Wednesday, October 31, 2018

લગ્ન ગીતો ભાગ ૨

ભાગ ૨    આ પ્રસંગે વ્યકિતની શારીરિક, માનસિક ને આર્થિક હાલત છતી થાય. સમાજમાં એના સમાયોજનની સફળતા સફળતા, સમજણ ને કુશળતાની કસોટી થાય. એસમયના સમાજમાં પ્રસંગમાં બહુધા આધાર આસપાસના લોકોનો જ રહેતો. જાન લઇને દિકરો પરણાવવા જવુ હોય તો ગાડા ને બળદની જરુર પડે, જમણવાર  હોય તો રસોઇના વાસણો, રસોયા, પીરસનારા આ બધુ  આસપાસના પરિચિતો ને પાડોશી ને સગાની જરુર પડે. જે લોકો બીજા લોકોના પ્રસંગે મદદ કરતા હોય, સ્વયસેવક તરીકે રાતદિવસ જોયા વિના ખડેપગે હાજર રહેતા હોય એવા લોકોને ત્યા આવા પ્રસંગે કામ કરવા લોકો સામેથી તૈયાર હોય. બીજી એ પણ વિશેષતા કે આ પ્રસંગે ગામના વસવાયા કે કારીગરોને પણ સાંકળી લેવામાં આવે. જેમ કે કુંભાર માટલી લાવે, લુહાર દિવડો લાવે, દરજી વરકન્યાના વાઘા ને કન્યાનું આણુ તૈયાર કરે, મોચી મોજડી ને ચંપલ બનાવે. એ જ પ્રમાણે બીજા કારીગરો પણ સામેલ થાય. ટુંકમાં નાના સમાજના દરેક સભ્ય યોગદાન કરે. એક વિધિ જુઓ. મંડપરોપણ પછી ચાક વધાવવા કુંભારને ધેર જવાનુ. ચાકડાની પુજા થાય. સમજીએ તો ચાકડાએ માણસની પ્રગતિમા બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગાડાનું પૈડુ, સાયકલ, સ્કુટર, મોટર કે વિમાનનું પૈડુ. ને કૃષ્ણનું સુદર્શન ચક્ર ને ગાંધીજીનું રેંટીયાનું પૈડુ.ચાકડો પણ ગોળ. એટલે માનવવિકાસના આધારરુપ ચાકની પુજા થાય. દિવડો એ માટીના કોડીયાના જમાનામાં અજવાસનું પ્રતિક. હવે આવા પ્રસંગે થોડા એવા  ટીકાખોર ને વિધ્ન સંતોષી ય હોવાના. ગમે એવી સારી વાતમાં ય દોષ દેખાવાના. એ સમયે આવા ટીકાખોરોની નિંદા ને નજરઅંદાઝ કરવી પડે. એની સાથે ઝધડો નકરાય. કોઇ પણ સમજદાર પોતાના શુભપ્રસંગે આટલા મહેમાનો સામે ઝધડો ન કરે. એટલે એક વિધિ જેને ઉકરડી દાટવી એમ કહેવાય. જે મંડપ રોપણ પછી બહેનો કરતા હોય.     હવે ગણેશસ્થાપના થાય ને આંગણામાં માણેકસ્તંભ રોપાય.ને મંગલ ગીત ગવાય
' સોનાની સળીએ માંડવો,રુપાની સળીએ માંડવો. પ્રથમ ગણેશજીને તેડાવો, બેનીને મીંઢોળ બંધાવો.'
 પછી પીઠી ચોળાય. વાનો વેચાય ફટાણા ગવાય ને વળતે દિવસે જાનની વાટ જોવાય.
આ બાજુ જાન પ્રસ્થાન થાય. વેવાઇને મોર મારફત સંદેશો મોકલાય
' મોર જાજે ઉગમણે દેશ,મોર જાજે આથમણે દેશ, વળતો જાજે રે વેવાઇને માંડવે હો રાજ'
તો કન્યા પક્ષે ય તડામાર તૈયારી હોય. જાન ગામના પાધરમાં આવેને કન્યા વરને નીરખવા મેડીએ ચડે 
' દાદાએ ઉંચા ગઢડા ચણાવ્યા,ગઢથી ઉંચા ગઢના કાંગરા.
ગઢડે ચડીએ બેનબાએ રાયવર નીરખ્યા'. ને પિતાને ફરિયાદ કરે
' દાદાજી અમે રે ગોરા ને રાયવર શામળા' ને પિતા સમજાવે
' દિકરી,એના ના કરીએ ઓરતા, દિકરી દુવારીકામાં રણછોડરાય શામળા'
  પછી તો વરના સામૈયા થાય ને ઝાલરટાણે વરધોડો નીકળે
' શુકન જોઇ ચડો રે વરરાજા, શુકને દાદા હોય રે વરરાજા' ને પેત્રોમસને અજવાળે માંડવે જાન આવે ને પોંખણા થાય. મંડપમાં વરરાજા બેસે પછી ગોરબાપા કન્યા પધરાવવાનું એલાન કરે. ત્યારે ત્રણ વખત 'સાવધાન' બોલે. મજાકમાં કહીએ તો વરરાજાને સાવધાન કરે કે આ છેલ્લી તક છે. સામે બેઠેલી છોકરીઓને જોઇ લેવાની. પછી તો જે માંડવા આવી રહી છૈ એજ તારી. બાકી બધી તારી સાળી. મામા માંડવામાં કન્યા પધરાવે ને સાળીઓની જીભ છૂટી થાય.
ને ફટાણા વર કહેતા બનેવીને ચીડવવા જ સ્તો
'કારે જમાઇ તું અણૌસરો,તારે અડદની અણસાર.
ઝિપટાનો ઝુડતલ, સાંઠીઓનો સુડતલ.હળનો ઢાંઢો હળવો હળવો હાલ'. તો બીજુ ગીત
 'કાળા કાળા રે તાવડીના તળીયા જેવા તમે ક્યાથી આવ્યા રે'વરપક્ષને માઠુ લાગે તો કન્યાના વડીલો વાત વાળી લે કે ભાઇ,આતો વાછટીયા ગાય છે. 'વાછટીયા એટલે કે વચેટીયા. આજુબાજુના બૈરા, બહેનપણીઓ, પાડોશીઓ. એને તો વર ખીજાય તો વધારે મજા પડે. બે પક્ષ વચ્ચે મનદુઃખ થાય એમા એને કેટલા ટકા?
  પછી કન્યાદાન પછી ચોરીઓ, ભાઇ જવતલ હોમે. અહી પણ કુટુંબના બધા સભ્યોને ભાગ લેવાનો ઉમંગ થાય એમ દરેકનો રોલ. ભાઇ જવતલ હોમે, મામા મંડપમાં કન્યા પધરાવે, માબાપ કન્યા દાન કરે, ભાભી પોંખણા કરે, નાની બેન સામૈયુ લે, ફૌઇ જડ વાસે, વરનો બનેવી અણવાર થાય. એ છેવટ વિદાયવેળા આવે ને આનંદના બલુનમાંથી હવા નીકળવા માંડે. હસતા ચહેરા ગંભીર થઇ જાય ને આંખોમાં આંસુ ઉભરાય.       આગળના અંકે




લગ્નપ્રથા ને લગ્નગીતો

આપણા હિંદુધર્મમાં વિવાહને એક  સંસ્કાર માનવામાં આવ્યો છે. સોળ સંસ્કાર પૈકીનો એક. એક સામાજિક કરાર. બન્ને પક્ષે જવાબદારી છે ને આખા સમાજની હાજરીમાં વરકન્યા એ મંજુર કરે છે. સુખી લગ્નજીવન વ્યકિત, પરિવાર ને સમાજની ઉન્નતિ માટે મહત્વનું છે. ભાવિ પેઢીના વ્યવસ્થિત ઉછેર પર જ વર્તમાન પેઢીના સુખશાંતિનો આધાર છે. સમાધાન ને સમાયોજન બન્ને પક્ષે જરુરી છે, કારણ કે માનવબાળકનો ઉછેર ને ઘડતરમાં લાંબો સમય લાગે છે. એટલે માબાપ વચ્ચે સંપ ને સમજણ હોય તો જ એ શક્ય બને. ઉપરાંત લગ્નથી માત્ર બે વ્યકિત જ નહિ પણ બે પરિવાર જોડાય છે. લગ્ન કરાર ભંગ થાય તો એક કરતા અનેક લોકોને અસર થાય છે. એટલે હિંદુધર્મ ને સમાજમાં છુટાછેડા નછુટકે થાય છે.      આ બધા કારણસર લગ્ન પરિવાર માટે બહુ મહત્વની ઘટના કહેવાય. માબાપ આ જવાબદારી પુરી કરીને જાણે માથા પરથી મણનો બોજ ઉતરી ગયો હોય એવી રાહત અનુભવે.  સાથે યુવક યુવતીના જીવનમાં પણ અસાધારણ પ્રસંગ. એક જ વખત આવું ધ્યાન ને માન મળે. એક દિવસનો રાજા  'વરરાજા"
       વિવાહ નક્કી થાય એમા ઘણા ક્રમ છે. જેમકે ચાંદલો, ચુંદડી, મંડપરોપણ, જાનપ્રસ્થાન ને આગમન, વરઘોડો, માયરા, કન્યાદાન, ચોરીઓ, ચાર ફેરા, જવતલ, ને છેલ્લે કન્યા વિદાય. આજે આપણે આ પ્રસંગે ગવાતા મંગલગીતો પર ઉડતી નજર નાખીએ. જે સમયમાં ડી. જે કે રેડીયો કે ટેપરેકોર્ડ નહોતા ત્યારની વાત છે.
      પ્રથમ તો વિવાહ નક્કી થાય. વરપક્ષ તરફથી કન્યાને ચાંદલો કરવા ને ચુંદડી ઓઢાડવા આવે. ચુંદડીનો અર્થ કે આ દિકરીને અમારા પરિવારમાં સમાવી લેવામાં આવે છે. જાહેરનામુ!    એની સાથે મંગળગીત ગવાય
  " નવે નગરથી સુંદર ચુંદડી આવી રે. લેરખડા મારે ચંપાબેનને કાજ. ઓઢોને બેની ચુંદડી'

પછી લગ્ન નક્કી થાય, સગાવહાલાને પાડોશીઓ ભેગાથાય. ગોર મહારાજ ના હાથે આ કરાર લખાય.ને એજ વરપક્ષને પહોચાડે. કંકુ છાંટીને કંકોતરી છપાય ને સગાવહાલા ને આમંત્રિતોને મોકલાવાય. એ વખતે ગવાય,
' કંકુ છાંટી કંકોતરી મોકલજો, એમા લખજો વરકન્યાનું નામ કે વિવાહ આવ્યા ઢુંકડા'
 પછી ઘરમાં રંગરોગાન થાય. શણગાર થાય. મોતીના તોરણ,ચાકળા, ટોડલીયા, ગણેશસ્થાપના, હીરના ચંદરવા, પરદા,  ઝુમ્મર.એના ભરેલા આભલાથી ઘર ઝળહળી ઉઠે. દિવાની જરુર જ નહિ.

એ સમયે આજના જેવી કેટરિંગ કે ડી. જે. કે મંડપસર્વીસ નહોતી. આસપાસના બહેનો ભેગા થાય. અનાજ સાફ કરે, વડી,પાપડ, પાપડી, વેફર તૈયાર કરે. એ સમયે પણ ગીતો તો ચાલુ જ હોય.  લગ્નનો દિવસ આવે ત્યા સુધી સવારસાંજ બહેનો પ્રભાતીયા ને સાંજે મંગલ ગીતો ગાય. એક નમુનો પ્રભાતીયાનો
 ,''ચાંદા શીળી રાત રે કાનકુંવર જનમીયા, કાનડદેવ જનમીયા ત્યારે વાસુદેવને ઘર દિવો રે'
'સુભદ્રાબેનના વીરા સદા રહેજો વહારે રે'                        આગલા અંકે

Sunday, September 30, 2018

સામાજિક સબંધો

નમસ્તે જિજ્ઞેશભાઇ, કુશળ હશો. હું હજારો ગુજરાતી ભાષાના ચાહકોને વાંચકો વતી તમારી કુશળતાની પ્રાર્થના કરુ છું.     વિશેષમાં  લધુવાર્તાઓ માણી. એ સંદર્ભમાં આર, એંજલ. સંજય ભાઇ લિખીત વાર્તા. વિષેમારા વિચારોરજુ કરુ છું.   આપણા ભારતીય સમાજમાં પરિવારના દરેક સભ્યનું પદ ને એને અનુરુપ
ફરજ જે વિશેષતા કે બંધારણ નક્કી હોય. સાસુ,સસરા, કાકા કાકી, ફોઇ, મામા, મામી, માસી. વિવાહ પછી યુવાન યુવતીના સંબધોમાં નવા હોદેદારો ઉમેરાય. યુવતી માટે વહુ, સાસુ, સસરા, નંણદ,દિયર,દેરાણી ,જેઠ જેઠાણી, યુવાનો માટે સાસુ સસરા, જમાઇની પદવી, સાળી, પાટલાસાસુ, સાઢુ,ઉપરાંત ભત્રીજા ને ભત્રીજી,ભાણેજ , બનેવી, આ બધી પદવીની ખાસ પકારના વર્તનની જે ફરજની અપેક્ષા હોય છે. પછી તો આ બંધારણ એટલુ જડ બની જાય કે એમાં ફેરફાર કરનારનો ઉદેશ ઉમદા હોય તો પણ એનું મુલ્યાકન એની ભુમિકા પ્રમાણે કરવામાં આવે છે. એક પુર્વગ્રહ સાસુને મા બનતા કે એક સમજદાર વહુને દિકરી બનતા અટકાવે છે, એક નણંદ ભોજાઇ એકબીજાની હરીફ મટી સારી મિત્ર બની શકતી નથી. દેરાણી જેઠાણી  એકબીજા સાથે નિખાલસતાથી ઘરના પ્રશ્નો  ઉકેલી શકતી નથી. ઘરની કોઇ સમસ્યામાં ઘરના બધા સભ્યો સાથે બેસીને ચર્ચા કરી શકતા નથી. આપણા સમાજમાં સાસુવહુનો સંબંધ સહુથી વગોવાયેલો ને કમનસીબ છે. કારણ બચપણથી જ  છોકરીઓને આ ,સાસુ નામના પ્રાણીથી  સાવચેત રહેવાની સાથે ગભરાવી દેવામાં આવે છે. એ પુર્વગ્રહ સાથે જ એ નવા સંસારમાં પ્રવેશે છે. જુઓ એક મા દિકરીને કે દિકરી મા ને કહે કે ‘ તને આટલુ ય નથી આવડતુ? ‘ અથવા કોઇ બાબત સલાહ આપે તો એકબીજાને માઠુ નહિ લાગે પણ એક વહુ સાસુ કે સાસુ વહુને આ જ શબ્દો કહે તો મહાભારત થઇ જાય. એમાં વરસો જુનો પુર્વગહ કામ કરી જાય છૈ. એમાં પાછા આપ ણા લોકગીતો. ફિલ્મો,ને એવી વાર્તા ,સાહિત્ય એની પુર્તિ કરે છે.
 આપણા લગ્નગીતો ને કન્યા વિદાયના ગીતો એટલા કરુણ ને કન્યાપક્ષની કાલ્પનિક અસહાયતાથી ભરપુર હોય છે કે દિકરીને નવજીવનને બદલે જાણે કસાઇવાડે ધકેલતા હોય.  એ જ માનસીકતાથી નવવધુ ઘરમાં પ્રવેશે ને દરેક સભ્યોના વર્તનનું એ પુર્વગ્રહ પ્રમાણે મુલ્યાંકન કરે ને ફરી એ જ વિષચક્ર ચાલુ થઇ જાય.
    કદાચ આજે થોડુ પરિવર્તન આવ્યુ હોય. પણ આપણા સહિત્ય ને સિનેમા હજુ પણ આ હરિફોને લઇને પ્રેક્ષકોને મનોરંજન પીરસે છેને સમાજ! સેવા કરે છે.

crime against women

નમસ્તે હર્ષદભાઇ, હું  વિમળા હિરપરા, આ લેખ મોકલું છું. પુર્વીબેન મલ્કાણની ભલામણથી, આશા સાથે કે આપને કાંઇક અર્થપુર્ણ લાગે તો અભિપ્રાય આપશો.
       આપણા સાંપ્રત   સમાજની એક સમસ્યા  જે દિવસે દિવસે વકરતી જાય છે એ છેસ્ત્રીઓ ઉપર થતો અત્યાચાર ને સામુહિક બળાત્કાર. નાની નિર્દોષ બાળકીથી લઇને વયસ્ક સ્ત્રી કોઇ સલામત નથી. બહુ ચિંતાજનક સામાજિક સમસ્યા છે. સમાજમાં દરેક સ્ત્રી કે દિકરીના માબાપને ઉંધ ઉડાવી દે. અત્યાર સુધી પરાઇ સ્ત્રી માતાકે બેન દિકરી મનાતી ને એના રક્ષણ માટે અજાણ્યા પુરુષો ય તૈયાર રહેતા.  આ એજ ધરતી છે જ્યા રાખડીની આબરુ સચવાતી ને  એવી માનેલી બેન માટે માથુ ઉતારી દેનારા નરવીરો પેદા થયા છે એ જ ધરતી પર આજે સ્ત્રી ગમે તે ઉંમર હોય સલામત નથી!શું થયુ આપણી સંસ્કૃતિ ને જીવનમુલ્યોને?
       ચાલો  થોડા ઉંડા ઉતરીએ કે આપણી કયા ભુલ થઇ.             આપણા સમાજમાં  શ્રમવિભાજનમાં ઘરકામ સ્ત્રીઓ ને બહારનું કામ પુરુષો માટે વંહેચાયેલું  હતું.    બન્નેના ઉંછેર જ એ રીતે થાય> છોકરાઓને  બહારના કામ માટે તૈયાર કરવામાં આવે. બહાદુર બનાવાય.જો ઢીલો પોચો હોય તો છોકરી જેવો નમાલો કહીને ઉતારી પાડવામાં આવે. સામે છોકરીઓને નમ્રતા ને શાંતિ રાખવાની સલાહ અપાય. એટલે એકનું ઘડતર બુધ્ધિ ને બીજાનું લાગણીથી. આ બન્નેના સહયોગથી જ સંસાર ચાલે. માણસ જયારે ટોળામાં રહેતો ત્યારે લગ્નસંસ્થા કે પતિપત્નીના સંબધો નહોતા. બાળકો ટોળાની સહિયારી સંપતિ ગણાતી. પછી ખેતીવાડી શરુ થઇ ને એની સાથે જોડાયેલા અનુસાંગિક વ્યવાસાયોનો વિકાસ થયો. આ બધુ શીખવા સમય ને સતત માર્ગદર્શનની જરુર પડે. એટલે માનવબાળનો વિકાસ લાંબા સમયની સ્થિરતા માગી લે. એમ કરતા પરિવાર ને સમાજની સ્થાપના થઇ. સમાજને ટકાવી રાખવા એનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું.      હવે શ્રમવિભાજન પ્રમાણે છોકરીને ઘરકામમાં નિપુણ બનાવાતી ને છોકરા વિદ્યાલય કે ગુરુના આશ્રમમાં ભણે. બન્નેના રાહ અલગ. આપણા શાસ્ત્રપ્રમાણે દારુ ને દેવતાને અલગ રાખવામાં આવ્યા. એટલે પુખ્ત કે વિવાહની વય સુધી બન્ને જાતિઓને આમનેસામને થવાનો મોકો જ નમળે. ઉપરાંત પરિવારો સંયુક્ત  હતા એટલે એકાંતનો માહોલ જ મળે નહિ.  
 ઉપરાંત છોકરી કે પરિણીત સ્ત્રીઓના પોષાક પણ મર્યાદાસરના રહેતા.બહારના,અજાણ્યા કે વડીલો સામે લાજ, ઘુમટ કે માથે ઓઢવાનો રિવાજ. પરિવારમાં યુવાન સ્ત્રીઓને બહારનું કામકાજ, ખરીદી માટે બજારમાં જવાનું કે બહાર જવાનૂ બહુ ઉચિત ન ગણાતું. ઘરની વડીલ કે વયસ્ક સ્ત્રીઓ એકામ કરતી. મુસા ફરી પુરુષોના રક્ષણ ને સાથમાં થતી. આપણા મનુભગવાને તો સ્ત્રીના ઉંમર પ્રમાણે ચાર રક્ષક નીમી દીધા છે. બચપનમાં પિતા, યુવાનીમાં ભાઇ, વિવાહ પછી પતિ ને વૃધ્ધાવસ્થામાં પુત્ર. એટલે તો ભારતીય સંસ્કૃતિમાં ભાઇનું આટલુ મહત્વ ને જવાબદારી છૈ.ભાઇબહેનનો સંબંધ સૌથી પવિત્ર મનાયો છે. આ સંબંધની પુષ્ટિ માટે રક્ષાબંધન, વીરપસલી ને પોષીપુનમ જેવા તહેવારો ગોઠવાયા છે. રક્ષાબંધન કે રાખડી એની પવિત્રતાની એટલી અસર હતી કે બહારવટીયા કે પરધર્મીઓ પણ એની આટ નીભાવતા. આમાં એક આડઅસર એ થઇ કે કાળક્રમે સ્ત્રીઓ પોતાના રક્ષણ માટે સંપુર્ણપણે પુરુષો પર આધારીત થઇ ગઇ. ત્યાસુધી કે રજપુતસ્ત્રીઓ ને રાજકન્યાઓ સસ્ત્રવિદ્યા જાણતી ને બહાદુર હતી પણ સમય આવ્યે પોતાના રક્ષણ માટે લડવાને બદલે સતી થતી,
 પછી સમય થોડો બદલાયો. છોકરીને શિક્ષણ આપવાનું શરુ થયું. પણ એ વખતે માત્ર ખપ પુરતું. સામાન્ય લખવાવાંચવાનું. એ વખતે સહશિક્ષણ નહોતું. બે પાચ વર્ષ આમતેમ ને પાછા હતા ત્યાને ત્યા. પછીના સમયમાં છોકરીઓનું શિક્ષણ શરુ થયુ.એમાં પણ કુમારશાળા ને કન્યાશાળા એમ અલગ હતું.     આખરે ખરા અર્થમાં બાલમંદિરથી માંડીને કોલેજ ને યુનિર્વસીટી સુધી નું ખરા અર્થમાં સહશિક્ષણ શરુ થયું. શરુઆતમાં માબાપ કે સાસરાપક્ષે છોકરીને ભણાવીને નોકરી કરાવવાનો હેતુ જ નહોતો. એટલે ભણ્યા પછી આમ તો ઘર જ સંભાળવાનું હતું.   પણ જયારે છોકરીઓ ભણીને બહાર કામ કરતી થઇ ત્યારેજ સ્ત્રી પુરુષ આમનેસામને આવી ગયા.પછી તો ઉતરોતર સ્ત્રીઓ લગભગ બધા જ બહારના ક્ષેત્રમાં છવાઇ ગઇ ને ત્યાથી જ એક છાનો સંધર્ષ શરુ થયો. હવે બન્ને એકબીજાના પુરક મટી હરીફ થઇ ગયા અથવા એવુંઅર્થધટન થવા લાગ્યું.  અત્યાર સુધી આજીવિકા ના સાધનો ને બહારની દુનિયા પર પુરુષોનો સંપુર્ણ કબજો હતો. હવે આર્મીથી માંડી ને કંપનીના હેડ તરીકે સ્ત્રીઓ આવી ગઇ. પુરુષમાં ઇર્ષા ને લધુતાગ્રંથિ ઉભી થઇ. એના પ્રત્યેનો આદર ઓછો થઇ ગયો.
      પરિણામે આજે બનતા અનુચિત બનાવોમાં આવી સાંકડી મનોવૃતિ ધરાવનારા  સ્ત્રીને જ જવાબદાર માનતા હશે. ‘ ઘર સંભાળીને બેસી રહોને તો કાંઇ નથાય. આ તો ઝાંસીની રાણી બનવા નીકળી પડયા છો તો ભોગવો’           બીજી વાત કે આપણા ધર્મ ને સંસ્કૃતિમાં બ્રહ્મચર્યને બહુ મહત્વ અપાયું છે. વિવાહ સુધી બન્ને પાત્ર ને સ્ત્રીએ તો ખાસ ,પોતાનું કૌમાર્ય જાળવવાનું.  હવે કામ કે વાસનાનો આવેગ જુઓ તો ઋષિમુનિઓ કે દેવો પણ બચી શક્યા નથી.આપણા બધા દેવો કે ભગવાન ને ઋષિમુનિઓ બધા સંસારી હતા. કામને નિયંત્રિત કરવા માટે જ લંગ્નસંસ્થા અસ્તિત્વમાં આવી છે.અમર્યાદિત શારીરિક સંબધો ,એટલે કે એક કરતા વધારે શય્યાસાથીઓ અનેક જાતિય રોગૌ નોતરે ને સરવાળે આખો સમાજ રોગિષ્ટ બનીને નાશ પામે. ઉપરાંત એ રીતે પેદા થયેલી સંતતિની જવાબદારી કોની?એ પણ સામાજિક સમસ્યા બની જાય. હવે સાચો વૈરાગ્ય તો સમજ્યા પણ પરાણે નિગ્રહ કરવામાં આવે ત્યારે દબાયેલી સ્પ્રીગ ઉછળે એમ મોકો મળે ત્યારે આવા અસંતુષ્ટ પાત્રો કોઇ નિર્દોષ  છોકરી કે સ્ત્રીને ભોગ બનાવે,   એ સિવાય આજે ટેકનોલોજીએ આ માહીતિ ઘર ના એકાંત માં તો કયારેક એવા સિનેમાગૃહોમાં આવી ફિલ્મો ઉપલબ્ધ બનાવી દીધી છે. કાચી ઉમરના પ્રેક્ષકો માટે આ ભારી ડોઝ સાબિત થાય છે.એ પણ હકીકત છે કે આપણુ યુવાધન જેને આપણે આજીવિકાના રાહ પુરા 
પાડી શક્યા  નથીએવા બેકાર ને નવરા ધુપ યુવાનો આવી હલકી મનોવૃતિનો ભોગ જલ્દી બની જાય છે.        એનો ઉપાય!    એક તો આ યુવાધનને પડકારરુપ કોઇ પ્રવૃતિઓ ને યુવતીઓએ  પોતાના રક્ષણ માટે તૈયાર થવાનું. માની લો કે હવે કોઇ વીરલો   તમારી રક્ષા માટે તલવાર તાણીને ઉભો નહિ થાય. માટે આ બ્યુટિપાર્લર ને કિટ્ટિ પાર્ટિના જલસા છોડીને શારીરિક કસરતો શીખો ને મજબુત બનો મનથી ને તનથી. 

Saturday, March 10, 2018

સ્ત્રી પુરુષ સમાનતાશક્ય છે?

વાંચક મિત્રો, આ એક સૃજન જુનો પ્રશ્ર્ન છે. પહેલા ઇંડુ કે મુર્ગી.વૃક્ષ કે બીજ. સ્ત્રી કે પુરુષ?આદમ ને ઇવ, પુરુષ ને પ્રકૃતિ.આ દ્વંદ્વ બધા ધર્મ ને સમાજે એક યા બીજા સ્વરુપે સ્વીકારેલું છે. બન્ને એકબીજાના હરીફ નહિપણ પુરક છે. એકને શારીરિક ક્ષમતા ને બાહ્ય કઠીનાઇ સહેવાની ને બીજાને માનસિક પરિતાપ સહેવાની શકિત આપી છે. સાથે મળીને એકબીજાની શકિત ને ખામીને નીભાવીને જીવવાનુ છે. એટલે કોઇ એકબીજાથી ચડીયાતુ કે ઉતરતું નથી. સંધર્ષ  ત્યારે થાય છે જ્યારે અહમનો ટકરાવ થાય છે. બન્ને વચ્ચે કામની સ્પષ્ટ વંહેચણી છે.એ પણ એમની શારીરિક ને માનસિક ક્ષમતા પ્રમાણે છે. સ્ત્રી ઘરકામ ને બાળઉછેર કરે ને પુરુષ આજીવીકા કમાય ને પરિવારનું રક્ષણ કરે. કાળક્રમે બહારનુ કામ નજરે ચડવા લાગ્યું ને એનુ મહત્વ વધી ગયું. ઘરકામ ને બાળઉછેર ગૌણ ગણાવા લાગ્યાં. બહારની દુનિયામાં સ્ત્રીનુ મહત્વ ઘટી ગયું. બહારની દુનિયાનુ સુકાન પુરુષના હાથમાં આવ્યું.એક જાણીતા વિચારકે ત્યા સુધી કહ્યું છેકે સ્ત્રી ને પુરુષ જો કયાય એકલા મળે તો છેલ્લો નિર્ણય માત્ર પુરુષનો જ હોય છે!સ્ત્રીને મને કે કમને અનુસરવાનું હોય છે.
        પછીના સમયમાં થોડી જાગૃતિ આવી ને સ્ત્રી ચાર દિવાલમાંથી બહારની દુનિયામાં આવી.પોતાની શકિતનો અહેસાસ થયો ને ' સ્ત્રીની બુધ્ધિ પાનીએ' એવી હલકી મશ્કરી કરનારાને ભોંઠા પાડ્યાં. પછી તો એ બહારના બધા ક્ષેત્રમાં છવાઇ ગઇ. તો અત્યાર સુધી મહત્વનાં સ્થાન પર પોતાનો અબાધિત અધિકાર સમજતા પુરુષોને એમાં પોતાનો પરાજય લાગ્યો ને એમાથી બન્ને પુરક મટી હરીફ બનીગયા.
   વિરોધી લોકોએ શાસ્ત્રોનો સહારો લઇને સમજાવ્યુ કે સ્ત્રીને સ્વતંત્રતા અપાય નહિ. એ ઘરમાં જ સલામત છે. તો બીજાએ આગળ વધીને એવુ પુરવાર કર્યુ કે શુદ્ર, સ્ત્રી ને જાર ધોકે જ પાધરા થાય. નામ તુલસીદાસનું. તો એજ શાસ્ત્રનો આધાર લઇને સ્ત્રીના પક્ષકારે એવુ કહ્યુ કે જ્યા નારીની પુજા એટલે કેઆદર  થાય છે, ત્યા જ દેવતા રમે છે.       આબધાને અંતે જોઇએ તો એજ વાત સાચી લાગે છે કે એક માતા સો
શિક્ષક બરાબર છે. જે હાથ પારણુ ઝુલાવે એ જ દુનિયા પર રાજ કરે છે. આ સાચી વાત છે. ભાવિ પેઢીના ઘડતર પર જ વર્તમાન પેઢીની સુખસલામતી છે. સ્ત્રી આજે એનુ મહત્વનું ને મુળભુત જવાબદારીને છોડી બહારના વિવિધ ક્ષેત્રે કાંઠુ કરી રહી છે. એમાં વધતી જતી જરુરિયાતો, પોતાની યોગ્યતાને સાબિત કરવાની ધુન,આર્થિક સંકટ વગેરેભાગ ભજવે છે. પણ એમાં ભોગ ઉછરતી પેઢીનો લેવાય છે. એને જ્યારે પ્રેમ, સલામતી ને માર્ગદર્શનની જરુરિયાત હોય છે ત્યારે એને માટે કોઇ હોતુ નથી. એનેભૌતિક સુખ અવશ્ય મળે છે. પણ એને એ સમયે જે હુંફની જરુર છે એનો એ વિકલ્પ નથી. પરિણામે આજની પેઢીમાં માબાપ કે વડીલો તરફ આદર કે સ્ત્રી દાક્ષિણ્યની ભાવના નથી. એટલે અવારનવાર નિર્ભયાકાંડ જેવી શરમજનક ધટનાઓ બનતી જાય છે.  હવે સમાનતાની બાબતમાં સત્તા કે કાયદો લાચાર બની જાય છે. કાયદાની સફળતા અમલ કરનાર ને કરાવનારની દાનત પર રહે છે. કાયદો એમ કહે કે બસ કે ત્રેનમાં બહેનો માટે અમુક સીટો અમાનત રાખવાની. વિવેક ત્યા ચુકાઇ જાય જ્યારે એવી સીટ પર યુવતીઓ આરામથી બેઠી હોય ને કોઇ બિમાર વૃધ્ધ દાદા ઉભા હોય! ત્યાં કાયદાનો પરાજય છે. તો માત્રના અનામતના નામ પર ચાલીસ ટકા વાળા ઉમેદવાર સામે નવાણુ ટકા માર્કસવાળો ઉમેદવાર પોતાનુ એડમીશન ગુમાવે ત્યારે ખોટ માત્ર જેતે વિદ્યાર્થીને નહિ પણ આખા સમાજને પડે છે.  આજકાલ બહેનોને પિતાની સંપતિમાં હિસ્સો આપવાનો કાયદો પસાર થયો છે. રાજીખુશીથી થાય તો ખોટુ નથી. પણ આમાં આપણા પુર્વજોએ વિચારી જ રાખ્યું જ છે જે આપણા ધ્યાન બહાર ગયુંછે. એક તો એણે છોકરો ને છોકરી મોટા થઇ ને હરીફ ન બને કે એકબીજાનું શોષણ ન કરે એટલા માટે બાલપણથી એકબીજાને આદર આપે ને લાગણી ને જવાબદારી સમજે. એમાટે  પોષી પુમન, વીરપસલી, રક્ષાબંધન જેવા તહેવારો ગોઠવીને એકબીજા માટે પ્રેમ ને આદરનું વાતાવરણ એવા સંસ્કારો નાની વયમાં જ રોપાય કે ભવિષ્યમાં એ સ્ત્રીને બહેન તરીકે આદર આપે. ભારતીય સમાજમાં 'બહેન' જેવો બીજો કોઇ પવિત્ર શબ્દ નથી. નહોતો. આજે એ સંસ્કાર કમનસીબે લુપ્ત થતા જાય છે. હવે વારસાની વાત કરીએ તો આમાં પણ આપણા પુર્વજોની દીર્ધદ્રષ્ટિ નજરમાં આવે છે. દિકરીના લગ્ન પછી આણા, પરિયાણા, મામેરુ, જીયાણુ એવા નાનામોટા પ્રસંગોમાં એના ભાગના પૈસા આડકતરી રીતે અપાય છે જે નજરમાં નથી આવતું. છેવટે એની અંતિમવિધિમાં ય ચુંદડી પિયરની હોય. એ ઉપરાંત માબાપની સેવા ચાકરીનો બોજો દિકરા ઉપર જ હોય છે. તો બહેનો , ભાઇઓને આહિસાબની ખબર પડે એ પહેલા કાયદાની બીક બતાવ્યા વિના ભાગ સમજી લેજો. તો ભાઇબહેનના સબંધો મીઠા બની રહેશે.

Thursday, March 1, 2018

અન્યની નજરે આપણુ મુલ્ય

વાંચકમિત્રો, આપણે આવા ઘણા સુવિચારો પચાવ્યા છે. જેમકે ડુંગરા દુરથી રળીયામણા. પારકે ભાણે મોટો લાડુ.આપણા માનનીય શ્રી ધુમકેતુના કહેવા પ્રમાણે 'માણસ બીજાની નજરે પોતાની પરિસ્થિતિ મુલવે તો દુનિયાનું અર્ધુ દુઃખ ઓછું થઇ જાય. કોઇ પણ કામ જયારે એકધારુ થઇ જાય ત્યારેએમાથી જીજ્ઞાસા રહેતી નથી. કામ બોજારુપ ને વળતર વિનાનુ લાગે છે. એક ખેડુતને કોસ ખેચતો કે હળ ચલાવતો જોઇને જેણે આવુ કામ કર્યુજ નહોય એને જોવાની મજા આવે ને કવચીત કવિતા ય સુઝે. એને જગતનો તાત લાગે. પણ એ 'તાત' ને પુછો તો કહેશે કે હું તાત નહિ પણ પોઠીયો કે વેઠીયો છુ. એને શહેરમાં ઉજળા કપડા પહેરીને ફરતા ને મહીનાની પહેલી તારીખે પગાર લેતા માણસ સામે ફરિયાદ હશે કે અમારે તો આભ ને ધરતી જે આપે તે લેવાનું. કુદરત રુઠે તો કોને ફરિયાદ કરવાની? તમારે તો પહેલી તારીખે વાદળા હોય કે વરસાદ,દુકાળ હોય કે સુકાળ પૈસા તો મળવાના જ. એ પણ ટાઢા છાયામાં. તો આપણે એક દિવસ ખેતરમાં ઉજાણી કરીએ તો વનભોજન કર્યાનો આનંદ મહીના  સુધી ચાલે ને ખેડુતને રોજ વનભોજનની નવાઇ જ નહિ. પછી જુઓ કે એકાદ દિવસ નદી કે દરીયામા બોટમાં ફરીએ તો મનમાં થાય આપણે બોટીંગમાં ગયા હતા. અઠવાડીયાની ક્રુઝ તો જાણે આખી જીંદગીનુ સંભારણુ. હવે માછીમારને પુછો તો એને તો રોજનું થયુ. કહેશે કે ધાડ મારી તમે. અમે તો રોજ જઇએ છીએ. હિમાલય પર ફરવા ને ત્રેકીંગ કરવા જનારને માટે એ ગિરિરાજ ને સૌંદર્યનો પુંજ. એના બરફથી છવાયેલા શિખરો ને એના સુર્યોદય ને સુર્યાસ્ત પ્રવાસીને મુગ્ધ કરી દે. પણ એને પોતાના ખંભા પર ઉંચકીને ડુંગરા ચડતા મજુરને પુછો! એક માળીની નજરમાં બગીચો ને લટાર મારવા આવતા માણસની દ્રષ્ટિ અલગ હોય છે.દરેકને બીજો માણસ વધારે સુખી દેખાય છે.

Wednesday, February 21, 2018

અહિંસા પરમો ધર્મ. ખરેખર?

અહિંસા પરમો ધર્મ. આ સુત્ર આપણે ઘણીવાર સાંભળેલુ હશે. જીવ માત્રને જીવવાનો હક છે. દરેક સજીવ સુખની નજીક ને દુઃખથી ભાગે છે. પણ વિચારતા ને જોતા એવુ લાગે કે જીવો જીવસ્ય ભોજનમ. એ જ વધારે સાચુ લાગે છે. આપણા પુરાણોમાં જે દશ અવતાર ગણાવ્યા છેએમાં છેલ્લે માનવઅવતાર છે. વૈજ્ઞાનિક ઢબે સમજીએ તો ચોર્યાસી લાખ યોનીની વાત છે એવુ લાગે કે આપણે એકકોશી અમીબામાથી માનવ તરીકે ઉત્ક્રાતિ પામ્યા છીએ. આ બધા અવતારમાં આપણે માંસાહારી હતા ને આદિમાનવ એવા આપણા નજીકના વડવા પણ કાંચુ માંસ ખાતા. અગ્નિ ને ખેતીની શોધ પછી નાના પાયે થોડો વિકલ્પ ઉભો થયો. હજુ પણ દુનિયાની મોટાભાગની વસ્તી માંસ પર જ નભે છે. દુનિયામાં એવા સ્થળો છે જ્યા ખેતીને લાયક જમીન કે વાતાવરણ નથીત્યા લોકોને ફરજીયાત માંસાહારી રહેવુ પડે.ચાલો, આ તો સર્વાઇવલનો સવાલ થયો.પણ માણસે આ ઉપરાંત પોતાના મોજશોખ ને મોભા માટે ય પશુઓને યાતના આપી છે. જેમકે હાથીદાંતના ચુડલા માટે હાથી, વ્યાધચર્મ માટે વાધ, મગરના પાકિટ ને કોટ કે જે ઉચ્ચવર્ગની સ્ત્રી માટે મોભા ને ફેશન ગણાય, ફરના કોટ માટે રુવાવાળા પ્રાણીઓની નિર્મમ હત્યા, કસ્તુરી માટે મૃગની હત્યા, આપણા રાજા મહારાજા ને નવાબો,અગ્રેજશાષકો પોતાના શોખ ને સમય પસાર કરવા કે મર્દાનગી દાખવવા મૃગયા રમવા જતા. વાધ ને સિંહના શિકાર ત્રોફી માટે થતા. આબધી અકારણ હિંસા. એ રીતે જોઇએ તો માણસ ભલે પોતાને સભ્ય ગણતો હોય, પ્રાણીઓને જંગલી કહેતો હોય ને કયારેક એવા અસભ્ય માણસને જંગલી ગણાવતો હોય પણ સરવાળે માણસ વધારે હિંસક લાગે. પ્રાણીઓ તો પોતાની ભુખ સંતોષવા પુરતા જ શિકાર કરે છે ને એ પછી આજુબાજુમાંથી પસાર થતા હરણા કે સસલા પર નજર પણ કરતો નથી.       વધારે વિચારીએ તો માનવઇતિહાસ આવા યુધ્ધ ને હિંસાથી જ ભરેલો છે. આપણા જીનમાં આ પશૂવૃતિ અકબંધ સચવાયેલી છે.જુઓ કે ગરોળીથી માંડી માંસાકારી બધા જ પ્રાણીઓની પોતાના ખોરાક મેળવવાની સરહદ નક્કી હોય છે. એમાં કોઇ પ્રવેશ કરે એટલે મારામારી થાય ને મોત પણ થાય. એ જ પ્રમાણે આપણા રહેણાંક આજબાજુ આપણે વાડ કે વંડી કે દિવાલ બનાવીએ છીએ. વંડી પર પાછા તિક્ષ્ણ કાંચ પણ હોય. ધરને પાછા તાળા ને કયાક પોસાતુ હોય એ સિક્યોરીટી ગાર્ડ પણ રાખે. રાજા મહારાજા કિલ્લા ચણાવે. કોઇની સરહદમાં વગર આમંત્રણે જવુ એટલે ઝધડો કે મોતને નોતરવુ એવો અર્થ થાય, તો શેઢા માટે લોહિયાળ તકરારો અજાણ્યા કે સગા ભાઇ વચ્ચે નવાઇ નથી. દેશ દેશ વચ્ચે સરહદના ઝધડા એ પણ માનવસ્વભાવનુ જ પાસુ છે.પછી જુઓ કે પ્રાણીઓમાં એમની ટોળીમાં માણસની માફક ચડઉતર સ્થાન હોય છે. બે ટોળીના યુધ્ધમાં વિજેતા હારેલી ટોળીની માદાઓ પર કબજો લઇ લે જેમ માણસમાં વિજેતા રાજવી હારેલા શત્રુઓની સ્ત્રીઓ ભોગવતો. અમુક પ્રાણીઓમાં ખાસ કરીને સિંહ સામી ટોળીના આગેવાનને મારી નાખે ને માદાઓનો કબજો લઇ લે નર સાથે જ નાના બચ્ચાઓની હત્યા કરી નાખે. એમ જ આપણે માનવ સમુદાય જોઇએ તો સાવકા મા કે બાપને આગલા સંતાનો ખુંચતા હોય છે અમુક અપવાદ રુપ. એટલે આજસુધી ઘણા શાંતિના સંદેશવાહકો ને ફરિસ્તાઓ હિંસાનો ભોગ બન્યા છે. જીસસ શુળીએ ચડી ગયા. માર્ટીન લ્યુથર કિંગ ગોળીએ વિંધાઇ ગયા. સોક્રેટીસ ઝેર પી ગયા. એ પરંપરામાં આપણા ગાંધી. અહિંસાના પુજારી. લોહીના એક બુંદ વિના આઝાદી હાસલ કરવાનો વિરલ પ્રયાસ ને સફળ પણ થયા. દુનિયાને નવી મિશાલ આપી.પણ આઝાદીની એ મિશાલ ગોઝારી નીવડી. તાણ્યો વેલો થડે જાય એ કહેવત પ્રમાણે માણસનો મુળભુત સ્વભાવ કોમી રમખાણ રુપે પ્રગટ થયો ને લાખો લોકોને ભરખી ગયો. આઝાદીનો ઉજળો ઇતિહાર શોણિતની લાલ કલમે લખાયો. આજતક એક દેશના નાગરીક સારા પાડોશી, સારા મિત્રો કે સહકાર્યકરો એક ઘડીભરમાં એની ઓળખ માત્ર હિંદુ ને મુસ્લીમ તરીકે ઉભી થઇ ગઇ. એ આગ આજ સુધી બુઝાઇ નથી. આજે પણ આવી કેટલીય સળગતી સરહદો છે. માનવજાત ગમે એવી શાણી વાતો કરે પણ લડાઇ એના જીનમાં છે. પુરાણમાં દેવો ને દાનવો લડતા. શેતાન ને ભગવાન. આપણા મહાભારતના મહાનાયક કૃષ્ણે લડાઇ ટાળવાના પ્રયાસો કર્યા ને અંતે યુધ્ધ તો થયું જ. કોણ જીત્યુ તો કોઇ નહિ!બન્ને બાજુના સૈનિકોને તો રાજ લેવાનુ કે પરસ્પર વેર નહોતુ. કાઇ મેળવવાનું નહોતુ પણ ગુમાવવાનુ તો હતું. અંતે ખુદ કૃષ્ણ જ હિંસાનો ભોગ બન્યા ને સાથે આખુ યાદવકુળ. આપણા બે વિશ્ર્વયુધ્ધ. કેટલા નિર્દોષ લોકો હણાયા હશે ને બાકી રહેલાએ પણ યાતના ભોગવી હશે જેણે પોતાના પરિવાર ને જીવનના આધારરુપ સ્વજનો ગુમાવ્યા હશે. હવે આ દેખીતી હિંસા છે.આસિવાય સુક્ષ્મ હિંસા એ રામાયણમાં છે. કોઇની નિંદા, કુથલી, ચડામણી ને એનુ પરિણામ કોઇનુ અકારણ મોત.જેમ કે દશરથ,વિના વાંકે વનવાસ. ને વિના વાંકે વિરહ જેમ કે ઉર્મિલા. એક વ્યકિતની હલકી મતિને પરિણામે કેટલાલોકોને સહન કરવુ પડ્યુ. એક ધોબીની અવિચારી કોમેન્ટે એક આદર્શ દંપતીનુ જીવન બરબાદ કરી
નાખ્યું.મને એવુ લાગે છેકે માણસના પોતાના અંત સાથે જ આ વૃતિનો અંત આવે છે. એક ઓર વાત. આપણા એક જ માબાપના સંતાનો કેજે લોહીના સબંધો કહેવાય. એમાં પણ બચપણથી ભાઇ બહેનો વચ્ચે વૈમનસ્ય ચાલતુ જ હોય છે. પહેલા માબાપનો પ્રેમ મેળવવા ને પછી કયારેક સંપતિ માટે મારામારી કે ખુન પણ થઇ જતુ હોય છે. માણસની પોતાની અલગ ઓળખ ને અસ્તિત્વ માટેના જ આ પ્રયાસ છે ને એ દરેક સજીવના જીનમાં છે.