Tuesday, June 27, 2017

દિક્ષા

  આપણા ધર્મમાં ત્યાગને બહુ મહત્વ અપાયુ છે. સંસાર છોડી ભગવા પહેરી માળા ફેરવતા ને બેચાર ફિલોસોફીના એના જ ગાણાગાવાના. સંસાર અસાર છે. મોહમાયા છોડો. બધુ છોડી ને પ્રભુભજન કરો. ભવનુ ભાથુ બાંધો. વગેરે. સામાન્ય લોકો અહોભાવથી માથુ નમાવે, એના ચરણમાં ભેટરુપે કશુક અર્પણ કરી પુન્ય કમાવાનો સંતોષ  લે.સમાજ, પરિવાર ને માબાપ આવા સંન્યાસ લેનાર માટે ગૌરવ અનુભવે.
    વિચારતા એવુ લાગે કે આપણે ભળતે રસ્તે ચડી ગયા છીએ. ત્યાગ સંસારનો નહિ પણ આપણા મનમાં રહેલા સંસારનો કરવાનો છે. એટલે કે લોભ, લાલચ, કોધ્ર વગેરે વૃતિઓનો કરવનો છે. જેના મનમાં આવી માનવસહજ વૃતિ ઉપર કાબુ રાખવાની શકિત છે. એ સંસારી સાધુ છે. એને ભગવા પહેરવાની જરુર નથી. બાકી જેના મનમાં સંસાર રહી ગયો છે એ જંગલમાં જાય કે હિમાળે. એની વૃતિ જેવુ વાતાવરણ ખોળી જ લે છે. ઘર છોડી આશ્રમો ઉભા કરે છે. સંતાનો ને પરિવાર છોડી ચેલા ચેલીઓની લંગર ઉભી કરે છે. ઉપરથી કલ્ેેવર બદલાય છે પણ અંદરનો સંસાર અકબંધ રહે છે. એમાથી અનેક આશારામ જેવા પાંખડી પેદા થાય છે. ધર્મ વગોવાય છે. સમાજમાં સડો પેસે છે. જોવાનુ એજ કે આવા અનિષ્ટને પેદા કરનારા ને પોષનારા ને એનો બચાવ કરનારાઓની ફોજ મોટી છે. સત્ય સામે આંખમિચામણા કરનારા આવા દંભીઓને છારવે છે ને આડકતરીરીતે ઉતેજન આપે છે
     આપણા ધર્મમાં સમાજરચના કરનાર મનીષીઓએ વિચાર પુર્વક આ માળખુ બનાવ્યુ હતુ.  કે માણસ ચાર ઋણ લઇને અવતરે છે. સમાજને સારી રીતે ચલાવવા ને સમાજના દરેક સભ્યને વિકાસની તક મળે માટે ચાર આશ્રમ ચાર અવસ્થા ને એને અનુરુપ કર્તવ્ય. એ જ રીતે ચાર ઋણ. જન્મદાતા માબાપ બાળકનુ પાલનપોષણ કરે, મુળભુત સામાજિક રીતભાત શીખવે. પછી વિદ્યાભ્યાસ માટે ગુરુના આશ્રમ કે આજના સમયમાં નિશાળે જાય. આ વિદ્યાલયો એમને ભાવિજીવન માટે તૈયાર કરે. સારા નાગરીક  ઉપરાંત ભવિષ્યમાં આજીવિકા રળવાના રાહ બતાવે. એરીતે વ્યકિત ગુરુ ને માબાપનો ઋણી બને. અભ્યાસ પુરો થાય એટલે ગુરુદક્ષિણા કે ફી ચુકવે ને સમાજમાં જવાબદાર સભ્ય તરીકે દાખલ થાય. પરણે, સંસાર વસાવે, પોતાના પરિવાર તરફનુ ઋણ. ભાવિ પેઢીને તૈયાર કરે ને માબાપની સંભાળ લે. એબીજુ ઋણ. માણસ એમાથી મુક્ત થાય. એટલે સમાજનુ ઋણ ચુકવવાનો વારો. જે  સમાજને એને માણસ બનાવવા ફાળો આપ્યો છે એ સમાજને  મદદરુપ થવાનુ. સામાજિક સંસ્થાઓમાં માનદ સભ્ય તરીકે એવા આપવાની. પોતાના જ્ઞાન ને અનુભવનો લાભ નવી પેઢીને આપવાનો ને જરુરિયાત મંદને મદદ કરવાની.ચોથુ ઋણ પોતાની જાત પ્રત્યે. હવે એ વૈરાગ્ય લઇને કોઇ એકાંત સ્થળે કે વનમાં જાય. સમાધિ,જપ તપ કરીને પોતામાં મગ્ન રહે. પોતાના ક્ષેમકુશળનો બોજો સમાજ પર ન નાખે.
 હવે આ ચાર અવસ્થા ને એના કર્તવ્યને ઠુકરાવી માણસ ગમે તે કારણથી સંસારત્યાગ કરે ત્યારે સમાજવ્યવસ્થાનુ સંતુલન તુટે છે. કારણ સમાજ એક સાંકળ છે. એકબીજાના સહકારથી ટકી રહે છે. સવારના ઉઠીને ગણવાની શરુઆત કરીએ. આપણા ભાણામાં આવતુ અનાજ. દુધ, શાકભાજી, આપણા કપડા, રોજબરોજની અસંખ્ય ચીજો, એ આપણી આસપાસના સમાજના દ્રશ્ય કે અદ્રશ્ય અનેક લોકોની મહેનત ને આભારી છે. જેનો આપણે ભાગ્યે જ વિચાર કર્યો હશે. એટલે કે જીવનને ટકાવી રાખવા ને સરળતાથી ચલાવવા સમાજના દરેક સભ્યે પોતાનુ કર્તવ્ય એટલે કે અવસ્થા પ્રમાણે ફરજ કહો કે ઋણ અદા કરવુ જોઇએ.      
 હવે સમાજના ઉત્પાદક સભ્ય થવાના સમયે કોઇ યુવાન કે યુવતી  દિક્ષા કે સન્યાસ વૈરાગ્યના અંચળા નીચે અપનાવે ત્યારે આ સાંકળ તુટે છે. માણસનો જન્મજાત કે આત્મપ્રેરણા યુક્ત વૈરાગ્ય એ અલગ વાત છે. આમ પણ આ દરેકનો વ્યકિતગત સવાલ ને જવાબ છે. પણ જ્યારે માત્ર સાંસારિક જવાબદારી કે કોઇ વ્યકિતગત સમસ્યા ઉભી થાય ત્યારે એનો સામનો કરવાને બદલે બીજા ઉપર બધૂ ઢોળી વૈરાગ્યના અંચળા નીચે નાસી જવુ એ પલાયનવાદ છે. આવો વૈરાગ્ય સમાજ ને માણસ પોતાના બન્ને માટે ઘાતક નીવડે છે. આને કારણે  સમાજના ઉત્પાદક સભ્યો પર વધારાનો બોજ આવી પડે છે.
       કારણ આવા કહેવાતા વેરાગી સંસારીઓના ભાણામાથી, અરે કયારેક એના બાળકોના મો માથી કોળીયો છીનવી લેછે. મહેનત કરીને માંડ બે ટંકનુ રળતા શ્રમજીવીઓને ટાણેકટાણે આવી ચડતા આવા મફતિયાને મનેકમને રોટલાનો ટુંકડો ધરવા પડે. દયા સમજીને.વૈરાગ્યમાં જયારે દંભનો અતિરેક થાય ત્યારે સમાજમાં કેવી અરાજકતા થાય એ તો આપણા દેશમાં રોજ અનુભવીએ છીએ. જીવનજરુરિયાતની  ચીજવસ્તુની અછત, બેકારી, ઠેર ઠેર સાધુબાવાની જમાતો, રોજ નવા મંદિરો ને નવા ભગવાનનો ઉદભવ, કામ કે ફરજ તરફ બેદરકારી, નાની મોટી દરેક સમસ્યા માટે આવા બાબા કે દેવદેવીની માનતા, વૈજ્ઞાનિક અભિગમનો અભાવ. આજે ધર્મ કે એના નામે ચાલતો સૌથી નફાકારક ધંધો છે. એને સરકારના કાયદા કાનુન નડતા નથી. કારણ એને ઉપરવાળા તરફથી પરમીટ મળી ગઇ છૈ   ને સમાજના અબુધો એનો ભાર વહન કરવા તૈયાર છે. આપણા દેશમાં મકાન કરતા મંદિરો વધારે છે. ઉત્પાદક સભ્યો કરતા આવા બિનઉત્પાદક સભ્યો વધારે છે. એવા સમાજની પ્રગતિ વિષે શું આશા  રાખી શકાય?
    પછી જુઓ કે આવા સંસારત્યાગીઓને નિભાવવાના તો સમાજે. સંસારને અસાર માનનારા ને શરીરને નાશવંત માનનારા જરુર પડે ત્યારે પાછા આઇ સીયુ માં દાખલ થઇજાય ને દવા ને દાકતરને શરણે જીવ બચાવવા દોડે. એનો ડ્ેસકોડ કેક્ષેમકુશળ સંસારીઓની ઉપર.
 આનો એક ઉપાય. કે દિક્ષા લો કે સંન્યાસ. તમારી મરજી. આમ પણ તમે સંસારનુ ઋણ ચુકવ્યા વિના દેણદારની જેમ ભાગી ગયા છો એટલે તમને મોક્ષ કે નિર્વાણ મળશે કે કેમ,એ પણ આશંકા છે. પણ કમસે કમ વધારે ઋણી તો ન બનો. તમારો મોક્ષ તમને મુબારક. સંસારી ઉપર ઘણો બોજો છે. સરકારના કરવેરા, પોતાના બાળકોને તૈયાર કરવા,વડીલોની સારસંભાળ ને ઉપરથી તમારા મોક્ષ!નો કરિયાવર.
 એવુ કરો કે વૈરાગીનુ અભયારણ બનાવો. આમંદિરો ને દેરાસરો ને એવા સ્થાનો ઉભા કરવા કરતા સંસાર ને દુનિયાથી દુર કોઇ એકાંત સ્થળે તમારી અલગ વસાહત બનાવો. વસ્તીમાંઆવવાનુ જ નહિ. આમ પણ સંસાર તો તમારે માટે વર્જય છે. એના મોહમાંથી બચવા તો તમે ભાગી નીકળ્યા છો. તો તમારા ક્ષેમકુશળની જવાબદારી  જાતે જ ઉઠાવો.કમસે કમ સમાજના ઉત્પાદક સભ્યો પર બોજો તો ન બનો. આ મારી દરેક સાચા કે ખોટા વેરાગીને પ્રાર્થના છે.        વિમળા હિરપારા