Monday, November 14, 2016

વતન

આદિકાળથી માનવ સારી નેસગવડ ભરી જીંદગી માટે ભ્રમણ કરતો રહ્યો છે.માત્ર માણસજ નહિ પણ પશૂપંખીઓ ને જંગલી પ્રાણીઓ પણ સિઝનના બદલાવ પ્રમાણે નિયમિત પણે હજારો માઇલની સફર ખેડે છે. જો કે આપણા શાસ્ત્રોમાં મા ને માતૃભુમિનો મહિમા બહુ ગવાયો છે. ' જનની ને જન્મભુમિ સ્વર્ગાપી ગરીયસી' જનની ને જન્મભુમિનો દરેક માણસ ઋણી હોય છે. વતન સાથે માબાપ ને પરિવારનો પ્રેમ, પરવરીશ, બાળપણના અનેક સ્મરણો, બાળમિત્રો ને નચિંત , નિર્ભય રખડપટ્ટી આ બધુ જીવનભર યાદ રહે છે. કારણકે આપણા સારાનરસા કોઇ પગલાની જવાબદારી આપણી નથી હોતી. આપણી સુરક્ષાની જવાબદારી મોટાની. સાચુ કે ખોટુ પરિણામ એને જ ભોગવવાનુ. આપણે તો નિર્દોષ ને નાદાન. પણ વતન  કયારેક ઇચ્છા કે અનિચ્છા એ છોડવુ પડેછે૧. જે તે રાજ્યના શાષકો ઘાતકી કે શોષણખોર બને, જાનમાલની સલામતી જોખમાય, અન્નાય કે અત્યાચાર સામે રક્ષણ  કે ન્યાય નમળે.ઉપરથી ફરિયાદ કરનાર ઉપર જુલ્મ થાય એવા સંજોગોમાં માણસ મજબુરીથી વતનને અલવીદા કરે છે. આ રાજકીય સ્થિતિ . ૨  જયારે કોઇ કુદરતી આફત જેમકે ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ચક્રવાત, સુનામી. કયારેક દરિયો જમીનને ગળવા માંડે. એવા કુદરતી હોનારત માં જાનમાલની સલામતી જોખમાય, જીવનનિર્વાહ મુશ્‍કેલ કે અશક્ય બની જાય, આવે સમયે વતન છોડવુ પડે. ૩ માણસ સ્વભાવે કુતુહલપ્રિય ને સાહસિક છે. બધા નહિ તો અમુક સાહસિકો માત્ર નવુ પામવા માટે સુખસગવડની જીવન છોડી અનજાન વાટે, અફાટ સમુદ્ર કે અવકાશમાં ઝંપલાવે છે. કશુ પામવાની ગણતરી નથી. કોઇ વચનો નથી. માત્ર સાહસ છે. એ સાહસિકો પાસે સગવડ કે સાધનો થોડા ને જીજ્ઞાસા ને હિંમત વધારે છે. આપણે વાસ્કોડી ગામા કે કોલમ્બસ જેવા સાહસિક ઇતિહાસ વાંચીએ તો  ખ્યાલ આવે કે જીજીવિષા પર જીજ્ઞાસાનુ કેટલુ ખેંચાણ છે?૩   કયારેક સતાધારી લોકો નવી વસાહત ઉભી કરવા જરુરિયાતમંદલોકોને લાલચ કે બળજબરીથી સ્થળાતંર કરવાની ફરજ પાડે છે. જેમ કે બ્રિટીશ શાસનમાં આફ્રીકામાં કોલોનીઓ વસાવવા ને નિભાવવા ગુલામ દેશોમાથી ગરીબ લોકોને લઇ જવાતા. આરીતે ભારતમાથી એસમયમાં આપણા દેશી ભાઇ બહેનો ત્યા ગયા છેને ત્યાના કાયમી વતની બની ગયા છે. છતા ય તેલપાણી તરતા જરહે એમ રાજકીય ઉથલપાથલ થાય ત્યારે
એને પરદેશી ગણીને બેવતન કરી દેશબહાર કાઢી મુકવાનો જુવાળ સ્થાનિક પ્રજામાં ઉભો થાય ત્યારે માણસને વતન સાંભરે.વતન લગભગ ભુલી ચુકેલા ને સ્થાવર મિલ્કત,ધંધા વિકસાવી ને નચિંત જીવન જીવતા લોકોને હાથેપગે જીવ મુઠીમાં લઇને વતનમાં પાછા ફરવુ પડે એ પળ કેવી આકરી હોય એ તો જેને વીતી હોય એ જ જાણે. ૪   કયારેક બળજબરીથી અમુક પ્રજાનુ સ્થાળાંતર કરાવવુ. જેમકે અમેરીકાના શરુઆતના સમયમાં રસ્તા,ખેતી, રહેઠાણના બાંધકામોમાં મજુરોની જરુર હતી. મશીનો તો પ્રાથમિક કક્ષામાં હતા એટલે માનવ શકિતની જરુર પડી એના ઉપાયરુપે લાખોની સંખ્યામાં બ્લેક આફ્રીકન પ્રજાને ગુલામ તરીકે પકડીને લાવવામાં આવ્યા. કોઇ પણ પ્રકારના લાભ વિના માત્ર પશુની માફક કાળી મજુરી ને કારમી સજા. ઉભી બજારે એનુ વેચાણ થાય. પરિવાર વિખરાઇ જાય. એ લોકોનો સાંસ્કૃતિક વારસો, ભાષા, ને માણસ તરીકેની ઓળખ મટી ગઇ. એ પાછી મેળવતા બસ્સો વર્ષ લાગ્યા. ૫. માણસને દુરનુ આકર્ષણ હંમેશા વધારે હોય છે. આજે વાહનવ્યવહાર ને માહીતીનુ આદાનપ્રદાન વધ્યુ છે.એટલે લોકો સારી તકો મળે તો વતન કે પરિવારની મોહમાયા છોડી નીકળી પડે છે. ખાસ તો પરદેશથી આવેલ માણસ પાસે સારી વસ્તુઓ જોઇએનુ મન લલચાય.  જે માણસ લાંબા સમય પછી વતનમાં આવે  એને ગરીબ દેખાવુ ગમતુ નથી. આપણા તુલસીદાસે પણ કહ્યુ છે કે ગરીબ થઇને વતનમાં નજવુ. કારણ માણસ વતન છોડે તે કશુુ વધારે પામવા. એટલે જો ધોયેલા મુળા જેવો પાછો આવે તો એનુ માન સન્માન જળવાતુ નથી. બાકી આવનાર પોતાની સાચી હાલત જાણતો હોય પણ માભો જાળવી રાખે. થાય એવુ કે એનો સાચો કે ખોટો માભો બીજાને લલચાવે ને એમ દેખાદેખીથી માણસ વતન છોડે. પછી કયારેક પસ્તાય પણ પાછળવાળાને ચેતવે નહિ ને કદાચ કહે તો કોઇ માને નહિ. તો કયારેક પરદેશમાં સ્થાયી થયેલા સંતાનો પાછળ વતનમાં પાછળ રહી ગયેલા ને  એકલા      પડી ગયેલા માબાપને પરદેશ ઘસડાવુ પડેછે. પૌત્ર જે પૌત્રીઓના જન્મ પ્રસંગે ને સારસંભાળ લેવા જવુ પડેછે. ફાવે ન ફાવે, સુખે દુઃખે રહે ને આંટાફેરા કરે. હાથપગ ચાલે ત્યાસુધી.  પણ મન બે સંસાર વચ્ચે ડામાડોળ થઇજાય.  એક એવો પણ વર્ગ છે જે માત્રદેખાદેખીથી કે ખોટી  માહીતીથી પોતાની સારી નોકરી, ધંધા, સરસ વસાવેલો માળો બધુ વિખેરીને પરદેશ આવે છે. અહી એની ધારણાથી ઉલ્ટુ નીકળે ત્યારે પસ્તાવાનો પાર નથી રહેતો. માણસ હતાશ થઇ જાય ને વતનમાં પાછુ ફરવુ ય આસાન નથી હોતુ. બાવાના બે ય બગડ્યા  ને ધોબીનો કુતરો નહિ ઘરનો કે ઘાટનો'એવા હાલ થાય. તો પરદેશની જીંદગીથી ધરાઇ ગયેલા કેટલાક વળી વતનમા પાછા આવે છે. મનમાં વરસો પહેલાનુ વતનનુ સપનુ આંખોમાં આંજીને. પણ આપરિવર્તનશીલ જગતમાં કશું સ્થિર નથીહોતુ એ સત્ય ભુલી જાય છે. જે શેરીની ધુળમાં રમતા હતા ત્યા ડામરની સડક છે,નદી પર ડેમ બંધાયો ને એસુકાઇ ગઇ છે,તળાવની જગ્યાએ મકાન થઇ ગયા છે. વાડી ને વડપીપળા ને ખેતરની જગ્યાએ મકાનો થઇ ગયા છે ને એક સમયના મિત્રો વિખરાઇ ગયા છે અથવા પોતાના જ ઘરમાં અણગમતા મહેમાનની જેમ જીવી રહ્યા છે કેજે જુના મિત્રને હકદાવે ચાપાણી માટે આમંત્રી શકતા નથી. એ વતન કે જ્યા તમારી પહેચાન વાળા કોઇ નથી ને નવી પેઢી માટે ત્રાહીત છો. તમારા જ દેશમાં તમે પરદેશી બની જાઓ છો.  એતો ઠીક. પણ માણસ ક્યારેક સારા ઇરાદાથી વતનમાં આવે છે કે ખાસ નિવૃતિમાં કે આપણા જ્ઞાન ને ધનનો લાભ થોડો ક વતનને ય આપીએ. પણ આપણા સામાજિક ને ખાસ તો રાજકીય ઢાંચા પ્રમાણે એને ભાગ્યે જ સફળતા મળે છે. લોકો નિરાશ થઇને પાછાઆવે છે. કોઇ મક્કમ મનનો હોય તો જ ટકી શકે છે.      એક વિશેષ વાત આપણી ખાસીયત. આપણી પ્રજા  અર્થોપાર્જન નિમિતે જ પરદેશ ખેડે છે. સાહસ કે સતા માટે નહિ. જયા  રાજકીય સ્થિરતા હોય ને સતાધારી પક્ષ પરદેશી ને લઘુમતી તરફ ઉદાર હોય  ત્યા જાય છે ને રહી પડેછેન ેકાયમી વતનબનાવી  સ્થાવર ને જંગમ મિલ્કત ઉભી કરે છે. આ બધુ ઠીક છે પણ સતાપલટો કે  રાજકીય બળવો કે અંધાધુંધી થાય ત્યારે પરદેશી પહેલુ નિશાન બને છે. ઇતિહાસ આપણને આસત્ય વારંવાર શીખવે છે.  

Wednesday, November 9, 2016

ફાધર્સ ડે .

થોદા સમય પહેલા અમેરિકામાં ફાધર્સ ડે ઉજવાઇ ગયો.  બધા સંતાનોએ અલગ અલગ તરહથી ઉજવણી કરી હશે. આવ્યકિતગત તહેવાર છે. એનુ કોઇ ચોક્કસ બંધારણ નથી. પોતાની મતિ ને શકિત પ્રમાણે સહુએ પિતૃ ઋણ અદા કર્યુ હશે.એકાદ ફોનથી લઇને કાર્ડ, નાની મોટી ભેટ કે રેસ્ટોરન્ટનુ જમણ વગેરે. આપણા સમાજમાં પિતા માટે આવો કોઇ મુકરર દિવસ નથી. હા, હયાત ન હોય એવા પિતાની મૃત્યુતીથી નિમિતે ભજન, બટુકભોજન કે બ્રહ્મભોજન કરાવવુ,સામાજિક સંસ્થાઓમા એ નિમિતે યથાશકિત દાન કરવુ, તર્પણ, શ્રાધ્ધ  વગેરે થી  સદગતને અંજલિ આપવાનો પ્રયત્ન થાય છે. કયારેક એવુ બને છે કે જીવતા જેને જાળવ્યા ન હોય એ આવી વિધિઓમાં વધારે માને છે.એમાં પ્રેમ કે ફરજ કરતા અમુક અંશે ગુનાહિત લાગણી કામ કરે છે. એ અલગ વાત છે પણ આપણે ત્યા હયાત માબાપ માટે આવી કોઇ ઉજવણી અલગથી થતી નથી. આપણે તો માતૃદેવો ને પિતૃદેવોનૂ સુત્ર આપીને શાસ્ત્રોએ માબાપની આમરણાંત જવાબદારી સંતાનો પર નાખી છે. એટલે બધા દિવસો ફાધર્સડે ગણાય.   હવે સમયના બદલાવ સાથે આ ભાવના ઓસરતી જાય છે. ખાસ તો આધુનિકતામા રાચતા પરિવારો કે  ને મધ્યમ વર્ગમા પણ વડીલો જેને સંતાનો કયારેક મજબુરીથી તો કયારેક જવાબદારીમાંથી છટકવા વૃધ્ધાશ્રમમાં ધકેલી દેછે ત્યારે આવે એકાદ દિવસે મળવા જઇને ઋણ અદા કરવાનો પ્રયત્ન કરે છે.    આ બધી વાતોની સાથે એક વાર્તા કદાચ સત્ય પણ હોઇ શકે. એ અહી રજુ કરુ છુ.એક ગરીબ પિતા  મજુરી કરીને પોતાના દિકરાને ભણાવે છે. એક જ લગન કે મારા દિકરાને મારા કરતા બહેતર જીવન આપવુ. એને માટે રાતદિવસના ઉજાગરા, ભુખતરસ,અપમાન, અન્નાય કેટલુ ય સહન કરીને દિકરાને દાક્તર બનાવે છે. કોલેજના પ્રાંગણમાં પદવીદાન સમારંભ યોજાય છે. બાપ દિકરા ને એટલી જ વિનંતી કરે છે કે  મારે તને એ ડીગ્રી લેતો નગરે જોવો છે. દિકરો કાંઇક ઉદાસીન ભાવે કહી દેછે કે તમારાથી ત્યાં ન અવાય. જે પિતાએ પોતાની હેસિયત કરતા કયાય વધારે દિકરાની જીંદગીમાં પ્રદાન કર્યુ છે એબાપનો એટલોતો હક બનતો જ હતો. છતા એ ગરીબ બાપ ચુપ રહી જાય છે . છેવટે કોલેજના મેદાનને છેવાડે આવેલા એક ઝાડ પર ચડીને પોતાના દિકરાનો પદવી દાન જુએ છેને હર્ષના આંસુ વહાવે છે. ત્યારે એક સવાલ એ થાય કે શા માટે આપણે ગરીબ, અભણ ને સામાન્ય દેખાતા માબાપથી શરમાઇએ છીએ. એના ભાગનો યશ બીજા સમક્ષ સ્વીકારતા શા માટે અચકાઇએ છીએ? એમાં પણ એક વાત કે આપણા
સાહિત્ય ને કવિતાઓમાં માતાની જેટલી કદર થઇ છે, એટલી પિતાની નથી થઇ. માતાનો જેટલો ઋણસ્વીકાર થયો એટલો પિતાનો નથી થયો.દુનિયામાં લગભગ દરેક સમાજમાં પિતાનુ કાર્યક્ષેત્ર રક્ષક ને પોષક તરીકેનુ રહ્યુ છે.પરિવાર માટે મહેનત કરે, પોતાના સુખદુઃખ, આરામ ને શોખનુ બલિદાન આપી દે.સમય આવ્યે પરિવારના રક્ષણ માટે જાન પણ જોખમમાં મુકે.પોતાની કોમળ લાગણી, આંસુઓને કાબુમાં રાખે, કહેવાય કે મર્દકો દર્દ નહિ.એની સામે  પરિવાર પાસે એ માનસન્માન ને આજ્ઞાપાલનની આશા રાખે.  આ સાથે આપણી નજર સામે કડક ને એક ગંભીર ચહેરો તરીઆવે. એ ભાગ્યે જ હસે.એના આવવાના સમયે મોટાભાગના ઘરોમાં હસતા રમતા કે ધમાલ કરતા બાળકો શાંત થઇ જાય. નાનામોટા બધા કોઇ મહત્વના કામમાં વ્યસ્ત હોવાનો દેખાવ કરે.છોકરા પોતાની સમસ્યા રજુ કરતા ય ડરે. માતાને મધ્યસ્થી થવુ પડે,એમાટે પણ અનુકુળ સમયની રાહ જોવી પડે. ખરી વાત એછેકે પિતા નઠોેર કે કઠોર નથી પણ એની લાગણી વ્યકત કરવાની રીત અલગ છે.એ શબ્દોમાં નહિ પણ કાર્યમાં દેખાય છે.પિતા કઇક અંશે રહસ્યમય લાગે છે કારણકે  બહારની દુનિયાની વાસ્વિકતા, પોતાના સિધ્ધાંતોને ટકાવી રાખવા કરવો પડતો સંધર્ષ, નોકરી કે ધંધામાં સહેવી પડતી મજબુરી,અન્નાય, કે અપમાન આબધા પ્રશ્ર્નોને નાના બાળકો
સામે કહી  દર્શાવી શકતા નથી.એટલે બાળકો જ્યા સુધી પોતે  પુખ્ત ન બને ત્યા પિતા એને માટે  અનજાન ને ક્યારેક સરમુખત્યાર જેવા લાગે છે.પિતાના એ સંધર્ષકાળની એને જાણ નથી હોતી,એટલે એક ગેરસમજણ ને પુર્વગ્રહ બંધાઇ જાય છે જે બન્નને જીવનભર નડે છે.
  એરીતે જોઇએ તો માતાનો પ્રેમ પારદર્શી છે. ખરેખર એમ કહી શકાય કે પિતાનો પ્રેમ નાળીયેર જેવો છે જે ઉપરથી કડક ને બરછટ દેખાય
એને પામવા ને સમજવા પ્રયત્ન કરવો પડે.જેમ નાળીયેરનો સ્વાદ માણવા એનુ ઉપરનુ આવરણ તોડવુ પડે. પછી જ એની કોમલતાની જાણ થાય. કમનસીબે ને મહદઅંશે બને છેકે એ જ સંતાનો જયારે પોતે પિતાના રોલમાં આવે ત્યારે જ પિતાની એ સમયની મજબુરી ને ત્યાગ ને પ્રેમનો અહેસાસ થાય છે. એટલે જો આપણે આપણા બાળકો પાસે ભવિષ્યમા ં માનસન્માનની આશા રાખતા હોઇએ તો આપણા માબાપએ આદર આપીએ. કારણ બાળકો સુત્રો ગોખાવવાતી નહિ, નિરિક્ષણથી વધારે શીખે છે.

Saturday, November 5, 2016

એક રમુજી વાત. ખોટનુ ખોટ્યમાં જાય.

આપણી ગુજરાતીમાં બે શબ્દ ઉચ્ચારમાં સરખા લાગે પણ અર્થ બદલી જાય. ખોટ ને ખોટ્ય. ખોટ એટલે ઉણપ. ખામી. શારિરીક કે માનસિક ઓછપ. ભૌતિક સંપતિની અછત. ખોટ શબ્દ મોટે ભાગે ભૌતિક વસ્તુના સંદર્ભમાં વધારે વપરાય છે. દા.ત. ધંધામાં ખોટ જવી, કોઇ મહત્વની જે જવાબદાર વ્યકિત વિદાય લે કે જેનાવિના બધુ જ અટકી પડે એ ખોટ કદી ન પુરાય.     એવો જ બીજો શબ્દ જરા ઉચ્ચારભેદ સાથે 'ખોટ્ય' એ ખાસ કરીને એવી વ્યકિત કે વસ્તુ માટે વપરાય છે કે જે બહુ  લાંબા સમયની ઝંખના  પછી મળી હોય ને બીજી વાર મળવાની શક્યતા ઓછી હોય. કિંમતી વસ્ત્ર અલંકારો, ને બીજી ભોગવિલાસની સામગ્રી. એ સિવાય અનેક બાધાઆખડી ને લાંબા સમયના અંતરે પ્રાપ્ત થતુ સંતાન. ખાસ કરીને આપણા સમાજ માટે દિકરો. એક નહિ પણ સાત ખોટ્યનો મનાય.
     આસંદર્ભમાં વિચારીએ તો ભૌતિક સંપતિ, ખાસ કરીને થોડા શ્રીમંતો ને નસીબદારોને બાદ કરતા વિશાળ જનસમુદાયને અમુક પ્રસંગોપાત જ મળતી હોય. કિંમતી વસ્ત્ર  ને અલંકારો  લગ્ન સમયે જ મળે. ખાસ કરીને બહેનોને.એટલે એ'ખોટય' ના ગણાય. એને વાપરવા કે ભોગવવા કરતા એને સાચવવામાં જ બધો આનંદ સમાઇ જાય છે. બહુ બહુ તો આપણે એના માલિક હોવાનો સંતોષ લઇ શકીએ. આમ જુઓ તો આપણા રોજબરોજના જીવનમાં એનો કોઇ ઉપયોગ નથી. કિંમતી કાચના વાસણો અભરાઇ કે શોકેઇસ શોભાવે છે. બાકી રોજના કામમાં  તો તાંબા પિતળ કે એલ્યુમીનિયમના ઠોબરા જ કામમાં આવે છે.કિંમતી વસ્ત્રો કે ઘરેણા સારા પ્રસંગની રાહ જોતા જોતા જ સિનિયર સીટીજન થઇ જાય. પહેરવાનો પ્રસંગ આવે ત્યારે શરીર કે મન એને લાયક  બહુધા નથી રહેતુ. ખાસ કરીને મધ્યમ વર્ગની બહેનો કે જેને પોતાના પ્રસંગે જે એકવાર જ સાંપડે. એનો આનંદ માત્ર વસ્તુ હોવામાં જ સમાઇ જાય . આતો ભૌતિક વસ્તુની  મર્યાદાની વાત થઇ પણ જીવંત વ્યકિતમા સંદર્ભમાં જોઇએ તો કયારેક ખોટ્યના સંતાનો પણ ખોટ્માં જાય છે.એને એટલા લાડકોડમાં ઉછેરવામાં આવે કે એ લગભગ પાંગળા ને પરાવલંબી બનીજાય. એના મનમા એવી ગુરુતા ગ્રંથિ બંધય જાય કે એમણે ધરતી પર અવતરીને દુનિયા પર ઉપકાર કર્યો છે.અરે ભાઇ , કાલાઘેલા તો તમારા માબાપના. એક નહિ પણ સાત ખોટ્ય હો તો અમને શું ફરક પડે? you are just another human being in eye of world.  પણ આવા લોકો પોતાની જાતે કશુ કરવુ, વિચારવુ કે પોતાના પગ પર ઉભા રહેવાનુ વિચારી જ શકતા નથી.આવા લોકો જિવનભર માબાપ પર બોજો બનીને જીવે ને જીવનનો આધાર ખસી જાય ત્યારે રોડ પર આવી જાય. ત્યારે કહેવુ પડે કે ખોટ્યનુ ખોટમાં જાય.

Friday, November 4, 2016

એક હાસ્યલેખ

 આકાશમાં નજર કરીએ તો આપણો સૌથી નજીકનો ને દ્રશ્યમાન પાડોશી તે ચંદ્ર. સદીઓ સુધી એણે આબાલવૃધ્ધથી લઇને આપણા,  સાહિત્ય, ધાર્મિક માન્યતાઓ, પૃથ્વી પરના સજીવો ને નિર્જીવો પર સરખી અસર કરી છે. પુનમે એને જોઇને દરીયો છલકાય છે ને અમાસે શાંત થઇ જાય છે. અમુક પશૂ પંખી ના વર્તન પર અસર કરે છે.     છેક રામાયણના કાળથી રામ બાળસ્વરુપે એની સાથે રમેલા. આજે પણ બાળકો ચાંદામામા જોડે રમવાનો રોમાંચ અનુભવે છે. ચાંદામામા જેવુ લાડકુ નામ!સાંભળતા બાળમાનસમાં કેવી રમ્ય કલ્પના જાગી ઉઠે? મોસાળ ને મામા એટલે મનગમતી પ્રવૃતિઓનુ બેરોકટોક મેદાન ને મામા એટલે લાડપ્યારનો ખજાનો.   આપણી નાની બાળાઓ પોષીપુનમનુ વ્રત રાખે, ઉપવાસ કરે ને ભાઇને ખીર ખવડાવે ને એની સંમતિ પછી પોતે ખાય.ભાઇના લાંબા આયુષ્ય માટે ચંદ્રને પાર્થના કરે તો સૌભાગ્યવતી સ્ત્રીઓ 'કરવા ચોથ'નુ ્વ્રત કરે ને ચાંદા આગળ  પતિના આરોગ્ય ને આયુ માટે આશીષ માગે.તોઆપણા વડીલો ચદ્રલોકમા વાસ મળે એમાટે દાનપુન્ય કરે,વ્રત ઉપવાસ કરે. તો આપણી ફિલ્મજગતમા તો એપ્રણય ને વિરહ ગીતો ને શાયરીઓમાં હીરોની જેમ છવાયેલો છે. રુપાળી કન્યાઓની નામાવલિ જુઓ ચંદા, ચાંદની, ચંદ્રીકા, ચંદા, ચાંદ, ચંદ્રલેખા, ચંદ્રકાંતા. આવો રુપાળોચંદ્ર ને આવી મનભાવન કલ્પના, પણ આઅમેરિકનોની ખટપટ તે નીલઆર્મસ્ટોગ અને ઓપનહાઇમાર , બઝ         ચદ્રની ધરતી પર ઉતર્યા ને આપણી કલ્પના સૃષ્ટિનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. આપણો ભ્રમ ભાંગી નાખ્યો.  બાળકો ય સમજી ગયા કે ચાંદામામા જેવા કોઇ મામા ત્યા રહેતા નથી.ત્યાં શીતળ ચાંદની નથી પણ હિમ જેવી કાતિલ ઠંડી છે તો બીજી બાજુ બાળી નાખે એવી આગ છે. ઉજ્જડ,વેરાન,ને મૃતપ્રાય. લીલોતરીનુ નામનિશાન નહિ.તો પુનમની રાતે ચાંદાનુ પુજન કરીને ભઇલાનુ ક્ષેમકુશળ ભોળી  બાળાઓને ખબર પડી કે જે પોતે જ મૃતપ્રાય છેએ  આપણને દીર્ધાઆયુષનો આશીષ આપવાનો?તો બહેનોને પણ ભાન આવ્યુ કે  ચંદ્ર પાસે કોઇ જડીબુટી  નથી તો એના નામે આવા ઉપવાસ કરવા કરતા સાચુ આરોગ્ય જાળવવા રસોડા ને રસોઇમાં  ધ્યાન આપવુ.કારણ ચંદ્ર હવે આકાશમાથી આશીર્વાદ વરસાવતો દેવ નથી. પણ આ નવીનતમ સાહસ ને શોધથી  સૌથી વધારે ખોટ તો આશૂકો, માશુકો, કવિઓ, લેખકો, શાયરો, ને દિલના અર્ધ મરીઝ જેવી નાતને પડી છે.સદીઓથી પ્રિયપાત્રના સૌદર્યના વર્ણન માટે ઢગલાબંધ અલંકારો પુરા પાડતો ચંદ્ર ધુળને ઢેફાનો ઢગલો છે એ સાબિત થઇ ગયુ છે. એટલે આ નાતને ચેતવણી આપવામાં આવે છે કેહવે પછી તમારા પ્રિયપાત્રને શણગારવા, ખીજવવા, રીઝવવા કે મનાવવા ઉપમા, ઉપમેય કે અતિશયોકતિના અંલકારો શોધવા દુરના કોઇ ગ્રહ પર જાવુ પડશે. કારણકે પૃથ્વી પર આમાનુનીઓને ચંદ્રના સાચા સ્વરુપની ખબર પડી ગઇ છે.હવે કોઇ સુંદર સ્ત્રીને ચંદ્રમુખી,ચાંદની કે ચંદ્રીકા કહેવુ એ આધુનિક ગાળ છે. કદાચ સ્મિતને બદલે ચપ્પલ પણ મળે.

Wednesday, November 2, 2016

પાણી

પાણી પૃથ્વીલોકનુ અમૃત. એના વિના જીવન શક્ય નથી. માત્ર મનુષ્ય જ નહિ પણ વનસ્પતિ, ધાન્ય, જે ના પર આખી દુનિયા નિર્ભર છે એ ખેતી બધા જ પાણી પર આધારિત છે. છતા ય આપણે પાણીનુ મુલ્ય સમજ્યા નથી. કોઇ પણ વસ્તુ સસ્તી હોય તો લોકો કહેશે કે આતો પાણીને ભાવે મળે છે.ખરેખર તો જેમ જીવતા માબાપ કે સ્વજનની કદર એના ગયા પછી જ સમજાય એમ જ જ્યારે દુષ્કાળ કે અછતમા પાણીની કિંમત સમજાય. જયારે પાણીની છત હોય ત્યારે એ 'અમુલ્ય'એટલે કે એની કોનુ કોઇ મુલ નહી. તો અછતમા 'અમુલ્ય' એટલે કે એનુ મુલ્ય આંકી ન શકાય. આપણા શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે 'વાણી ને પાણીનો દુરુપયોગ નકરો'. પણ આ બધુ માથે આવી ન પડે ત્યાં સુધી સમજાતુ નથી. જ્યારે માણસ નજર સમક્ષ વિશાળ સરોવરો, સમુદ્રો, ને બે કાંઠે છલકાતી નદીઓ, કે હિમાચ્છાદિત પર્વતો જુએ છે ત્યાસુધી એને પાણી માટેનો વિવેકપુર્ણ વપરાશ કે એની અછત વિષેના વિચારો વાહિયાત લાગે છે. એના માનવામાંજ નઆવે કે પાણીનુ રેશંનિગ પણ આવી શકે. એ હકીકત છે કે પીવાલાયક પાણીનો જથ્થો ઓછો થઇ રહ્યો છે. અૌદ્યોગિક ક્રાંતિએ માનવજાતિને ઘણી સુખસગવડ આપી છે. પણ એમાં કુદરતી સંપતિનો ભોગ પણ લેવાયો છે. વિશાળ કાર.ખાના ને પાવરપ્લાન્ટ, રિફાઇનરીઓ  આદેખાતો વિકાસ  પ્રગતિનો અહેવાલ આપે છે. પણ આવિરાટ મશીનોને અમુક અમુક સમયે  શાંત કરવા પાણીના મોટા જથ્થાની જરુર પડે છે. સમયાન્તરે એ પાણીને શુધ્ધ કરી ફરીવાર વપરાય પણ છેવટે એનો નિકાલ કરવો પડે એ દુષિત પાણી નકામુ બની જાય.એવી જ રીતે પાણી વિતરણની અયોગ્ય પધ્ધતિ ને લોકોની એ વ્યવસ્થાને અનુસરવાનુ અજ્ઞાન કે અનિચ્છા ને કારણે પાણીનો  બગાડ થાય. એ પણ માણસની વિચિત્રતા છેકે જે વસ્તુ વિના મુલ્યે  કે મહેનત વિના મળે એની કિંમત સમજાતી નથી. એક સમયે પાણી દુર દુરથી ઉંચકીને માથા ઉપર બેડા લઇને લાવવુ પડતુ હતુ, ખાસ કરીને સ્ત્રીઓને. વધારામા કુવા કે વાવમાથી સીચવુ પડતુ'તુ. ત્યારે એની કિંમત અલગ હતી ને પછી ઘેર બેઠા નળમાં પાણી આવવા માંડ્યુ એટલે એનો વપરાશ ને બગાડ વધી ગયો. ઉપરાંત વસ્તીવધારો પણ અછતમાં કારણભુત બન્યો. આજે ખેતી ને ઉદ્યોગો વચ્ચે પાણીની વંહેચણીમાં ખેંચાખેચી થાય છે. જે પ્રજા સંગઠિત ને સ્વયમ શિસ્તપાલન કરે છે એ પ્રજા કુદરતી સંપતિનો વિવેકપુર્ણ ઉપયોગ કરીને પ્રગતિ કરે છે જેમ બુધ્ધિશાળી માણસ થોડી પુંજીમાંય સુખેથી જીવે  ને સામે અવ્યવસ્થિત ને ઉડાઉ માણસ લાખોની સંપતિ વેડફીને પાયમાલ થઇ છે.  આપણી પવિત્ર ગણાતી નદીઓ ને જળાશયોમાં ગટરોના પાણી, ઉદ્યોગોના ઝેરી રસાયણો, કચરો, આપણા તહેવારોમાં જળમાં પધરાવાતી મુર્તિઓ, કરમાયેલા ફુલોના ઢગલા, મોક્ષના નામે મૃતદેહો ને હાડકા, માનવ ને પશૂઓના મળમુત્ર વિસર્જન નદી કે કુદરત કેટલુ સહન કરે? પછી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો પાછા યજ્ઞયાગના ધુમાડા. તો પ્રગતિશીલ દેશોને એની આગવી સમસ્યા છે. વધારે ઉત્પાદનની લ્હાયમાં આડપેદાશ પેદા થયેલા કચરાને ક્યા નાખવો?હવે તો દરિયા પણ બાકાત નથી રહ્યા. એવુ કહેવાય છે કે ત્રીજુ વિશ્ર્વયુધ્ધ થશે તો પાણી માટે થશે.