Thursday, October 17, 2019

પરિશ્રમ

વાંચક મિત્રો, તમે પણ કયારેક એવુ જોયુ હશે કે જીવમાત્ર  પ્રકૃતિથી આળસું છે. શ્રમ નિવારવાનો એ બને ત્યા સુધી પ્રયત્ન કરે છે. એ પણ કદાચ સજીવના જીનમાં હશે કે એક વાર કોઇ ચીજ સહેલાઇથી મળવા માંડે પછી એ વસ્તુ કે એ સગવડની ગેરહાજરીમાં મુળભુત પરિસ્થિતમાં પાછુ ફરવું બહુ મુશ્કેલ લાગે છે. જુઓ વન્યપ્રાણીકે શિકારી પ્રાણીઓને એમની કુદરતી સ્થિતિમાથી બહાર લાવીને અભ્યારણમાં કે પાલતુ કે સરકસ જેવી સભ્ય સમાજમાં લાવવામાં આવે ને ખોરાક પુરો પાડવામાં આવે કે જે એ પોતાના પરિશ્રમથી મેળવતો હોય એ જ પ્રાણીને સંજોગવશાત પાછુ એની મુળભુત સ્થિતિમાં રહેવાનું થાય તો એને બહુ મુશ્કેલ પડે છે. એ જ પ્રમાણે પશુપંખી પાળેલા ને પાંજરામાં હોય કે જળાશયમાં કોઇ એને નિયમીત ખોરાક આપતુ હોય તો એ બહુ જલ્દીથી પોતાની ખોરાક મેળવવાની તરકીબ ભુલી જાય છે. એ જ પ્રમાણે માણસ પણ એક વાર ચાલવાની કે અમુક શ્રમ કરવાની આદત છોડી દે તો ફરીથી એ જ કામ કરવાનું એને માટે અશક્ય તો નહિ પણ મુશ્કેલ તો બને છે.
  તો એક ઓર વાત કે સમાજનું શ્રમ તરફનું વલણ. જયા જીવન જરુરિયાત સહેલાઇથી મળતી હોય ત્યા માણસ આરામપ્રિય બની જાય. પછી જો એ કામ ફરીથી કરવું પડે તો એના માટેના સહેલા રસ્તા શોધે. જેમકે એક વખત વાહન વસાવ્યા પછી કયારેક વાહન અટકે કે ગેસ ન પોસાય તો વધારે પૈસા માટે પૈસા કમાવાના બીજા કિમિયા શોધે. પણ ચાલવાનુ તો આકરુ લાગે. એ  જ પ્રમાણે જેને ઘરકામ માટે નોકરો પર આધાર રાખવાની ટેવ પડી જાય પછી સામાન્ય કામ પણ એનાથી નથી થતું. સામાજિક વલણમાં એવું કે અમુક સમાજમાં શ્રમ કે શ્રમિકને હલકા માનવામાં આવે. કામ તરફ સુગ. વેઠ જેવો શબ્દ વપરાય. આપણા દેશમાં મહેનત કરનાર હલકો ગણાય છે. જુઓ મહેનત કરનાર વિદ્યાર્થીને બોચીયો  ગણીને મજાક થાય. ઓફીસોમાં પ્રમાણિક ને મહેનતુ માણસને સન્માનને બદલે એના સાથી કર્મચારીઓ વેઠીયો કહીને હાંસી ઉડાવે. ખેડુતને રોંચા ને ખાગા જેવા નામથી ઠેકડી થાય. જો બીજા શ્રમજીવીઓને આવી જ નગણ્ય નજરથી જ જોવાય. એ પણ જુઓ કે પરિશ્રમ ટાળવા બુધ્ધિજીવી લોકો ને ખાસ તો યુરોપીયન પ્રજાના અમુક મહેનતુ લોકોએ નવી નવી શોધો કરીને શ્રમનું પ્રમાણ ઘટાડ્યું છે ને માણસની જીંદગી સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. હા, એવા કામ કે જયા માણસને બેહદ શ્રમ પડતો હોય ત્યા મશીન આવકાર્ય છે. પણ એની ઘેલછા એ જ  તકલીફ પેદા કરે છે. ધારોકે જે કામ હાથથી કરતા કલાકો થાય એ તમે એક જ કલાકમાં કરી નાખો  સહેલાઇથી. પણ બાકી બચેલા સમયનો  સદઉપયોગ કરવાની ભાન નહોય તો  સરવાળે નુકશાન જ થવાનું.
  આપણી પરંપરા કે સામાજિક વલણ પ્રમાણે મહેનત ટાળવા અરે શારીરિક તો ઠીક પણ વિચારવાની ય તકલીફ વિના સહેલો રસ્તો કે કોઇ દેવીદેવતાના પગ પકડી લેવા. દેહદમન કરવું ને હઠાગ્રહ,તપ,યજ્ઞો, જપ વગેરેથી એમને ખુશ કરવા ને બસ એ પ્રસન્ન થઇને વરદાન આપે એટલી જ વાર!કેટલુ સહેલુ? એટલે જ આજે રોજ નવા દેવદેવીઓ ,બાપુઓ, બાબા,સંતો ને મૌલાઓનો રાફડો ફાટે છે. લોકોને કોઇ સમસ્યા માટે વિચારવાની તસ્દી પણ નથી લેવી!
પરિક્ષામાં પાસ થવાથી માંડી ને સંતાન માટે માનતા ને આવા બાબાના આશીષ!એટલે તો આપણા દેશમાં મકાનો કરતા મંદિરો વધારે છે. જન્મદાતા માતાનો ચમત્કાર ભુલાઇ ને નિર્જીવ પથ્થરમાં એને ચમત્કાર દેખાય. મા કોઇ ઘરડા ઘરમાં દિકરાનું મોં જોવા ઝંખે ને દિકરો બેજાન પથ્થરના ચરણોમાં આશીષ માટે આળોટે!     તો આ છે મહેનત તરફની આપણી સુગનું પરિણામ. છેલ્લે કહુ તો એટલે જ આપણે દેશ છોડીને પરદેશમાં આવવું પડે છે. આજે બીજા દેશોમાં આપણે જે મહેનત કરીએ છીએ એજ પ્રમાણે દેશમાં કરતા હોત તો વતન નાછોડવું પડ્યું હોત. આ તો પારકી મા કાન વીંધે એવું છે.