્યા. એમની અત્યારની નોકરી કરતા વધારે પગારઆપવાની તૈયારી દર્શાવી. રમાબેન માની ગયા.એ સમયે સુરખી પણ ભવાનીની ઉંમરની. સુરખીના પપ્પા પ્રાથમિક શાળાના શિક્ષક. એટલે દિપાબેને સુરખીને પણ સાથે લાવવાનુ સુચન કર્યુ. એ રીતે સુરખી ને ભવાની સાથે ઉછરવા લાગ્યા.
       ભવાની એક બાળક તરીકે બહુ સરળ હતો. એ પોતાની ખાવાપીવાથી માંડી રમકડા બધી વસ્તુ   સુરખીને  આપતો. એટલે રમાબેનને આનંદ ને રાહત થતી. તો સુરખીને પોતાના ઘર જેવો અહેશાસ થતો. તો શ્યામભાઇ સુરખીના પપ્પા ભવાનીને  ભણાવતા. એમ પરસ્પર ચાલતુ. બન્ને બાળકોએ પ્રાથમિક શાળા પુરી કરી. પછી તો સુરખી જાતે ઘેર એકલી રહી શકતી. બાપદિકરી સાથે શાળામાં આવતા જતા. એ જ સમયે ભાઇલાલે સોસાયટીમાં નવુ મકાન લીધુ. રમાબેને પણ એ કામ છોડી દીધુ. એટલે હાઇસ્કુલમા બન્નેનો સંપર્ક નહિવત થઇ ગયો.સહશીક્ષણ હજુ શરુ થયુ નહોતુ
   પણ કોલેજમાં પાછા બન્ને ભેગા થઇગયા. પણ હવે એ શૈશવ ને એ ભોળપણ નહોતુ રહ્યુ. યૌવનનો પ્રથમ સ્પર્શ ને પરસ્પરની જોવાની દ્રષ્ટિ બદલાઇ ગઇ હતી. બન્ને એકબીજાને ચોરીછુપીથી જોઇ લેતા . ખાસતો સુરખી     ક્રમશઃ

જે પોષતુ જે મારતુ ભાગ ૧

        સુરખી વરસ દાડા પહેલા જ દેશ  ને પ્રેમાળ પરિવાર પરિવારની વિદાય લઇને કેનેડા સાસરે આવી હતી.  માબાપ ને ભાઇભાંડુનો વિરહ સાલતો. કદીક આંસુ આવી જતા. કેવુ હશે સાસરુ? પોતે નાના ગામની સામાન્ય પરિવારની છોકરી.  આખી મુસાફરીમાં એ જ વિચારો.મિલન ને વિરહની મિશ્ર લાગણી વચ્ચે પ્રવાસ પુરો થયો. કસ્ટમ બતાવી બીજા મુસાફરો જોડે વેઇટીંગ રુમમાં આવી. બારીના કાચમાથી બરફ વર્ષા  કદાચ પ્રથમ વખત જોઇ. થોડી ઉતેજના થઇ. સાથે પવનનુ જોર હતુ. એટલે બરફ ઉડતો હતો. બારણુ ખુલે ત્યારે ઠંડા પવનની લહેરખી ધ્રુજાવી જતી. લોકો લાંબા ભારેસલ્લ કોટ ને હેટ  ગરમ પોશાકમાં સજ્જ હતા.      એ પણ બધા ઉતારુની માફક પોતાના તેડાગર ને મનના માણીગરના ઇંતજારમાં હતી.      ને કલાકેક પછી એની પ્રતિક્ષાનો અંત આવ્યો. ચિરાગ એને ખોળતો કાઉન્પર આવ્યો ને એક નજર મુસાફરોના લિસ્ટ નાખી. એની નજરમા ય તડપન હતી. બે નજર એક થઇ. જાણે ધરતી ને આભનુ મિલન. જોકે આટલા લોકોની સામે ચિરાગનુ આલિંગન એને શરમાવી ગયુ. એણે ચહેરો દુપ્પટામાં સંતાડી દીધો. ચિરાગ હસી પડ્યો ને કમરે હાથ વિંટાળી નવી દુલ્હનને બહાર લાવ્યો. રસ્તામાં બરફના તોેફાનને લઇને ખાસ વાહનવ્યવહાર નહોતો. બરફને કારણેજ એ સમયસર આવી નહોતો શક્યો.           છેવટે  ઘર આવ્યુ! હા પોતાનુ ઘર! એ ઉતરી ને સાથે  પવનના જોરદાર ઝાપટથી પડતા પડતા રહી ગઇ. હા,એનો વેશ ને ચપ્પલ આ વાતાવરણને જરા ય અનુસંગત નહોતા. છેવટે ગૃહપ્રવેશ ને ઉષ્માભર્યુ સ્વાગત. બહાર ભલે ઠંડી હતી પણ ઘરમાં ઉષ્મા હતી ને ખાસ તો સાસુસસરા ને દિયરનંણદનો પ્રેમાળ આવકારમાં એ બધુ ભુલી ગઇ.     ને આખરે પિયુમિલન. સમય અહી હંમેશ માટે થંભી જાય તો!       પણ કાળનુ ચક્ર તો ફરતુ જ રહે છે. સારાનરસી પળો સરતી જાય છે.  માણસને એના પ્રવાહમાં ઘસડાવાનુ જ રહે છે જો પ્રવાહ સાથે  સરવા કે તરવાની તૈયારી ન હોય. નવજીવનનુ પરોઢ. એ તૈયાર થઇને નીચે આવી ત્યા સુધીમાં સવારનો નાસ્તો ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઇ ગયો હતો. દેશ પરદેશ બન્ને પ્રકારની વાનગી હતી. માત્ર  એની જ રાહ જોવાતી હતી. એને આનંદ સાથે થોડો સંકોચ પણ થયો.
       પછી તો સરલાબેને એને બધી રીતરસમ શીખવી ને ટુંકસમયમાં ઘરકામમાં માહીતગાર કરી દીધી. કારણ બધા જ નોકરી કરતા હોય એટલે સહકારથી જ ઘર ચાલે.  પછી તો સુરખીએ પણ ભણવાનુ ચાલુ કરી દીધુ. સાથે પાર્ટટાઇમ નોકરી પણ શરુ કરી. બે વરસમાં એનુ ભણતર પુરુ થયુ ને સારી નોકરી પણ મળી ગઇ.           પછી જીવનનુ બીજુ પ્રકરણ એ એણે ભારતમાં અધુરુ છોડ્યુ  હતુ એ શરુ થયુ.
     એક સાંજે ઓફિસ છુટવાનો સમય થઇ ગયો ને એ પોતાનુ કામ આટોપતી હતી ને ફોનની રીંગ વાગી. કોઇ અજાણ્યો સંદેશો હતો. સંદેશો વાચતા એને ઘડીક તો સમજાયુ નહિ. નહિ એ અહીયા કયાથી હોય ?ને હોય તો મારો ફોન કેવી રીતેમળે?  જો કે આજના ટેકનોલોજીએ પ્રાઇવસી જેવુ રહેવા નથી દીધુ.માણસને  માણસથી સંતાવાની જગ્યા નથી રહી. સંદેશો વાચતા એ ધ્રુજી ગઇ. એરકંડીશન ઓફીસમાં ય પરસેવો થઇ ગયો. નજર સામે ભુતકાલનુ ભુત ધુણવા માંડ્યુ      ક્રમશ