Monday, September 23, 2019

કોનો વાંક

મિત્રો, તમે પણ કાલે વિશ્ર્વભરના શહેરોમાં નવી પેઢીના યુવાનોની પર્યાવરણની જાગૃતિ માટેની માર્ચ જોઇ હશે, ખુશીની વાત છે.જાગૃતિ આનંદની વાત છે પણ એક વાત ખુંચી કે પર્યાવરણની આજે જે સમસ્યાઓ છે એને માટે જવાબદાર આગલી પેઢીને માનવામાં આવે. દોષનો ટોપલો ઘરડા માથે. એ કયાનો ન્યાય? ચાલો, શોધ કરવાવાળાએ તો જે તે સમયની જરુરિયાત પ્રમાણે શોધ કરી ને સમસ્યાનો ઉકેલ શોધ્યો. પણ વાપરવાવાળાનો વિવેક ક્યા?એની પણ જવાબદારી ખરી કે નહિ? ગરમીથી બચવા કે ઠંડીમાં રક્ષણ માટે હિટર ને એરકંડીશન શોધ કરનારાએ કરી. પણ તમે માત્ર શોખથી કે બિનજરુરી ઉપયોગ કરી વિજળીનો બગાડ કરો ને પછી વડીલોને ભાંડો એ તો પાડાને વાંકે પખાલીને ડામ! આજે બેડગલા ચાલવામાં ય જોર પડે. તમારા બાપા માઇલો પગે કાપતા.તમને આંખો ઉઘડે એ પહેલા આંગળીને ટેરવે આખી દુનિયાની પંચાત જાણવાનો ઉપાડો. સમય જાણવો હોય કે હવામાન. બારી ખોલવાની ય તકલીફ નહિ લેવાની. કોઇને મળવા માટે બે ડગલા ચાલવાની તકલીફ નહિ લેવાની. બધુ જ તમને હથેળી ને મુઠીમાં જોઇએ તો પછી એની કિંમત ચુકવવી જ પડે ને. આ દુનિયામાં સર્જનહારે કાંય મફત નથી રાખ્યું. આગલી પેઢી જે કરકસરથી જીવતી હતી એ રીતે તમે પણ એક દિવસ તો જીવી બતાવો પછી આગલી પેઢીને આ પર્યાવરણની બેહાલી માટે જવાબદાર ગણજો.

Thursday, September 5, 2019

વિસરાતી જતી વિરાસતો

વાંચક મિત્રો, આપણે આપણા સમગ્ર જીવનકાળમાં આપણા પોતાના શારીરિક ફેરફાર સાથે વૈચારીક ફેરફાર સાથે સામાજીક બદલાવ પેઢી દર પેઢી અનુભવીએ છીએ. ગમે ક નાગમે પણ સમય કોઇને માટે રોકાતો નથી. એ જ પ્રમાણે આપણે જેનાથી ટેવાઇ ગયા હોઇએ એવી ઘણી જાહેર સેવા આપતી સંસ્થાઓ સમય બદલતા નવા રંગરુપે પેશ થાય છે. એમાની એક તે પુસ્તકાલય. પ્રાચીન સમયમાં વિદ્યાપીઠોમાં આવા ગ્રંથભંડારો હતા જે ત્યા ભણતા છાત્રો લાભ લેતા. પછી આબાલવૃધ્ધો માટે જાગૃત ને કેળવણીના ઉપાસક શાસકોએ જાહેરજનતા માટે લાઇબ્રરીઓ ઉભી કરી.એ સમયે આ લાઇબ્રેરી જ જ્ઞાન,માહીતી મેળવવાનું એકમાત્ર સ્થળ હતું. આજે આ ગ્રંથભંડાર વિસરાતા જમાનાની એક યાદમાત્ર થતા જાય છે. અમુલ્ય પુસ્તકો ઉધઇના હવાલે
છે તો એના મકાનો ઉજ્જડ ને અવાવરુ બની ગયા છે. એના એનેક કારણોમાના થોડા આજે તપાસીએ. કોઇ પણ પરિવર્તન રાતોરાત નથી આવતું ને એટલે એને રોકી શકાતું નથી.પછી એ સારુ હોય કે ખરાબ.
 આજે માહીતીનું માધ્યમ બદલાઇ ગયું છે. એક સમયે માહીતી ને જ્ઞાનનું સ્થળ ગુરુના આશ્રમો ને ગુરુઓ હતા. ઉપદેશ કર્ણોપકર્ણ હતો. વિદ્યાર્થીઓ કે છાત્રો ગુરુના આશ્રમમાં વિદ્યાસમાપ્તિ  સુધી ત્યા જ રહેતા.  પછીના સમયમાં છપાયેલી બુકો આવી. સમાજના થોડા શિક્ષિત ને શાણા માણસોને બાળકોને શિક્ષા આપવા માટે નીમ્યા. એ રીતે લોકલ ધોરણે નિશાળ શરુ થઇ. પાઠય પુસ્તકો ને અભ્યાક ક્રમ નક્કી થયો. શરુઆતમાં તો વિદ્યાભ્યાસ પર અધિકાર સમાજના એક માત્ર વર્ગ પાસે જ હતો. વિપ્રો એટલે કે ભુદેવો. સમાજના અમુક વર્ગને તો દેવોની ભાષા એટલે કે સંસ્કૃત ભણવાનો ઠીક પણ બોલવાનો ય અધિકાર નહોતો. લાંબા સમય સુધી ભુદેવ સિવાયના બાકીના ત્રણ વર્ણ માત્ર એમનું ભરણપોષણ ને સાથે ભુપતિઓના શોખવિલાસ પોષવા કામ કરતા રહ્યા. પરિણામે શિક્ષણ બાબતે સમાજનો મોટો વર્ગ અક્ષરજ્ઞાન ને માહીતીથી વંચિત રહ્યો ને એની જીજ્ઞાસા પણ કરમાઇ ગઇ. 
એ જ પ્રમાણે બ્રિટીશ શાસનમાં શિક્ષણ આવ્યું પણ માત્ર અંગ્રેજોએ પોતાના વહીવટમાં મદદરુપ થાય એટલુ જ> કારકુનો પેદાથયા. જયારે આપણા રાજા મહારાજાને તો પોતાના વૈભવવિલાસ ને પોતાની સમૃધ્ધિના પ્રદર્શનના પ્રતિક એવા મહેલો ને કિલ્લા બનાવવા સિવાય પ્રજાના હિતની કોઇ પડી નહોતી કે નહોતી એવી બુધ્ધિ. અપવાદ રુપ ગાયકવાડ કે ગોંડલનરેશ એવા ગણ્યાગાઠયા રાજવીઓ  હતા જેણે પ્રજાને શિક્ષણ ને કેળવણી આપવા પ્રયત્ન કર્યા.     હવે આઝાદીપછીના સમયમાં શિક્ષણ તો આવ્યુ પણ એમાં વૈચારીક કેળવણી કે જ્ઞાનને બદલે માત્રમાહીતીનો રાફડો ફાટ્યો.  કારણ હોશિયારીનું માપદંડ માર્ક. જેટલા વધારે માર્ક આવે એ પ્રમાણે ભણનારની લાયકાત મપાય. એના આધારે આગળનું શિક્ષણ  ને એમા પ્ર વેશ મળે.અંતિમ ધ્યેય નોકરી. હવે ઉતમ માર્ક મેળવવા માટે જ્ઞાનની જગ્યાએ માહીતી ને એ પણ તૈયાર. ગાઇડો,સ્યોર સજેશનો આખી બુકો વાંચવાની કે વિચારવાની તકલીફ જ નહિ લેવાની. બસ,પરિક્ષામાં જરુરનું હોય તે ગોખી મારવાનુ< એમાં ગેરરીતિ,ટયુશનમાં જાવ જરુરી મટિરિયલ મળી જાય. કયારેક પેપર મળી જાય તો એવા લોકો પેપર તપાસનારને ય ફોડી નાખે! કયા તમે આડો હાથ દેવાના? આ રીતે શિક્ષણ લેવાનો મુળભુત હેતુ જ માર્યો ગયો.
  આજે કોમપ્યુટર પર ગુગલ ને એવી વેબસાઇટો છે જ્યા આંગળીને વેઢે જરુરી માહીતી ચપટીમાં મળી જાય છે તો લાઇબ્રેરીમાં જવાનું કે થોથા કોણ ઉથલાવવાનું.
પરિણામે આજે આવી વિશાળ જ્ઞાનના ભંડાર જેવી લાઇબ્રેરીઓ ખાલી પડી છે. એના મકાનો ખંડેર બનતા જાય છે. એના એક સમયના અમુલ્ય ગ્રંથો ઉધઇનો ખોરાગ બની ગયા છે. પુસ્તકપ્રેમીઓ આવું    જોઇને ખેદ અનુભવે છે. દરેક પેઢીને પોતાનું સત્ય હોય છે. બાકી તો સમયના વહેણને વાળી શકાતું નથી. ભુતકાળ ગમે તેટલો ભવ્ય હોય પણ વર્તમાનમાં એને જીવી શકાતો નથી. જ્ઞાન તો એજ રહેવાનું માત્ર એને  પ્રાપ્ત કરવાના રાહ અલગ હોય.