Friday, November 22, 2019

પ્રાણીઓ ને પંખી આપણા જીવનમાં

> વાંચકમિત્રો,તમને પણ કદાચ મારી જેમ કયારેક વિચાર આવતો હશે કે આ બદલાતા પર્યાવરણમાં આપણે આપણી આસપાસની જીવસૃષ્ટિને કેટલી બદલી નાખી છૈ. કુદરત ના સંચાલનમાં કેટલાય ફેરફાર કર્યા છે જે એક વખત આપણો આધાર હતા એવા પ્રાણીઓ ને વનસ્પતિ,જંગલો,નદીઓ આપણા જીવનમાંથી દુર સરતા જાય છે.એની અસર હવામાન ને આપણી તંદુરસ્તી પર પણ પડે છે. તો આજે આપણે આપણા આધારરુપ એવા પશુપંખીની મુલાકાત લઇએ. આપણા ધર્મમાં ચોર્યાસીલાખ યોનીમાં જીવ ફરે પછી માનવઅવતાર મળે. વિજ્ઞાન પણ સાબિત કરે છે કે આપણે અમીબા જેવા એકકોષી જીવમાંથી આવા જટીલ માનવદેહને પામ્યા છીએ.આપણા શાસ્ત્રોમાં ભગવાનના નવ અવતારોમાં કુર્મ,વરાહ,નૃસિંહ એવા માનવેતર અવતાર પછી રામ ને કૃષ્ણાવતાર આવે છે. આ અવાતરમાં પણ ભગવાન પ્રાણીઓની નજીક છે.જેમકે એક પક્ષીની ચાંચમાંથી ખીર પડે ને રાણીઓ પ્રસાદી તરીકે થાય ને રાજકુમારોનો જન્મ થાય.વનવાસમાં સીતાહરણમાં સુર્વણમૃગ ભાગ ભજવે ને સીતાને બચાવવાની કોશિષ કરનાર પક્ષી જટાયુ. તો એની ભાલ મેળવનાર હનુમાન વાનર ને વાનરસેના જ લંકા સર કરવામાં મદદરુપ બને. તો કૃષ્ણનો ગાયો તરફનો પ્રેમ. આપણી પૃથ્વી શેષનાગના શિર કે કાચબાની પીઠ પર ટકેલી છે. આપણા વિષ્ણૂભગવાન પૃથ્વીનો સંકેલો કરે ત્યારે શેષનાગની શય્યા પર આરામ કરે.એ સમયમાં જેટવિમાન કે મોટર નહિ હોય એટલે બધા દેવોએ પોતાના વાહન તરીકે કોઇ ને કોઇ પ્રાણી પસંદ કરેલા છે. વિષ્ણુનું ગરુડ,બહ્માનો હંસ, શિવનો નંદી ને પાછો સાપનો શણગાર, ઇન્દ્રનો એરાવત, રામાપીરનો ઘોડો ને દેવીઓમાં સરસ્વતીનો મોર,અંબામાનો વાઘ, બહુચરાજીનો કુકડો વગેરે. આ સિવાય પ્રકૃતિના દરેક સ્વરુપમાં આપણે દૈવત્વ જોયુ છે. નદીને માતા,સુર્યને દાદા,ચંદ્રને મામા,ધરતીને માતા કહી છે. આકાશના ગ્રહ ને નક્ષત્રોમાં પણ પ્રાણીઓની કલ્પના કરી છે. જયાસુધી મશીનો નહોતા ત્યાસુધી આપણે કુદરત સાથે સંવાદિતતાથી જીવતા હતા. આપણી આશપાસની પ્રાણી સૃષ્ટિ એક પરિવાર જેવી નિકટતા ધરાવતી. સવારના ઘરઆંગણે કબુતરોના ટોળા ઉતરે.એને જુવારની ચણ નખાય. ગામમાં ચબુતરો હોય ત્યા પણ લોકો જુવાર નાખે.લોકો કીડીયારુ પુરે, નદીમાં માછલીઓને મમરા ખવડાવે. ગાયને ચારો નાખે. કુતરાને ચાનકી નાખે. જમતી વખતે પહેલા ગાયનો ને કુતરાનો ભાગ કાઢી પછી જ ખાવાનું શરુ કરે.ગાયને માતા માની અમુક તહેવારમાં પુજા થાય. સાથે કેટલાક પ્રાણી સાથે શકનઅપશુકન જોડાયેલા. જેમકે સારા કામ માટે જતી વખતે ગાય સામી મળે તો શુભ થાય,બિલાડી આડીં ઉતરે તો અપશુકન, કાગડો બોલે તો અતિથિના આગમનની જાણ, કાગડો પુર્વજોનું શ્રાધની ખીર ખાવા પણ હાજર થઇ જાય.કેટલાક પંખી રોજના મહેમાન. સાંજના સમયે મોર આવે,ચણે ને કળા કરીને મનોરંજન પણ કરે, બપોરના કોયલ ટહુકી જાય. ધુવડ રાતના રાજા, એ બોલે એ અપશુકન. તો ટીટોડીના ઇંડાની ગોઠવણ ચોમાસુ કેવું જશે?એનો આગોતરો ચિતાર આપે. એ સમયે શિયાળામાં હારબંધ કુંજપક્ષીઓને ઉડતા જોવા એ લહાવો હતો. જાણે શિસ્તબંધ સૈન્ય.વહેલી સવારે કુકડો બાંગ પુકારે.જાણે પ્રભાતનો છડીદાર. કામઢી કાબર ને લુચ્ચો કાગડો સહિયારી ખેતી કરે., બાળપણમાં સાંભળેલી વાર્તાઓ. ચકા ચકી સાથે મળીને ખીચડી પકાવે. સુખી દામ્મપત્યનું ચિત્ર. લુચ્ચુ શિયાળ કાગડાને ફુલાવીને પુરી પડાવી જાય. કબુતર તો એ સમયમાં સંદેશવાહક તરીકે કામ કરતા.આ કહાનીઓ પ્રાણીઓની ઓથે માનવમનની નબળાઇ ને સારપનો પ્રચ્છન પરિચય કરાવે. ફુલણશી દેડકો કે કાગડો,ચતુર કોયલ કાગડીને બનાવી જાય,ઉદ્યમી કીડીને તેતર છેતરે. આખરે તો આપણે આ બધા પ્રાણીજન્મમાંથી પસાર થયેલા છીએ એટલે જાણેઅજાણે પ્રાણીઓની ખુબીખામી આપણામાં આવવાની.એને અનુરુપ કહેવતો. બહાર ઢોલ પણ અંદર પોલ.એને માટે. કહેવત કે ભસ્યા કુતરા કરડે નહિને ગાંજ્યા મેહ વરસે નહિ. તો ગરજવાન માટે કહેવાય કે ગરજે ગધેડાને બાપ કહેવો પડે.આદત છોડવી મુશ્કેલ એને માટે કહેવાય કે કુતરાની પુંછડી વાકી ને વાકી.આવી તો અનેક કહેવતો. તો આપણા રાસગરબા ને લગ્નગીતો.જાન જતી હોય ને વેવાઇને મોર સાથે સંદેશો મોકલાય.સાંભળો.'મોર જાજે ઉગમણે દેશ,મોર જાજે આથમણે દેશ, વળતો જાજે રે વેવાઇઓને દેશ. તો રાતના વરઘોડો નીકળે.ઘોડીને સંબોધીને ગવાય'ઘોડી હાલે ચાલે ને ઘોડી ચમકે છે. ધોડી કરજે મારા વીરનું જતન રે દલાલી ઘોડી ચમકે છે. તો વિદાયનું ગીત. વિદાય લેતી દિકરી 'દાદા,અમે તો લીલાવનની ચરકલડી, આજે દાદાજીના દેશમાં,કાલે ઉડી જાશું પરદેશ જો. તો બોટાદકરે ગાયુ છે' દિકરી વ્યોમની વાદળી, વનપંખીણી જેવી વન પંખીણી જેવી .જોઇ ના જોઇ ને ઉડી જતી પરદેશ. તો પાંચાલીને વિદાય આપતા પિતા દ્રુપદ' બેટી ચલી પરાયેઘર, બન ચીડીયા રુપ. દિકરી રાજાની કે રંકની. ફરકપડતો નથી, તો વસમા સાસરીયામાં જીવતી વિરહી દિકરી લખી તો ના શકે પણ ઉડતા પંખી મારફત સંદેશો મોકલે. આમ પક્ષીઓને પ્રાણી આપણા જીવનમાં શ્ર્વાસોશ્ર્વાસની જેમ વણાયેલા હતા. સમય બદલાયો છે.માણસ મશીન સાથે જીવતો થઇ ગયો છે. આજના બાળકોને આકાશના તારા,મેધધનુષના રંગો, સુર્યોદય કે સુર્યાસ્તનું સૌંદર્ય,વરસાદ કે નદીના ઘૂઘવતા વહેણ પ્રકૃતિ કોઇ સૌંદર્ય સાથે નિસ્બત નથી. હવે ઘરઆંગણે કબુતર,ચકલા,કાબર, હોલા,મોર આવતા નથી.હવે તો ઘરને આંગણા જ નથી તો. એમને આશરો આપનાર વૃક્ષો નથી રહ્યા કે ઉડવા મુક્ત આકાશ નથી. ત્યા પણ વિમાન સાથે હરીફાઇ!હવે બાળકોને આવા પ્રાણીઓ પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળશે કે બુકોમાં.

Sunday, November 10, 2019

નામને શું રડે?

વાંચકમિત્રો,તમે આ કવિતા સાંભળી હશે. કવિ કહે છે કે નામ પ્રમાણે ગુણ હોતા નથી. લક્ષ્મીચંદના ખિસ્સા ખાલી હોય. ભીખૂભાઇ ભીખ નથી માગતા પણ બંગલામાં રહે છે. ભોળાભાઇ આખી દુનીયાને શીશામાં ઉતારે. નામ એ આપણી વ્યકિગત દુન્યવી ઓળખ. આપણા પરિવાર તરફથી ભેટ. નામ પાડવાનો અધીકાર આજતક ફોઇનો ને એ પણ મફત નહિ. ઘણા પરિવારમાં નામ કરણ વિધિ ઉત્સવની જેમ ઉજવાય.નાંમ આપણને ગમે કે ન ગમે તો પણ એ જ આપણી ઓળખ. ઘણા લોકોને એક કરતા વધારે નામ હોય.એક કાયદેસર જે સરકારને ને સ્કુલને ચોપડે.બીજુ સગવડીયુ. નામને ટુંકાવીને નજીકના ને પરિવારના લોકો બોલાવે.જેને તખલ્લુસ કે ઉપનામ કહેવાય. તો કયારેક એવી વિશેષતા કે ખોડખાપણને લઇને હુલામણુ નામ બહારના લોકો પાડે. એ મોટે ભાગે વ્યકિતને ચીડવવા કે સતાવવા વપરાય.જેમ વ્યકિત ચીડાય એમ બીજા લોકોને વધારે મજા આવે.કયારેક તો સાચુ નામ લગભગ વિસરાઇ જાય એટલી હદે ઉપનામ પ્રચલિત થઇ જાય. એટલે જ ભગવાનના હજાર નામ છે ને.ઘણા પરિવારમાં નવી વહુનું નામ બદલવાનો રિવાજ હોય. કદાચ પિયરની બધી યાદ ભુલાવી દેવા જ સ્તો નામની સાથે બીજી એક વાત કે જમાના પ્રમાણે નામની ફેશન બદલાય. અજાણી વ્યકિતનું નામ સાંભળી એની વય નક્કી કરી શકો. શાંતા,કાંતા,સવિતા,કે વિમળા સાંઠને વટાવી ગયા હોય.જે તે સમયગાળામાં જે નામ પ્રચલિત હોય તેના પરથી વય ખબર પડે. નામ સાંભળતા વ્યકિતનું ચિત્ર મનમાં ઉપસે. હરિભાઇ કહો તો કોઇ ધોતિયા ધારી વયસ્ક વ્યકિતનું ચિત્ર નજરમાં આવે લે કદાવ ખોટૂ પણ પડે.એ સિવાય એક સમયમાં લોકોના નામ એના વ્યવસાય ને જાતિ પરથી નક્કી થતા. જેમકે ખેડુત એટલે શામજી,કાનજી,નાનજી,વાલજી.તો જે નામની પાછળ સિંહ,વાળા,બાપુ હોય તે વગર પુછ્યે માની લેવાય.લાલ,ચંદ,રાય એ બધા મહાજનો ને ગિરધર, દયારામ.જટાશંકર,પિતાંબર એટલે ભુદેવ.તો કચરો,ધુળો,પુંજો એ શુદ્ર ભલે સાધુસંતો કે વિચારકો કહેતા હોય કે નામ અસાર છે. પણ ખરી વાત તો એ છે કે નામ સાથે માણસનું સ્વમાન કે અહમ જોડાયેલો હોય છે.માણસ હંમેશા પોતાનું નામ રોશન કરવા મથતો હોય છે. માબાપ સંતાનો પોતાનું નામ ઉજાળે એવું ઇચ્છે. જો સંતાન કપાતર પાકે તો નામ બોળ્યુ કહેવાય. જુઓ.સંસારને અસાર માનનારા ને બધી મોહમાયાના ત્યાગની વાતો કરનારા પણ નામનો મોહ તજી શકતા નથી. એટલે તો વૈરાગ્ય ધારણ કરનારા પોતાને સંતશિરોમણિ,મહામંડલેસ્વર, ને એવીન કંઇક પદવી ધારણ કરે છે. બધા જ ધર્મોમાં કાંઇક આવી જ પ્રથા છે.સામાન્ય માણસ દાનપુન્ય કરે તો પોતાના નામની તક્તી મુકાવે. રાજામહારાજા મહેલ ને મકબરા બનાવે. જે નામ એ જીવતા સાંભળવાના નથી ને મરણ પછી તો સાંભળવા આવતા હશે કે કેમ એ આપણે જાણતા નથી તો પણ માણસનો પરિવાર એમનું નામ અમર રાખવા આવું જાહેર દાન કરતા હોય છે. આજે પણ ભુતકાળના વિલિન થઇ ગયેલી એવી વિરલ વિભુતિઓને યાદ કરીએ છીએ જે ભૌતિક કે સ્થુળ શરીરરુપે હાજર નથી પણ એના માનવજાતના ઉત્કર્ષના ફાળા માટે સ્મૃતિરુપે જીવિત છે. ગાંધીજી,સરદાર, માર્ટીન લ્યુથર કિંગ કે મહાન વૈજ્ઞાનિકો ને વિચારકો. એજ પ્રમાણે માનવજાત માટે વિનાશકારી એવા પણ પાત્રો છે.જેમકે હિટલર નેબીજા અનેક આસુરી તત્વો કે જે નકારત્મક કે દુઃખદ યાદ તરીકે પણ માનવસ્મૃતિમાં રહે છે.કોઇપણ વ્યકિત જીવતા દુનિયાની પરવા ના કરી હોય એ પણ મૃત્યુ પછી આદર ઇચ્છે છે. એટલે તો એક કવિએ ગાયુ છે કે'નામ ન રહંત,નાણા ન રહંત.કીર્તિ કેરા કોટડા પાડયા ન પડંત ઘણા