Wednesday, October 31, 2018

લગ્નપ્રથા ને લગ્નગીતો

આપણા હિંદુધર્મમાં વિવાહને એક  સંસ્કાર માનવામાં આવ્યો છે. સોળ સંસ્કાર પૈકીનો એક. એક સામાજિક કરાર. બન્ને પક્ષે જવાબદારી છે ને આખા સમાજની હાજરીમાં વરકન્યા એ મંજુર કરે છે. સુખી લગ્નજીવન વ્યકિત, પરિવાર ને સમાજની ઉન્નતિ માટે મહત્વનું છે. ભાવિ પેઢીના વ્યવસ્થિત ઉછેર પર જ વર્તમાન પેઢીના સુખશાંતિનો આધાર છે. સમાધાન ને સમાયોજન બન્ને પક્ષે જરુરી છે, કારણ કે માનવબાળકનો ઉછેર ને ઘડતરમાં લાંબો સમય લાગે છે. એટલે માબાપ વચ્ચે સંપ ને સમજણ હોય તો જ એ શક્ય બને. ઉપરાંત લગ્નથી માત્ર બે વ્યકિત જ નહિ પણ બે પરિવાર જોડાય છે. લગ્ન કરાર ભંગ થાય તો એક કરતા અનેક લોકોને અસર થાય છે. એટલે હિંદુધર્મ ને સમાજમાં છુટાછેડા નછુટકે થાય છે.      આ બધા કારણસર લગ્ન પરિવાર માટે બહુ મહત્વની ઘટના કહેવાય. માબાપ આ જવાબદારી પુરી કરીને જાણે માથા પરથી મણનો બોજ ઉતરી ગયો હોય એવી રાહત અનુભવે.  સાથે યુવક યુવતીના જીવનમાં પણ અસાધારણ પ્રસંગ. એક જ વખત આવું ધ્યાન ને માન મળે. એક દિવસનો રાજા  'વરરાજા"
       વિવાહ નક્કી થાય એમા ઘણા ક્રમ છે. જેમકે ચાંદલો, ચુંદડી, મંડપરોપણ, જાનપ્રસ્થાન ને આગમન, વરઘોડો, માયરા, કન્યાદાન, ચોરીઓ, ચાર ફેરા, જવતલ, ને છેલ્લે કન્યા વિદાય. આજે આપણે આ પ્રસંગે ગવાતા મંગલગીતો પર ઉડતી નજર નાખીએ. જે સમયમાં ડી. જે કે રેડીયો કે ટેપરેકોર્ડ નહોતા ત્યારની વાત છે.
      પ્રથમ તો વિવાહ નક્કી થાય. વરપક્ષ તરફથી કન્યાને ચાંદલો કરવા ને ચુંદડી ઓઢાડવા આવે. ચુંદડીનો અર્થ કે આ દિકરીને અમારા પરિવારમાં સમાવી લેવામાં આવે છે. જાહેરનામુ!    એની સાથે મંગળગીત ગવાય
  " નવે નગરથી સુંદર ચુંદડી આવી રે. લેરખડા મારે ચંપાબેનને કાજ. ઓઢોને બેની ચુંદડી'

પછી લગ્ન નક્કી થાય, સગાવહાલાને પાડોશીઓ ભેગાથાય. ગોર મહારાજ ના હાથે આ કરાર લખાય.ને એજ વરપક્ષને પહોચાડે. કંકુ છાંટીને કંકોતરી છપાય ને સગાવહાલા ને આમંત્રિતોને મોકલાવાય. એ વખતે ગવાય,
' કંકુ છાંટી કંકોતરી મોકલજો, એમા લખજો વરકન્યાનું નામ કે વિવાહ આવ્યા ઢુંકડા'
 પછી ઘરમાં રંગરોગાન થાય. શણગાર થાય. મોતીના તોરણ,ચાકળા, ટોડલીયા, ગણેશસ્થાપના, હીરના ચંદરવા, પરદા,  ઝુમ્મર.એના ભરેલા આભલાથી ઘર ઝળહળી ઉઠે. દિવાની જરુર જ નહિ.

એ સમયે આજના જેવી કેટરિંગ કે ડી. જે. કે મંડપસર્વીસ નહોતી. આસપાસના બહેનો ભેગા થાય. અનાજ સાફ કરે, વડી,પાપડ, પાપડી, વેફર તૈયાર કરે. એ સમયે પણ ગીતો તો ચાલુ જ હોય.  લગ્નનો દિવસ આવે ત્યા સુધી સવારસાંજ બહેનો પ્રભાતીયા ને સાંજે મંગલ ગીતો ગાય. એક નમુનો પ્રભાતીયાનો
 ,''ચાંદા શીળી રાત રે કાનકુંવર જનમીયા, કાનડદેવ જનમીયા ત્યારે વાસુદેવને ઘર દિવો રે'
'સુભદ્રાબેનના વીરા સદા રહેજો વહારે રે'                        આગલા અંકે

No comments:

Post a Comment