Thursday, March 21, 2019

સશંયાત્મા વિનશ્યતિ,

વાચકમિત્રો, ગીતા વિષે કોઇ અજાણ નહિ હોય. એના એક એક વાક્યમાં માત્ર અર્જુન માટે જ નહિ પણ માનવ માત્ર માટે માર્ગદર્શન રહેલુ છે. એવુ જ એક સુત્ર છે ' સંશયાત્મા વિનશ્યતિ'
 જીવનમાં આપણને પળેપળે નિર્ણય કરવાનો આવે છે. કેટલાક કામચલાઉ તો કેટલાકની દુરગામી અસર આપણા જીવનમાં રહે છે. આપણા સુખદુઃખનો  આધાર અમુક સમયે કરેલા નિર્ણય પર હોય છે. આ અસર માત્ર આપણા પુરતી સીમીત ન રહેતા આપણા પરિવાર ને કયારેક સમાજ પર પણ થાય. જેટલી આપણી સત્તા કે પદવી ને જવાબદારી વધારે એટલી અસર વધારે.     સામાન્ય રીતે જે લોકોને બચપણથી પોતાના માટે નાની બાબતોમાં જાતે વિચારતા ને નિર્ણય લેતા શીખવાય એવા લોકોમાં આત્મવિશ્ર્વાસ વધારે હોય. કમનસીબે અત્યાર સુધીના આપણા સમાજમાં વડીલો જ નિર્ણય લેતા હોય છે. કેવુ શિક્ષણ લેવુ, કેવા મિત્રો રાખવા કે કયા નેકોની જોડે વિવાહ કરવા આવી બાબતોમાં એમનો મત આખરી ગણાય. જીવન ભલે છોકરા કે છોકરીને જીવવાનું હોય પણ પોતાના જીવનસાથીની પસંદગીમાં એને હા ના કરવાનો અધીકાર ન હોય. અમુક અપવાદ બાદ કરતા હજુ પણ આવી જ માનસીકતા છે.      હવે જે લોકો આવી માનસીકતા સાથે મોટા થાય એ કોઇ દિવસ મોટા! થતા જ નથી. મહત્વના નિર્ણય માટે એ વડીલો, પોતાના શિક્ષકો, અથવા જેને એ પુજ્ય માને છે એવા ગુરુકે સંતો,બાબાઓ, મિત્રોનો આધાર લે છે. એક ફાયદો આવા નિર્ણયોમાં કે એમા વ્યકિતની કોઇ જવાબદારી નહિ. નિષ્ફળતાનો ટોપલો આસાનીથી જે તે સલાહકાર પર ઢોળી દેવાય. કાઇ નહિ તો ભગવાન તો છે જ. એમા વળી બીજુ આશ્ર્વાસન કે કર્મમાં જ તારો અધીકાર છે,ફળમાં નહિ.ગીતામાં ભગવાને અર્જુનને સમજાવ્યુ કે તારે બે ય હાથમાં લાડવો છે,જીતીશ તો પૃથ્વીનું રાજ મળશે ને હારીશ કે વીરગતિ પામીશ તો સ્વર્ગનું રાજ તો નક્કી જ છે.અર્જુન માની ગયો પણ એણે સામે દલીલ કરી હોત કે જીતુ તો સ્વર્ગનું રાજ ગુમાવુ ને હારુ તો  પૃથ઼વીનું રાજ ગુમાવુ!
    ખેર, આપણે સામાન્ય જ દાખલો લઇએ કે રસ્તાની સામી બાજુ જવા તમે ઉભા છો ને વાહનો  ઝડપથી આવે છે. તમે રસ્તામાં આવો ને ગભરાઇ પાછા પગથી પર ચડી જાય એવુ વારંવાર બને ને તમે નક્કી ના કરી શકો. છેવટે મરણીયા બનીને ઝંપલાવો ને અકસ્માતનો ભોગ બનો. ત્યારે લાગે કે સશંયાત્મા વિનશ્યતિ. એવી તો જીવનમાં અનેક પળો આવે છે.
     બીજી બાજુ વિજ્ઞાન કહે છે કે જો તમે સશંય નહિ કરો તો નવુ શીખી નહિ શકો. અત્યારસુધીની શોધખોળો આવી જીજ્ઞાસા ને સંશયનું જ પરિણામ છે. યાદ રહે કે યુરોપ કે જે મોટાભાગની વૈજ્ઞાનિક શોધનુ જનક છે એમા પણ એક સમયે આવી જ આજે બેહુદી લાગે એવી માન્યતાઓ પ્રચલિત હતી ને એની સામે વૈજ્ઞાનિક સત્યને શોધનારાને મૃત્યુદંડનો સામનો પણ કરવો પડયો છે. એટલે જ વિજ્ઞાનમાં કોઇ પણ શોધ કે નિયમ   આખરી સત્ય નથી મનાતું. આજનુ સત્ય કાલે ખોટુ પણ સાબિત થઇ શકે. એટલે એવું કહી શકાય કે સશંયાત્મા જ વિજયી બને છે. જીજ્ઞાસા જ માણસને જીવતો રાખે છે.