Tuesday, November 14, 2017

તાજમહાલ

વાચકમિત્રો, દરેક ભારતીયને 'તાજમહાલ' સાંભળતા એક ગર્વની લાગણી ઉઠે. જોવા લાયક સ્થળ. સાવ કાઠીયાવાડી  ભાષામાં કહીએ તો 'સારા રાચમાં સાંબેલુ' દુનિયાની સાતમી અજાયબી. ભલે જોવાનુ સદભાગ્ય ન મળ્યુ હોય પણ એના વિષે સાંભળ્યુ ન હોય એવા તો કોઇક જ હોય. પણ ગામડાના આ એક બાપા તાજમહાલને કેવી રીતે મુલવે છે? એ રમુજી કહાણી સાંભળો.
     આ બાપા ગામડા બહાર કયારેય નીકળેલા નહિ. હા, દિકરાઓને જમાના અનુસાર શિક્ષણ આપેલુ. બાપા પણ            એમ તો જમાનાના જાણકાર. ખપજોગુ છાપા વાંચીલેતા ને ગામના માસ્તર સાથેના સત્સંગમાં વર્તમાનમાં જીવવા જોગ માહીતી મેળવી લેતા. પણ એ બધુ મનમાં સંધરી રાખવાનુ.એ નો દેખાડો નહિ.     છોકરા ભણી  ગણીને શહેરમાં સારી નોકરી કરતા થયા. એક વખત દિકરાઓને સદવિચાર આવ્યો કે બાપાને યાત્રા કરાવીએ. એ તો ગામ બહાર ગયા જ નથી. પણયાત્રા એટલે 'ગંગા, જમુના, સરસ્વતી, હરદ્વાર, કાશી કે મથૂરા નહિ પણ આપણા અૈતિહાસિક સ્થળો, શિલ્પ સ્થાપત્યના ધામ, નહેરો વગેરે. આધૂનિક યાત્રા.      મુસાફરી શરુથઇ. તાજમહાલ આગળ વાન ઉભુ રહ્યુ. દિકરા બાપાને તાજમહાલ પાસે લઇ ગયા. ' બાપા, આ દુનિયાની સાતમી અજાયબી' દિકરાએ ગર્વથી કહ્યુ. બાપાએ ઝીણી નજરે જોઇને પુછ્યુ.' ભાઇ, આ ક્યા ભગવાનનુ ધામ છે?' હસવુ દબાવી દિકરાએ જવાબ આપ્યો' ' બાપા આ મંદિર ન હોય. આ તો કબર છે. શાહજહાની સૌથી પ્રિય બેગમની યાદગીરી. આરસપહાણમાથી બનાવેલી.એ જમાનામાં વીસ  વરસ બાંધતા થયા ને એટલા જ મજુરો ને પૈસાના ખર્ચે આવી બેનમુન ઇમારત બની છે'. બાપા વિચારમાં પડી ગયા . પછી એણે જે જવાબ આપ્યો એ કોઇ સમાજશાત્રીને જ સાંભળવો પડેએવો હતો. તમે પણ સાંભળો. બાપા ઉવાચ' બાંધી બાંધીને બાંધી તો છેવટે કબર જ ને. આમાં પ્રજાનુ શું ભલુ થયુ?  અને ભાઇ, એને આ બેગમ એટલી વહાલી હોય તો બીજી ઢગલાબંધ બેગમોનુ શું?મતલબ બીજી બેગમની જરુર જ શું?આ તો અનેકમાની એક.
ને  કોઇ ઇમારત લાંબા સમયે પુરી થાય એ એની મહાનતાની સાબીતી નથી. કામદારો ને કોન્ત્રાકટરો બધા જમાનામાં સરખા. આપણી  નર્મદા યોજના જેવી કેટલીય યોજનાઓ હશે જેને પુરી કરવામાં મુદત કરતા ત્રણ ગણો સમય લાગ્યો હશે. છતા આપણા પુલ, તળાવો, નહેરો કે બંધ વિષે છેકોઇ  ગેરંટી?કરોડોને ખર્ચે બનેલા નદી પરના બંધો એક જ વરસાદમાં હોનારત  સર્જે છે. એના કરતા તો બંધ વગરના સારા એવુ ભોગ બનનારને લાગે. આપણા હાઇવે ને બાઇવે કેટલીય ખેતીની કિંમતી જમીનનો ભોગલે પણ પરિણામ?એક જોરદાર ઝાપટુ જે રસ્તો ધોઇ નાખે. ત્રીજી વાત કે મહેનત સિવાયના પૈસા માણસમાં સદબુધ્ધિ લાવતો નથી.એટલે કે એ પૈસાથી કોઇ સારુ કામ કરવાના વિચાર માણસને આવે નહિ, પૈસો જે રસ્તે આવે એ જ રસ્તે જાય. શાહજહાના મહેનતના હતા નહિ. પ્રજાની કાળી મજુરીના હતા. '
થોડી વાર અટકીને બાપાએ આગળ ચલાવ્યુ.' સાચો પ્રેમ કોને કહેવાય? જાણવુ છે?બિહારનો ખેતમજુર. પતિ પત્ની ખેતરમાં કામ કરતા હતા ને પત્નીને સર્પ કરડ્યો. માણસ એને લઇને દવાખાને જવા દોડ્યો. દવાખાનુ બાજુના ગામમાં જ હતુ, પણ બે ગામ વચ્ચે મોટો ડુંગર હતો. એટલુ ફરીને જતા જતામાં તો બાઇ મરી ગઇ. એ માણસે પત્નિની યાદમાં ને ખાસ બીજા કોઇની આવી હાલત ન થાય એ માટે ડુંગરમાંથી રસ્તો ખોદવાનુ શરુ કર્યુ. એની પાસે હૈયુ, હાથ, ને હથૌડી છીણી ને ત્રિકમ  ને પાવડો આટલુ જ હતુ. શરુઆતમાં લોકોએ એને ગાંડો ગણી કાઢ્યો. માન્યુ કે પત્નીના મૃત્યુના આધાતમાં પાગલ થઇ ગયો લાગે છે. આમ પણ દુનિયામાં સાહસિકો ને શંસોધકો ને સુધારકો દુનિયાની નજરમાં જ્યાસુધી એ સફળ નથાય ત્યા સુધી પાગલ જ ગણાયા છે. એ રીતે દુનિયાની પ્રગતિમાં ડાહ્યા  કરતા પાગલ! લોકોનો ફાળો વધારે છે. પછી તો ગામના લોકોના ધ્યાનમા આવ્યુ કે પાગલ! મહેનતનુ પરિણામરુપે ધીમે ધીમે પણ કેડી કંડારાઇ રહી છૈ. પછી તો લોકો નો સહકાર ને છેક છેલ્લે સરકાર પણ જાગી ને બે  ગામ વચ્ચે પાકો રસ્તો બન્યો.   છોકરાઓ પણ અજબપ્રેમની ગજબ કહાણી સાંભળી રહ્યા ને લાગ્યુ કે બાપા ભલે ગામડા બહાર નથી નીકળ્યા પણ ગામડુ બાપામાંથી નીકળી ગયુ છે.     એ જ વિમળા હિરપારા