Saturday, March 11, 2017

જે પોષતુ એજ મારતુ ભાગ ૪

એ એક દિવસ જાણે અચાનક સુરખીને રસ્તામાં મળી ગયો!' હાય સુરખી, શાદી મુબારક. હુ લગ્નમાં હાજર ના રહી શક્યો. હમણા જ બહારગામની આવ્યો. ભઇ તુ તો પરદેશીને પરણીને દેશીને ભુલી ગઇ હોઇશ. જવા દે. તુ સુખી તો છે ને?' એણે આખી વાતને બહુ સહજ બનાવવાનો અભિનય કર્યો. સુરખીના મનમાં ગુનાહિત લાગણી તો હતી જ,સાથે ભવાનીનુ આવુ ઉદાર વર્તન! એને વધારે ભીંજવી ગયુ. એ લગભગ રડી પડી.' સુરખી, જે થયુ તે, તારા સુખને ખાતર એકલી જીંદગી તારી યાદમાં  આપણા પ્રેમના સહારે જીવી જઇશ' એણે દેવદાસની અદામાં કહ્યુ.      આવી એકાદ બે અછડતી મુલાકાતમાં એણે સુરખીને મનાવી લીધી. એ પ્રમાણે સુરખી કેનેડા જાય, કોઇપણ કારણ બતાવી એના પતિને છુટાછેડા આપવા મજબુર કરે, એ દરમ્યાન ભવાની પણ ત્યા પંહોચી જાય ને બન્ને પરદેશની ધરતી પર પરણી જાય ને બહારથી એમ લાગે કે ભવાનીએ એનો હાથ પકડીને એના પર ઉપકાર કર્યો છે.          સુરખીને આ સમયે આ યોજનામાં કશુ અજુગતુ ન લાગ્યુ.  નિયત સમયે વિસા મળતા એ કેનેડા આવી ગઇ. યોજના પ્રમાણે ઘરના સભ્યોથી અતડા રહેવુ, કોઇ વાતમાં ભાગ ન લેવો, ચિરાગ તરફ ઉદાસીનતા ને ઉપેક્ષા. કોઇના લાગણીના બંધનમાં કે દબાણમાં ન આવવુ. છેવટ  આલોકો થાકીને સામેથી એને છુટી કરી દે. એટલે એનો કયાય વાંક ન આવે.      પણ એની ઇચ્છા વિરુધ્ધ એ ઘરમાં બધા જોડે એટલી ભળી ગઇ કે આગલી યોજના ભુલાઇ ગઇ. કારણકે ઘરમાં એને એટલો પ્રેમ ને આદર મળ્યો. હવે આ ધર છોડવાનુ એ સપને ય ન વિચારી શકે.        પણ ભવાની નહોતો ભુલ્યો ને એના વચનની યાદ અપાવવા જ આ ફોન આવ્યો હતો. હા, એ કેનેડા આવી ગયો હતો, કઇ લાયકાતે? આમ તો પૈસા સિવાય એની કોઇ યોગ્યતા નહોતી. આવા એકાદ બે સંદેશા સુરખીએ અવગણ્યા પછી એ આજે છેલ્લે પાટલે બેસી ગયો હતો. એની ધમકી કાનમાં પડધાતી હતી'  યાદ રાખજે, અહી તો ઠીક પણ દેશમાં ય તારા પરિવારના બુરા હાલ કરીશ. હુ તારા જેવી દગાખોર પ્રેમિકાઓને એવો પાઠ ભણાવીશ કે   આવી વિશ્રવાસઘાતીઓની યાદગીરી સતેજ રહે. બાકી તારા જેવી તો મારી કામવાળીઓ છે' તો 'જે પોષતુ તે મારતુ'એ કેટલુ સત્ય હતુ?નાનપણની એ રોટીની કિંંમત વસુલ કરવા એ પણ વ્યાજ સાથે શરીફ આવી ગયો હતો!         એ ઘેર તો માંડ  પહોંચી. રોજની માફક આખો પરિવાર સાંજના  જમણ માટે એની રાહ જોતો બેઠો હતો. નણંદે મીઠી મજાક કરતા કહ્યુ. 'આજે તોભાભીની મનપસંદ મીઠાઇ છે એટલે આપણા માટે કશું નહિ બચે.' આવી કેટલીય રસપ્રદ ને મજાક વચ્ચે જમણ પુરુ થયુ.       પણ બધાએ એ તો જોયુ કે આજે સુરખી ચુપ હતી. ઉદાસ કે વધારે જોઇએ તો ગમગીન હતી.         ચિરાગે પણ એ જોયુ. પણ જાહેરમાં પુછવાનુ ટાળ્યુ. રાતે શયનકક્ષમાં એને વિશ્રવાસમાં લઇ આખી વાત જાણી. તો સુરખીએ બધુ જ જણાવી દીધુ. આ પાર કે પેલે પાર. એકને  તો ગુમાવવાનો જ હતો.વાત સાંભળી ચિરાગ પણ વિચારમાં પડી ગયો. થોડો વિચારકરી  એણે પોતાની યોજના સમજાવી. બીજે દિવસે સુરખીની નોકરી પાસેના કોફી શોપમાં એનો આખરી ફંેસલો સાંભળવા ભવાની આવવાનો હતો. સુરખી એ યોજના પ્રમાણે જાણે કોઇથી ભાગતી હોય એમ ચારેબાજુ કાતરનજરથી જોતી કોફીશોપમાં ભરાઇ. એ જ સમયે ભવાની એની પાછળ પાછળ દોડયો ને એની પાછળ પોલીસ દોડી. ભવાની કાઇ સમજે એ પહેલા પોલીસે એના હાથમાં હાથકડી પહેરાવી ને કહ્યુ. 'તમને એક સ્ત્રીનો એની ઇચ્છા વિરુધ્ધ પીછો કરવાના ગુનામા પકડવામાં આવે છે. હવે બીજો સવાલ.તમારી પાસે આ દેશમાં રહેવાનુ કાયદેસર કોઇ પ્રમાણ હોય તો બતાવો' ભવાની શું બોલે કે શું બતાવે.    એ ધોયેલા મુળા જેવો દેશમાં પાછો આવ્યો ને પોતાની દાઝ ઉતારવા માસ્તરને ધેર દોડ્યો તો એ પણ પરિવાર સાથે અદ્રશ્ય થઇ ગયા હતા.          પુર્ણ

Friday, March 10, 2017

જે પોષતુ તે મારતુ ભાગ ૩

પછી તો સુરખીની હાલત કાઇક આવી થઇ. મન જરાક નવરુ પડે એટલે ભવાનીના જ વિચાર આવે.એને યાદ કરતા જ મોઢા પર સ્મિત ફરકી જાય. અકારણ કોઇ પ્રેમગીત યાદ આવી જાય. સુખ ને સુરક્ષાની અનુભુતિ થવા માંડે.એની હાજરી કરતા ગેરહાજરીમાં એ વધારે મોહક લાગે. શું આને જ પ્રેમ કહેવાતો હશે?શું એને પણ આવી જ લાગણી થતી હશે?જોકે હજુ સુધી એવો કોઇ અણસાર પોતે આપ્યો નહોતો કે સામેથી એને મળ્યો નહોતો. પણ પ્રેમ છુપ્યો છુપાતો નથી ને! હવે કયારેક આયોજીત કે અચાનક મુલાકાતો થવા લાગી. બન્નેની એમાંસંમતિ હતી. જોકે નાના શહેરમાં સાવચેતી રાખવી પડે. આવા સબંધોને જ્યા સુધી સમાજમાન્ય સંમતિ ન મળે ત્યા સુધી .
   સુરખીના માબાપને જાણ થઇ. એણે દિકરીને ભયસ્થાન સમજાવ્યા'બેટા, અાપણા સમાજમાં હજુ ધનવાન ગરીબના ભેદ છે. ભવાનીના માબાપ સજ્જન માણસો છેએમાં ના નથી. પણ એના દિકરા વિષે મે તપાસ કરી છે. અભ્યાસમાં ઠીક પણ ચારિત્ર્ય બરાબર નથી. હુ સામાન્ય યુવાનોના સ્વભાવિક વલણ કે છોકરમતની વાત નથી કરતો. એટલે અમારી નામરજી છે. છતા તારે આગળ વધવુ હોય તો એને ચકાસી જોજે'       આ  ચેતવણી પછી એ થોડી સાવધાન થઇ ગઇ.   એટલામાં એક બીજી ધટના બની. એક દિવસ એ કોલેજથી ધેર આવી તો આંગણામાં કાર જોઇ.  આવા ઠાઠથી આવવા વાળુ કોણ હશે? હા, કોઇ અજાણ્યા મહેમાનો હતા. એને લઇને આવનારા સુરખીના કાકા ને સાથે એક સુંદર યુવાન  ને કદાચ એના માબાપ. જેવી એ આવી કે બધાનુ ધ્યાન એના તરફ ખેંચાયુ. એ જાણે ધ્યાનનુ કેન્દ્ર બની ગઇ. એની જ રાહ જોવાતી હતી!    સામાન્ય વાતો થઇ ને જમી પરવારી મહેમાનો ગયા. પછી એને જાણ થઇ કે આ તો "પરદેશી પોપટ'એના વરણ કે હરણ માટે જ આવ્યો હતો.  એકાદ દિવસમાં કાકાનો ખુશીનો સંદેશો આવી ગયો.વધારે વાત ચેરાય એ પહેલા માસ્તરદંપતીએ માગુ સ્વીકારી લીધુ. સામી પાર્ટી પાસે ખાસ સમય નહોતો એટલે એક જ અઠવાડીયામાં કોર્ટમેરેજ થઇ ગયા ને એકાદ અઠવાડીયાનુ સહજીવન, કોન્સયુલેટમાં વિઝા માટે અરજી કરીને ટુંક સમયમાં મિલનની આશા આપી 'પોપટ' પાછો ઉડી ગયો.        હવે ભવાનીએ આજાણ્યુ,એ પહેલા તો મરુ કે મારુ થઇ ગયો. એનો અહમ ઘવાયો ને આ બેવફાઇ ને વિશ્રવાસઘાતની પ્રેમિકાને શુ સજા કરવી? એની યોજના વિચારવા લાગ્યો. પણ એના એક દોસ્તે આવા મારકાપ કરતા બીજી જ તરકીબ બતાવી.      ક્રમશઃ

જે પોષતુ તે મારતુ ભાગ ૨

હા. આ ભુત કબરમાથી  નહિ પણ દરીયાપારથી આવીને એના ફોનમાં પ્રગટ થયુ હતુ. એ હતો ભવાની. એનો પ્રથમ પ્રેમ. કંઇક અંશે પોષક.
    સુરખી એને બચપણથી જાણતી હતી. સુરખીના બા રમાબેન હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતા. પણ એની આવડત ને નવુ શીખવાની ધગશ. એટલે નર્સોની સાથે કામ કરતા કરતા  અનુભવે ઘણુ જ્ઞાન હતુ. કયારેક એવી આળસુ નર્સો એના પર પોતાનુ કામ છોડીદેતી ને એ કુશળતાપુર્વક પાર પાડતા. દિપાબેન ને ભાઇલાલ ગામના સંપન્ન્  માણસો,ભવાની એમનો મોટો દિકરો. ભવાની ત્રણ વરસનો હતો ને દિપાબેનને બીજી પ્રસુતિ માટે હોસ્પિટલમા જવાનુ થયુ. પ્રસુતિ બહુ કષ્ટદાયક હતી. એ સમયે એમની સારવારમાં રમાબેને દિલ દઇને કામ કર્યુ. ઘરના માણસની જેમ. એમને બે માસ જેવુ હોસ્પિટલમાં રહેવાનુ થયુ. એ દરમિયાન બન્ને વચ્ચે નવો જ નાતો બંધાઇ  ગયો. દિપાબેનને રજા મળી,પણ હજુ બહુ નબળાઇ લાગતી હતી. સાથે નાના બાળકની જવાબદારી. એમણે રમાબેનને સમજાવ્યા. એમની અત્યારની નોકરી કરતા વધારે પગારઆપવાની તૈયારી દર્શાવી. રમાબેન માની ગયા.એ સમયે સુરખી પણ ભવાનીની ઉંમરની. સુરખીના પપ્પા પ્રાથમિક શાળાના શિક્ષક. એટલે દિપાબેને સુરખીને પણ સાથે લાવવાનુ સુચન કર્યુ. એ રીતે સુરખી ને ભવાની સાથે ઉછરવા લાગ્યા.
       ભવાની એક બાળક તરીકે બહુ સરળ હતો. એ પોતાની ખાવાપીવાથી માંડી રમકડા બધી વસ્તુ   સુરખીને  આપતો. એટલે રમાબેનને આનંદ ને રાહત થતી. તો સુરખીને પોતાના ઘર જેવો અહેશાસ થતો. તો શ્યામભાઇ સુરખીના પપ્પા ભવાનીને  ભણાવતા. એમ પરસ્પર ચાલતુ. બન્ને બાળકોએ પ્રાથમિક શાળા પુરી કરી. પછી તો સુરખી જાતે ઘેર એકલી રહી શકતી. બાપદિકરી સાથે શાળામાં આવતા જતા. એ જ સમયે ભાઇલાલે સોસાયટીમાં નવુ મકાન લીધુ. રમાબેને પણ એ કામ છોડી દીધુ. એટલે હાઇસ્કુલમા બન્નેનો સંપર્ક નહિવત થઇ ગયો.સહશીક્ષણ હજુ શરુ થયુ નહોતુ
   પણ કોલેજમાં પાછા બન્ને ભેગા થઇગયા. પણ હવે એ શૈશવ ને એ ભોળપણ નહોતુ રહ્યુ. યૌવનનો પ્રથમ સ્પર્શ ને પરસ્પરની જોવાની દ્રષ્ટિ બદલાઇ ગઇ હતી. બન્ને એકબીજાને ચોરીછુપીથી જોઇ લેતા . ખાસતો સુરખી     ક્રમશઃ

જે પોષતુ જે મારતુ ભાગ ૧

        સુરખી વરસ દાડા પહેલા જ દેશ  ને પ્રેમાળ પરિવાર પરિવારની વિદાય લઇને કેનેડા સાસરે આવી હતી.  માબાપ ને ભાઇભાંડુનો વિરહ સાલતો. કદીક આંસુ આવી જતા. કેવુ હશે સાસરુ? પોતે નાના ગામની સામાન્ય પરિવારની છોકરી.  આખી મુસાફરીમાં એ જ વિચારો.મિલન ને વિરહની મિશ્ર લાગણી વચ્ચે પ્રવાસ પુરો થયો. કસ્ટમ બતાવી બીજા મુસાફરો જોડે વેઇટીંગ રુમમાં આવી. બારીના કાચમાથી બરફ વર્ષા  કદાચ પ્રથમ વખત જોઇ. થોડી ઉતેજના થઇ. સાથે પવનનુ જોર હતુ. એટલે બરફ ઉડતો હતો. બારણુ ખુલે ત્યારે ઠંડા પવનની લહેરખી ધ્રુજાવી જતી. લોકો લાંબા ભારેસલ્લ કોટ ને હેટ  ગરમ પોશાકમાં સજ્જ હતા.      એ પણ બધા ઉતારુની માફક પોતાના તેડાગર ને મનના માણીગરના ઇંતજારમાં હતી.      ને કલાકેક પછી એની પ્રતિક્ષાનો અંત આવ્યો. ચિરાગ એને ખોળતો કાઉન્પર આવ્યો ને એક નજર મુસાફરોના લિસ્ટ નાખી. એની નજરમા ય તડપન હતી. બે નજર એક થઇ. જાણે ધરતી ને આભનુ મિલન. જોકે આટલા લોકોની સામે ચિરાગનુ આલિંગન એને શરમાવી ગયુ. એણે ચહેરો દુપ્પટામાં સંતાડી દીધો. ચિરાગ હસી પડ્યો ને કમરે હાથ વિંટાળી નવી દુલ્હનને બહાર લાવ્યો. રસ્તામાં બરફના તોેફાનને લઇને ખાસ વાહનવ્યવહાર નહોતો. બરફને કારણેજ એ સમયસર આવી નહોતો શક્યો.           છેવટે  ઘર આવ્યુ! હા પોતાનુ ઘર! એ ઉતરી ને સાથે  પવનના જોરદાર ઝાપટથી પડતા પડતા રહી ગઇ. હા,એનો વેશ ને ચપ્પલ આ વાતાવરણને જરા ય અનુસંગત નહોતા. છેવટે ગૃહપ્રવેશ ને ઉષ્માભર્યુ સ્વાગત. બહાર ભલે ઠંડી હતી પણ ઘરમાં ઉષ્મા હતી ને ખાસ તો સાસુસસરા ને દિયરનંણદનો પ્રેમાળ આવકારમાં એ બધુ ભુલી ગઇ.     ને આખરે પિયુમિલન. સમય અહી હંમેશ માટે થંભી જાય તો!       પણ કાળનુ ચક્ર તો ફરતુ જ રહે છે. સારાનરસી પળો સરતી જાય છે.  માણસને એના પ્રવાહમાં ઘસડાવાનુ જ રહે છે જો પ્રવાહ સાથે  સરવા કે તરવાની તૈયારી ન હોય. નવજીવનનુ પરોઢ. એ તૈયાર થઇને નીચે આવી ત્યા સુધીમાં સવારનો નાસ્તો ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઇ ગયો હતો. દેશ પરદેશ બન્ને પ્રકારની વાનગી હતી. માત્ર  એની જ રાહ જોવાતી હતી. એને આનંદ સાથે થોડો સંકોચ પણ થયો.
       પછી તો સરલાબેને એને બધી રીતરસમ શીખવી ને ટુંકસમયમાં ઘરકામમાં માહીતગાર કરી દીધી. કારણ બધા જ નોકરી કરતા હોય એટલે સહકારથી જ ઘર ચાલે.  પછી તો સુરખીએ પણ ભણવાનુ ચાલુ કરી દીધુ. સાથે પાર્ટટાઇમ નોકરી પણ શરુ કરી. બે વરસમાં એનુ ભણતર પુરુ થયુ ને સારી નોકરી પણ મળી ગઇ.           પછી જીવનનુ બીજુ પ્રકરણ એ એણે ભારતમાં અધુરુ છોડ્યુ  હતુ એ શરુ થયુ.
     એક સાંજે ઓફિસ છુટવાનો સમય થઇ ગયો ને એ પોતાનુ કામ આટોપતી હતી ને ફોનની રીંગ વાગી. કોઇ અજાણ્યો સંદેશો હતો. સંદેશો વાચતા એને ઘડીક તો સમજાયુ નહિ. નહિ એ અહીયા કયાથી હોય ?ને હોય તો મારો ફોન કેવી રીતેમળે?  જો કે આજના ટેકનોલોજીએ પ્રાઇવસી જેવુ રહેવા નથી દીધુ.માણસને  માણસથી સંતાવાની જગ્યા નથી રહી. સંદેશો વાચતા એ ધ્રુજી ગઇ. એરકંડીશન ઓફીસમાં ય પરસેવો થઇ ગયો. નજર સામે ભુતકાલનુ ભુત ધુણવા માંડ્યુ      ક્રમશ

Wednesday, March 1, 2017

આધુનિક વાલ્મિ કી

   પ્રતાપભાઇ એના નામ પ્રમાણે પ્રતાપી હતા. એના પ્રતાપથી ખોટુ કરવા વાળા ડરતા. એના હાથ નીચેકામ કરવાવાળા ને ઉપરી અધિકારીઓ પણ એ વાત કબુલ કરતા. એની નિષ્ઠા વિષે  બે મત નહોતા. લાંચ કે બક્ષિસને પોતાનો અધિકાર સમજતા કેટલાક કર્મચારીઓને  એની સામે અસંતોષ ખરો.  સાથે એ પણ હતુ કે પ્રતાપભાઇ કોઇને અકારણ હેરાન ન કરતા. સાચી ફરિયાદને સાંભળીને એનો તરત નિકાલ લાવતા. એટલે એમનુ માન ખરુ. પણ કોઇને ખટકે તો પાછળથી બળાપો કાઢે કે સાલો ખાતો ય નથી ને ખાવા દેતો ય નથી.
      આવા નીતિમાન માણસોની કસોટી  પણ આગમાં થાય  છે  સોનાની જેમ.બહાર તો  પરાયા લોકો પણ ઘણીવાર ઘરના જ ધાતકી હોય છે. લાગણીઓનુ દબાણ પણ ઓછુ નથીહોતુ.  ગૃહસ્થાશ્રમને શાંત રાખવા કમાતા માણસને કયારેક પોતાની નીતિમતાનુ બલિદાન આપવુ પડતુ હોય છે.     પ્રતાપભાઇની હાલત કાંઇક આવી હતી. ઘરમાં બે ટીનેજર દિકરો ને દિકરી ને શોખીન પત્નિ. મોટો હોદ્દો જોઇને પરણેલી. બાળકોને ય આવા જ સંસ્કાર ને કેળવણી. પરિણામ એ કે  રોજ બજારમાં કાંઇક નવુ આવે. ત્રણે ય તૈયાર જ હોય.વસાવેલુ સરસ ધર તો ખરુ જ. એક જમાનામાં જે મોજશોખ ને માભાની ચીજો ગણાતી  ફ્રિજ,ટીવી, વોશરડ્ાયર કેફોન આ સમયમાં જરુરિયાત ને સામાન્ય બની ગઇ છેએ તો બરાબર. પણ એ સિવાયની વસ્તુઓ કે જે માત્ર દેખાદેખીથી ને દેખાડા માટે જ. આ જ તો તકલીફ છે ને કે જેને પૈસો કમાવા જવુ નથી પડતુ કે પૈસો આસાનીથીઆવે છે,એને  જરુરી કે બિનજરુરી ખરીદીનો વિવેક નથી હોતો.
     પ્રતાપભાઇ ઘરના લોકોની આવી મનોવૃતિ કંટાળ્યા હતા. ઘરમાં છાંસવારે નાનામોટા ઝઘડા, અસંતોષ, અણગમો ને મેણાટોણા,  ને બીજા લોકો સાથેની સરખામણી. ખાસ કરીને આપણા કરતા ઓછુ કમાતા લોકો પાસે આપણા કરતા વધારે સારી ચીજો હોય.  એક વખત આ બાબત એણે વિચાર કરીને એક યોજના બનાવી. સાંજે જમીપરવારી બધાને બેઠકરુમમાં બોલાવ્યા. ' જુઓ. આજે તમારા બધાની માગણીઓ ઉપર મે વિચાર કર્યો છે. મારાથી બનતુ કરીશ. તમે તમારી જોઇતી વસ્તુઓનુ લિસ્ટ બનાવી મને આપો'      ત્રણે ખૂશ થઇ ગયા. આખરે પપ્પા પીગળ્યા ખરા!  મોકો માંડ મળ્યો છે તો બધાએ જરુરી કે બિનજરુરી ચીજોનુ લાંબુ લિસ્ટ બનાવી નાખ્યું.
   પ્રતાપભાઇએ ત્રણે ય લિસ્ટ જોયા. પછી પોતાની બેગ ખોલી  ત્રણ ફોર્મ કાઢીને ત્રણેના હાથમાં પકડાવ્યા.' આ વાંચો, બરાબર વિચારો ને પછી સહી કરી મને પાછા આપો'.   ફોર્મ વાંચીને ત્રણે ય ઉછળી પડ્યા. ' આ તમે શૂ માંડયુ છે? આવી તે કાંઇ શરતો હોય' તો છોકરા તો કલબલ કરવા માંડયા.' પપ્પા, અમને ઉછેરવાનો ને અમારી જરુરીયાત પુરી પાડવાની તમારી ફરજછે તો તમારી ભુલની સજા અમે શુંકામ ભોગવીએ'?. ' બાળકો, તમારી પ્રાથમિક જરુરિયાતો  જેમ કે રોટી,કપડા ને મકાન, શિક્ષણ ને એને લગતી સવલતો એ મારી ફરજ. બાકી તમારા મોજશોખ માટે કમાતા શીખો. બાકી તમારા લિસ્ટ પ્રમાણે મારી આવક ઓછી પડે.તો પુરી કરવા વધારાના પૈસા માટે લાંચ રુશ્વત જ બાકી રહે. ધારો કે તમારા માટે એ પણ કરુ. પણ હુ પકડાઇ જાવ તો મારી સાથે તમારે પણ જેલમાં આવવુ પડે ને બદનામી આપણા બધાની સરખી.એ કબુલ હોય તો'.     બન્ને બાળકો અણગમા સાથે રુમમાથી જતા રહ્યા. પછી એણે એની પત્નિને ઉદ્ેશીને કહ્યુ.' તું તો સવારમાં રામાયણનો પાઠ કરે છે. પારાયણ સાંભળવા જાય છે. તને એટલુ ન સમજાયુ કે વાલિયાના પરિવારે એના પાપમાં ભાગીદાર થવાની ના પાડી ને એણે પરિવારના પોષણ માટે એ લુંટફાટ કરતો તો એ છોડી દીધી. તમારા બિનજરુરી નખરા પોષવા હુ અનીતિ આચરુ ને કવચિત સજા ભોગવુ ને તમે છૂટી જાવ? ના, હુ આધુનિક વાલ્મિકી છુ. શોખ પુરા કરવા હોય ને તો આ કીટી પાર્ટીઓ, ઓટલાપરિષદો, સિરિયલોનુ વળગણ છોડો ને ગૃહઉદ્યોગો શરુ કરો. શરમ કામમાં નહિ, ખોટુ કરવામાં છે'.