Tuesday, December 4, 2018

સબંધોની માયાજાળ

વાચકમિત્રો,આપણે સામાજિક પ્રાણી છીએ ને જનમથી મૃત્યુ પર્યત અનેક પ્રકારના સબંધોના તાણાવાણાની જાળમાં જીવીએ છીએ, આમાના કેટલાક જન્મ  સાથે વારસામાં મળે છે. એના પર આપણી ઇચ્છાઅનિચ્છાનો કોઇ કાબુ નથી. આપણને જન્મલેતા પહેલા માબાપની પસંદગીની તક નથી. કયા પરિવારમાં, કયા ઘર કે સ્થળમા,દેશમાં કે ઘર્મમાં જન્મલેવો એ આપણા હાથની વાત નથી. એજ પ્રમાણે પરિવારના અન્ય સભ્યો  ભાઇ બહેન દાદા,દાદી આપણી પસંદગીના મોહતાજ નથી.આપણને અટક પણ કુટુંબ તરફથી મળે.એતો ઠીક,પણ જે નામથી આપણે જીવનભર ને કયારેક મૃત્યુ પછી પણ ઓળખાઇએ એ પણ પરિવારની જ દેન છે,પછી એ નામ આપણને ગમે કે ના ગમે.આ  લોહીના સબંધો છે. ગુજરાતીમાં કહેવત છે કે ડાંગના માર્યા પાણી છુટા ન પડે. પરિવારમાં ભલે ભાઇબહેનો વચ્ચે વિખવાદ હોઇ શકે. પણ બહારના લોકો સામે પાછા બધા એક થઇ જાય,
      દુનિયાના બીજા સમાજો કરતા આપણા સબંધોમાં દરેકની અલગ ઓળખાણ ને વિશેષતા છે. અંગ્રેજીમાં uncle ને aunt, grand ma ને pa આમા બધુ આવી જાય. એની સામે આપણે મોસાળના સબંધોની અલગ ઓળખ. પિતૃપક્ષે કાકા કાકી, દાદા દાદી, પિતાની બહેન ફોઇ, મોટા બાપા ને બા, તો માતૃપક્ષે મામા ,મામી,માસી,નાના,નાની.
  આટલુ પુરતું ના હોય એમ ફરી એકવાર નવો પરિવાર ઉમેરાય. સાથે નવા સબંધોની જાળ વિસ્તરે. છોકરીના પક્ષે સાસુ,સસરા,જેઠ,જેઠાણી, દિયર,દેરાણી, નણંદ ને પતિના પિતરાઇઓ તો ખરાજ. તો વરપક્ષે સાસુ,સસરા, સાળા,સાળી,પાટલાસાસુ વગેરે.
     આસિવાયના સબંધો વ્યકિતની પોતાની પસંદગીના. માણસ લગભગ આખી જીંદગી નવા  સબંધો બાંધતો રહે છે. ચાલતા શીખે ને બહાર રમવા જાય ત્યારે શેરી મિત્રો મળે. પછી સ્કુલમાં જાય ને નવા મિત્રો મળે. મિત્ર પોતાની પસંદના પણ એમાં વ્યકિતનો પોતાનો સ્વભાવ ને રુચિ પણ ભાગ ભજવે. ઢીલાપોચા બાળકો દાદાગીરિ કરતા સહપાઠીની મિત્રતા સ્વીકારી લે. રક્ષણ મળે. તો ભણવાની રુચિવાળા કે ખેલકુદમાં રસ ધરાવતા બાળકો પોતાના જેવા વિચારો ધરાવતા મિત્રો શોધી લે.  હાઇસ્કુલમાં ભણતા સંતાનો પર માબાપની ચૌંકની નજર જરુરી છે. આ ટીનેજ અવસ્થામાં ઘર કરતા બહારના પરિબળો ને સોબત એની સારીનરસી ટેવો માટે જવાબદાર બને છે. આસમયે એનામાં હજુ સારાનરસાની વિવેકબુધ્ધિ હોતી નથી. પોતાના મિત્રવર્તળમાં સ્વિકૃતિ પામવાની ઝંખના હોય છે. આ સમયે ઘર કરતા બહાર એના મિત્રો સાથે વધારે સમય પસાર થતો હોય. આઠ કલાક સ્કુલમાં,રમવા ને લેસન.ઘણા માબાપ આને રાહત માનીને પોતાની જવાબદારીમાથી છટકી જાય. સંતાનોની ખુબી કે ખામી સૌથી છેલ્લે ને કોઇના કહેવાથી થતી હોય છે. આ તબ્બકે બંધાયેલી મૈત્રી કયારેક કૃષ્ણ સુદામાની જેમ આજીવન બની રહે છે
     સ્કુલ પુરી થાય પછી વ્યવસાયીક જીવન શરુ થાય. નોકરી શરુ થાય તો સહકાર્યકરો સાથે સબંધ બંધાય. ધંધો કરો તો એની સાથે સંકળાયેલા લોકો ને ગ્રાહકો એવા અનેક લોકો સાથે નાતો બંધાય. જોકે આ બધા સબંધો કામ પુરતા  હોય. એમાં લાગણીનું આદાનપ્રદાન હોતું નથી
 પછી સંસાર એટલે કે વિવાહીત જીવન શરુ થાય. બે અજાણી વ્યકિતઓ પરિવારની સંમતિ તો કયારેક પોતાની ઇચ્છા પ્રમાણે સંસાર સાથે વિતાવવાના શપથ લે. એમાં પ્રેમ,લાગણી,ફરજ, જવાબદારી ઘણી વસ્તુ જોડાયેલી છે.પતિ પત્નીના સબંધનું પરિણામ બાળકોનું સંસારમાં આગમન. માબાપ બનવાનો આનંદ સાથે નવી જવાબદારી.
 સાથે વૃધ્ધમાબાપની જવાબદારી.એક છત નીચે કયારેક ત્રણ કે ચાર પેઢી જીવતી હોય.જોકે આજના બદલાતા માહોલમાં એ ચિત્ર ઝાંખૂ પડતું જાય છે.
    આ સિવાયના સબંધો કયારેક આકસ્મિક ને કામચલાઉ ને કયારેક સમય પસાર કરવાનું બહાનુ બની રહે છે. મંદિરને ઓટલે ભેગુ થતું મહિલા મંડળ કે બગીચામાં બાંકડે નિવૃત વયસ્કો ,બસ કે રેલ્વે માં સહયાત્રી સાથેનો સત્સંગ આ બધુ ટાઇમપાસ છે. જેમ પંખી પરબડીએ ભેગા થાય ને દાણા ચણીને ઉડી જાય. ઠીક છે. માણસને માણસ પાસે મન મોકળુ કરવાનું મન થાય. પછી ભલે એનો કોઇ ઉકેલ ન આવે. જોકે વાત કરનારને એવી આશા ય નહોય પણ મન હળવું થાય. પણ જયારે સમાજના મોટાભાગના લોકો આવી રીતે માત્ર વાતોના વડા કરીને સમય પસાર કરે ને એ પણ કોઇ અર્થપુર્ણ વાતો તો નહિ. એટલે લોકોની આળસ,નિંદાકુથલી, જેવી નકારત્મક વૃતિને ઉતેજન મળે છે.ઉત્પાદન તો કાંઇ થતુ નથી. પછી મોટાભાગના કુટુંબોમાં લડાઇ ઝધડા ને એમ એકતા તુટી જાય. કોઇ રચનાત્મક
પ્રવૃતિ નથાય. એમ વ્યકિતની સાથે સમાજનો વિકાસ પણ અટકી જાય.  
     ને આ સબંધની માયાજાળ કેવી છે કે માણસના અંત પછી પણ એનો અંત આવતો નથી. વ્યકિતની હસ્તી મટી ગયા પછી પણ એની કબરો બાંધીને એને જીવાડવા પ્રયત્ન થાય છે. એના સ્મારકો રચાય છે ને એની  યાદગીરી રુપે કોઇ સંસ્થામાં ફંડફાળો આપી એની તક્તી મુકીને એની સાથેના સબંધો કાયમ રાખવાના પ્રયત્ન થાય છે. કયારેક એના નામે રાસગરબા,પ્રશસ્તિ,ને ફિલ્મો પણ બને છે. શું વિગત આત્મા આ બધૂ જોતો હશે?