Monday, September 23, 2019

કોનો વાંક

મિત્રો, તમે પણ કાલે વિશ્ર્વભરના શહેરોમાં નવી પેઢીના યુવાનોની પર્યાવરણની જાગૃતિ માટેની માર્ચ જોઇ હશે, ખુશીની વાત છે.જાગૃતિ આનંદની વાત છે પણ એક વાત ખુંચી કે પર્યાવરણની આજે જે સમસ્યાઓ છે એને માટે જવાબદાર આગલી પેઢીને માનવામાં આવે. દોષનો ટોપલો ઘરડા માથે. એ કયાનો ન્યાય? ચાલો, શોધ કરવાવાળાએ તો જે તે સમયની જરુરિયાત પ્રમાણે શોધ કરી ને સમસ્યાનો ઉકેલ શોધ્યો. પણ વાપરવાવાળાનો વિવેક ક્યા?એની પણ જવાબદારી ખરી કે નહિ? ગરમીથી બચવા કે ઠંડીમાં રક્ષણ માટે હિટર ને એરકંડીશન શોધ કરનારાએ કરી. પણ તમે માત્ર શોખથી કે બિનજરુરી ઉપયોગ કરી વિજળીનો બગાડ કરો ને પછી વડીલોને ભાંડો એ તો પાડાને વાંકે પખાલીને ડામ! આજે બેડગલા ચાલવામાં ય જોર પડે. તમારા બાપા માઇલો પગે કાપતા.તમને આંખો ઉઘડે એ પહેલા આંગળીને ટેરવે આખી દુનિયાની પંચાત જાણવાનો ઉપાડો. સમય જાણવો હોય કે હવામાન. બારી ખોલવાની ય તકલીફ નહિ લેવાની. કોઇને મળવા માટે બે ડગલા ચાલવાની તકલીફ નહિ લેવાની. બધુ જ તમને હથેળી ને મુઠીમાં જોઇએ તો પછી એની કિંમત ચુકવવી જ પડે ને. આ દુનિયામાં સર્જનહારે કાંય મફત નથી રાખ્યું. આગલી પેઢી જે કરકસરથી જીવતી હતી એ રીતે તમે પણ એક દિવસ તો જીવી બતાવો પછી આગલી પેઢીને આ પર્યાવરણની બેહાલી માટે જવાબદાર ગણજો.

No comments:

Post a Comment